અમેરિકામાં ફરી સશસ્ત્ર લુંટારાઓ દ્વારા એક ભારતીય મૂળની વ્યક્તિની હત્યા - Sandesh
  • Home
  • Nri
  • અમેરિકામાં ફરી સશસ્ત્ર લુંટારાઓ દ્વારા એક ભારતીય મૂળની વ્યક્તિની હત્યા

અમેરિકામાં ફરી સશસ્ત્ર લુંટારાઓ દ્વારા એક ભારતીય મૂળની વ્યક્તિની હત્યા

 | 7:40 pm IST

અમેરિકાના ઓહાયો ખાતે ત્રાટકેલા બે બુકાનીધારીઓએ એક દુકાનમાં કામ કરી રહેલી ભારતીય મૂળની વ્યક્તિની હત્યા કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કરુણાકર કારેંગલ ( 53) જિફી કન્વેનિઅન્સ માર્ટ ખાતે કામ કરે છે. ગયા સોમવારે બે બુકાનીધારીઓ રાતે દશ વાગ્યાના સુમારે શસ્ત્રો સાથે દુકાન પર ત્રાટક્યા હતા અને તેમની હત્યા કરી હતી. કારેંગલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પણ શુક્રવારે તેમનું મૃત્યુ થયું હતું.

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કારેંગલના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરવામાં આવી છે. આ ઘટનામાં હજી કોઈ ધરપકડ નથી થઈ. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમેરિકાના નજીકના વિસ્તારમાં કારેંગલના નજીકના કોઈ સગા રહેતા નથી. હુમલાખોરોનું કોઇ વર્ણન ઉપલબ્ધ નથી. માત્ર એટલું જાણમાં આવ્યું છે કે તેમણે બુકાની બાંધેલી હતી અને જેકેટ પહેરેલા હતા.

જે વિસ્તારમાં હત્યા થઈ હતી તે વિસ્તારમાં અન્ય વેપારીઓમાં પણ ભયની લાગણી પ્રવર્તી રહી છે.તાજેતરના મહિનાઓમાં અમેરિકામાં ભારતીય મૂળના લોકોની હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આ મહિનાના આરંભમાં શિકાગોમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહેલા 30 વર્ષના ભારતીય યુવક પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્સાસ ખાતે ભારતના સોફ્ટવેર એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની પણ અમેરિકી નૌકાદળના એક જવાને ગોળી મારીને હત્યા કરી હતી. શ્રીનિવાસ અને તેમના મિત્રને ભારત પાછા જતા રહેવા પણ કહેવામાં આવ્યું હતું. તેના ગણતરીના સપ્તાહમાં જ વોશિંગ્ટનમાં શીખ યુવાનને બુકાનીધારીએ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. તે શીખ યુવાનને પણ ભારત પાછા જતા રહેવા કહેવામાં આવ્યું હતું.

અમેરિકામાં ગોળીબારની 58,491 ઘટના
વર્ષ 2017માં અમેરિકામાં 58,491 જેટલી ગન વાયોલન્સની ઘટના ઘટી છે. આ ઘટનાઓમાં 14,763 લોકો માર્યા ગયા છે તો 29,888 લોકોને ઇજા પહોંચી છે. અમેરિકામાં ગોળીબારોની થતી રહેતી ઘટનાઓ પર નજર રાખી રહેલા સંગઠને આ માહિતી આપી છે.