દેશભરમાં E20 પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે E20 ફ્યુઅલથી વાહનનું એન્જિન ખરાબ થાય છે અથવા સીઝ થઈ જાય છે તેવી વાતો સંપૂર્ણપણે ભ્રામક છે. તેમણે જણાવ્યું કે E20માં 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે. ઈથેનોલની ઊર્જા ક્ષમતા સામાન્ય પેટ્રોલ કરતાં થોડી ઓછી હોવાથી માઈલેજમાં નજીવો ઘટાડો થઈ શકે છે, પરંતુ તે ચિંતાજનક નથી. માઈલેજ ડ્રાઈવિંગની રીત પર આધાર રાખે છે ગડકરીએ જણાવ્યું કે માઇલેજ મુખ્યત્વે ટ્રાફિકની સ્થિતિ અને ડ્રાઈવિંગની રીત પર આધાર રાખે છે. શહેરના ભારે ટ્રાફિકમાં વારંવાર બ્રેક અને નીચા ગિયરમાં વાહન ચલાવવાથી માઈલેજ ઓછી મળે છે, જ્યારે હાઈવે પર સતત ગતિએ વાહન ચલાવતાં થોડો તફાવત અનુભવાઈ શકે છે. એન્જિનને નુકસાન પહોંચાડવાની વાતોને નકારી કાઢતાં તેમણે જણાવ્યું કે E20 ફ્યુઅલને લાગુ કરતા પહેલાં ARAI અને વિવિધ વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જૂના વાહનોમાં ધાતુના વોશરની જગ્યાએ રબરના વોશર લગાવવાની ભલામણ કરવામાં આવી છે અને કંપનીઓને સર્વિસ દરમિયાન તે નિઃશુલ્ક બદલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી મોટો બદલાવ લાવશે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એન્જિનમાં થતી ઘણી સમસ્યાઓનું મુખ્ય કારણ પેટ્રોલમાં થતી ભેળસેળ છે, E20 ફ્યુઅલ નહીં. ગડકરીએ જણાવ્યું કે ભવિષ્યમાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી મોટો બદલાવ લાવશે. ટાટા, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિન્દ્રા અને ટોયોટા જેવી કંપનીઓ ટૂંક સમયમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો બજારમાં લાવશે. ઉપરાંત ડીઝલના વિકલ્પ તરીકે મેથનોલ અને અન્ય સ્વદેશી ઈંધણના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેનાથી ઇંધણ આયાતમાં ઘટાડો થશે અને પ્રદૂષણમાં પણ રાહત મળશે. આ પણ વાંચો : Supreme Courtનો કડક આદેશ, ગેરકાયદે અને જોખમી ઈમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરો