ઇન્ડિયન બેન્કને ૩.૭૭ કરોડનો ચૂનો લગાડનાર ગઠિયો ઝડપાયો - Sandesh
  • Home
  • Mumbai
  • ઇન્ડિયન બેન્કને ૩.૭૭ કરોડનો ચૂનો લગાડનાર ગઠિયો ઝડપાયો

ઇન્ડિયન બેન્કને ૩.૭૭ કરોડનો ચૂનો લગાડનાર ગઠિયો ઝડપાયો

 | 3:10 am IST

। મુંબઈ ।

ધારાવીમાં આવેલી ઇન્ડિયન બેન્કની બ્રાંચમાં છેલ્લા બે વર્ષથી ગોલ્ડ વેલ્યુઅર તરીકે જોબ કરતા અને પોતાની જ્વેલરીની દુકાન ધરાવતા ૪૩ વર્ષના રામાસ્વામી નડારે બેન્કને રૃા.૩.૭૭ કરોડમાં છેતરી હતી. ધારાવી પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી. હાલમાં જ બેન્કે તેની પાસે કેટલાક ઘરેણા વેચવાનો નિર્ણય કર્યો હતો અને કેટલાક લોકર્સમાં રાખેલા સોનાના ઘરેણાના ૭૭ પેકેટ વેચવા કાઢયા હતા, પણ એ ઘરેણા વેચતી વખતે દાગીના બનાવટી જણાતા બેન્કના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. તેમણે આ બાબતે તરત જ ધારાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરી હતી કે બેન્કના લોકરમાં આ દાગીના હતા તો એ બનાવટી કઇ રીતે થયા? વેલ્યુઅરે શું ચકાસ્યું? એથી રામાસ્વામીને તાબામાં લઇ પૂછપરછ કરાઈ હતી. રામાસ્વામીએ પહેલા તો પોતાને એ વિશે કશી જાણ ન હોવાનું ગાણું ગાયે રાખ્યું હતું, પણ પોલીસે કરડાકી વાપરતા આખરે તેણે ગુનો કબૂલી લીધો હતો. તેણે કબૂલ્યું હતું કે તે દાદરથી બનાવટી જ્વેલરી ખરીદતો હતો અને તેણે ૧૨ બનાવટી ગ્રાહકો ઉભા કર્યા હતા તેમને એ ઘરેણા આપી તેમને એ ઘરેણા ગીરવે લોન લેવા કહેતો. તે બનાવટી ગ્રાહકોના દાગીના તેની પાસે જ ચકાસણી અને વેલ્યુએશન માટે આવતા એથી એ દાગીના સોનાના હોવાનું ર્સિટફિકેટ આપી તેનું વેલ્યુએશન કરી દેતો. એથી બેન્ક એ દાગીના ગીરવે લઇ સામે લોન આપતી હતી. લોનની રકમ ઇશ્યુ કરાય એટલે રામાસ્વામી ફરી એ ડમી ગ્રાહકનો સંપર્ક કરી તેને થોડુ કમિશન આપી બાકીના નાણા પોતે રાખી લેતો હતો. એ નાણામાંથી તેણે પ્રોપર્ટી, કાર અને બાઇક ખરીદ્યા હતા. ધારાવી પોલીસ હવે એ નાણા પાછા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ તેને એ રેકેટમાં મદદ કરનાર એ ૧૨ ડમી ગ્રાહકોને પણ શોધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;