કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. આજે બપોરે 12:40 વાગ્યાના સુમારે રાપર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જમીન ધ્રુજી ઊઠી હતી. બપોરના સમયે આવેલી આ ભૂકંપની હલચલના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો ઘરો અને દુકાનોમાંથી સુરક્ષિત સ્થળે બહાર દોડી આવ્યા હતા. કેન્દ્રબિંદુ રાપરથી 18 કિમી દૂર નોંધાયું સિઝમોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR) ના સત્તાવાર આંકડા અનુસાર, બપોરે અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છના રાપર શહેરથી આશરે 18 કિલોમીટર દૂર જમીનના પેટાળમાં નોંધાયું હતું. ભૂગર્ભમાં થયેલી આ હલચલને કારણે જમીન પર હળવા સ્પંદનો અનુભવાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન નહીં કચ્છ અને ખાસ કરીને વાગડ પટ્ટામાં અવારનવાર આવતા ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, 2.8ની ઓછી તીવ્રતા ધરાવતો આંચકો હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાના સમાચાર નથી, જેનાથી સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો