ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં 26 વર્ષમાં પ્રથમવાર જીતી વન ડે શ્રેણી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં 26 વર્ષમાં પ્રથમવાર જીતી વન ડે શ્રેણી

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં 26 વર્ષમાં પ્રથમવાર જીતી વન ડે શ્રેણી

 | 9:28 am IST

દક્ષિણ આફ્રિકા સામેની પાંચમી વન ડમાં વિજય મેળવી ભારતે છ વન ડેની શ્રેણી 4-1થી જીતી છે. આ સાથે ભારતે દક્ષિણ આફ્રિકા સામે તેની જ ધરતી પર 26 વર્ષમાં પ્રથમવાર શ્રેણીવિજય જ મેળવ્યો નથી, પરંતુ સતત 9મી દ્વિપક્ષીય વન ડે શ્રેણી જીતીને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ પણ ભોંય ભેગો કર્યો છે.

સૌથી વધારે સતત શ્રેણી જીતવાનો રેકોર્ડ વિસ્ટ ઈન્ડિઝ ધરાવે છે. વેસ્ટ ઈન્ડીઝે 1980થી 1988 સુધી સતત 15 શ્રેણીમાં વિજય મેળવ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા સતત નવ શ્રેણી જીતી બીજા અને આઠ શ્રેણી જીતી ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે.

દક્ષિણ આફ્રિકા સામે પોર્ટ એલિઝાબેથમાં રમેયાલી પાંચમી વન ડેમાં ભારતે 73 રનથી વિજય મેળવી ઈતિહાસ લખ્યો છે. અગાઉ સળંગ ત્રણ વન ડે જીતી ભારતે ઈતિહાસ રચ્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માર્કરમે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતાં દક્ષિણ આફ્રિકાને 275 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ યજમાન ટીમ માત્ર 42.3 ઓવરમાં જ 201 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે વન ડે શ્રેણી 4-1થી જીતી  છે.

 

ભારતના કુલદીપ યાદવે ચાર, હાર્દિક પંડ્યા અને ચહલે 2-2  તથા બુમરાહે એક વિકેટ ઝડપી હતી. જસપ્રીતની બોલિંગમાં  પ્રથમ કેપ્ટન માર્કરમ 23 રને વિરાટ કોહલીની હાથમાં ઝડપાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર 1992માં  દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો હતો અને કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વ હેઠળની ટીમ સાત વન ડેની શ્રેણી 2-5થી હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયા આ ઉપરાંત 2006-07માં 0-4, 2010-11માં 2-3 અને 2013-14માં 0-2થી દક્ષિણ આફ્રિકામાં શ્રેણી હારી ગઈ હતી.

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પ્રથમ ચાર મેચમાં સદંતર નિષ્ફળ રહ્યા હતાં, પરંતુ પાંચમી વન ડેમાં તેમણે આકર્ષક સદી ફટકારી હતી.

પાંચમી વન ડેમાં વિજયથી ભારે ખુશ દેખાતા કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેણીવિજયને  સમગ્ર ટીમના સહિયારા પ્રયાસોનો વિજય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે હું આ વિજયથી ભારે ખુશ છું. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં દરેક ક્ષેત્રમાં સુંદર દેખાવ કર્યો છે.