નામનું જ છે કામ, યુવકે 40 ઈન્ટરવ્યૂ આપ્યા તોય ના મળી નોકરી

1341

ઝારખંડના જમશેદપુરમાં રહેતો યુવાન ભણવામાં હોશિંયાર અને શૈક્ષણિક કારકિર્દી પણ ઉજવળ છે છતાં તેને નોકરી મળતી નથી. આ યુવાને 40 જેટલા ઈન્ટરવ્યૂ આપ્યા છે પણ એકેય કંપનીએ તેની પસંદગી કરી નથી.

તમિળનાડુની નુરુલ ઈસ્લામ યુનિવર્સિટીમાંથી તેણે મરીન એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂરો કર્યાને બે વર્ષનો સમય થઈ ગયો છતાં તેને હજુ સુધી નોકરી મળી નથી. તેનું કારણ છે તેનું નામ. આ યુવાનનું નામ સદ્દામ હુસૈન છે. આ કારણે તેને નોકરીએ રાખવા કોઈ તૈયાર થતું નથી. જોકે ઈરાકના પૂર્વ સરમુખત્યાર અને યુવાનના નામની જોડણીમાં ફેર હોવા છતાં કોઈના ગળે તેની વાત ઉતરતી નથી. ઈરાકના સરમુખત્યાર અને ફાંસીની સજા પામેલા સદ્દામ હુસૈનની અંગ્રેજી જોડણી છે Hussain, જ્યારે તમિળનાડુના યુવકના નામની જોડણી છે Hussein.

આખરે ભારતીય સદ્દામ હુસૈને તેનું નામ જ બદલી નાખવાનો નિર્ણય કર્યો છે. તેણે નવું નામ સાજીદ રાખ્યું છે, પરંતુ વિવિધ દસ્તાવેજો અને માર્કશીટમાં નામ બદલવાની સરકારી કામગીરી ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે.

સેકન્ડરી માર્કશીટમાં તેનું નામ બદલવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. આખરે તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ અંગે હવે વધુ સુનાવણી પાંચ મેએ યોજાશે. ત્યારપછી યુનિવર્સિટીની માર્કશીટમાં નામ બદલવાની કાર્યવાહી હાથ ધરાશે. આ કામગીરી પૂર્ણ થયા પછી જ સાજીદ ઉર્ફે સદ્દામ હુસેનને નોકરી મળવાની પૂરેપૂરી આશા છે.

જાણીને નવાઈ લાગશે કે તેની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓને નોકરી મળી ગઈ છે, પરંતુ સાજીદ ઉર્ફે સદ્દામ હુસૈન હજુ નોકરી શોધી રહ્યો છે.