France Former President Said Indian Government Proposed Reliance Name For Rafale Deal
  • Home
  • Featured
  • રાફેલ સોદામાં રિલાયંસની ભૂમિકાને લઈને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કર્યો સનસનાટીપૂર્ણ ખુલાસો

રાફેલ સોદામાં રિલાયંસની ભૂમિકાને લઈને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કર્યો સનસનાટીપૂર્ણ ખુલાસો

 | 10:21 pm IST

રાફેલ સોદામાં ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાન્દે દ્વારા કરવામાં આવેલા સનસનાટીભર્યા ખુલાસાએ દેશમાં રાજકીય મોરચે ખળભળાટ મચાવ્યો છે. ઓલાન્દેએ કહ્યું છે કે, ભારત સરકાર દ્વારા જ અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝને રાફેલ જેટ સોદાનો કોન્ટ્રાક્ટ આપવા અને ભારતીય પાર્ટનર તરીકે પસંદ કરવા માટે આગ્રહ રાખવામાં આવ્યો હતો, તેને પસંદ કરવામાં દસોલ્ટ કંપનીની કોઈ ભૂમિકા ન હતી કે કંપની પાસે અન્ય વિકલ્પ પણ ન હતો.

આ પણ વાંચો : દેશમાં રાજકીય ઘમાસાણને અવગણી ફ્રાંસમાં ભારતીય વાયુસેના કરી રહી છે રાફેલ ટેસ્ટ

ભારત સરકારની કોઈ ભૂમિકા ન હોવાનો લૂલો બચાવ

ફ્રાન્સની વેબસાઇટ મીડિયાપાર્ટમાં ઓલાન્દેને ટાંકીને આ ખુલાસો કરવામાં આવ્યો હતો, જોકે સંરક્ષણમંત્રાલય દ્વારા આ મામલે ફરી એક વાર લૂલો બચાવ કરીને રાફેલ સોદામાં ભારત સરકારની કે ફ્રાન્સ સરકારની કોઈ ભૂમિકા ન હોવાનો પુનરોચ્ચાર કરાયો હતો. સરકાર દાવો કરી રહી છે કે દસોલ્ટ દ્વારા ભારતીય ભાગીદાર તરીકે અનિલ અંબાણી ગ્રૂપની કંપનીની પસંદગી કરવામાં આવી હતી. અધૂરામાં પૂરું જાણીતા વકીલ પ્રશાંતભૂષણે પણ ઓલાન્દેના આ ખુલાસાને ટાંકીને ટ્વિટ કરી હતી, જેને કારણે રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

વિમાન ક્ષેત્રે અનુભવ ન હોવા છતાં રૂ. 30,000 કરોડનો કોન્ટ્રાક્ટ

વિમાન ક્ષેત્રે અનિલ અંબાણી ગ્રૂપને ભૂતકાળનો કોઈ અનુભવ ન હોવા છતાં તેને રાફેલ વિમાનની જાળવણીનો રૂ. 30,000 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાના મુદ્દે કોંગ્રેસ તેમજ વિપક્ષો દ્વારા ભાજપ સરકાર પર સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સોદામાં કંઈક રંધાયું હોવાના આરોપ લગાવાયા છે.

આ પણ વાંચો : રાફેલ સસ્તા મળતા હતા તો ૧૨૬ના બદલે માત્ર ૩૬ વિમાન જ કેમ ખરીદ્યા? : એન્ટની

અમને જેની સાથે વાતચીત કરવા કહ્યું તેનો અમે સ્વીકાર કર્યો : ઓલાન્દે

ઓલાન્દે કહ્યું હતું કે ભારત સરકારે જે ર્સિવસ ગ્રૂપનું નામ આપ્યું હતું તે પછી દસોલ્ટ દ્વારા અનિલ અંબાણી ગ્રૂપનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. અમને જેની સાથે વાતચીત કરવા કહ્યું તેનો અમે સ્વીકાર કર્યો હતો. આમ ઓલાન્દેનો આ ખુલાસો દસોલ્ટ અને અનિલ અંબાણી ગ્રૂપ વચ્ચેનો સોદો કોર્મિશયલ હોવાના અને તેમાં સરકારની કોઈ ભૂમિકા નહીં હોવાના દાવાને ખોટો ઠરાવે છે.

ઓલાન્દેનાં નિવેદનની સત્યતા તપાસાઈ છે : સંરક્ષણમંત્રાલય

ભારતનાં સંરક્ષણમંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિનાં નિવેદનવાળા રિપોર્ટની સત્યતા તપાસવામાં આવી છે. ફરી એક વાર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ સોદામાં ભારત સરકારની કે ફ્રાન્સ સરકારની કોઈ ભૂમિકા નથી. HALને આ સોદામાં કેમ સામેલ ન કરાઈ તે અંગે જેટલી અને સંરક્ષણપ્રધાન સીતારામને પણ કહ્યું હતું કે બે પ્રાઇવેટ કંપનીઓ વચ્ચે આ સોદો કરાયો હતો તેમાં સરકારની કોઈ ભૂમિકા ન હતી. HALના પૂર્વ વડા સુવર્ણા રાજુએ પણ કહ્યું હતું કે HAL ભારતમાં જ આ વિમાન બનાવવાની ક્ષમતા ધરાવે છે.