Indian Stock Market crash due to New Corona variant effect
  • Home
  • Business
  • કોરોનાના નવા વેરિએન્ટથી શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા!

કોરોનાના નવા વેરિએન્ટથી શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા!

 | 2:27 pm IST
  • Share

  • આજે બજાર માટે બ્લેકફ્રાઇડે, સવારથી બજાર પટકાયા બાદ ઉભું થઇ શકયું નથી

  • માત્ર 6 કલાકમાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ

  • કોરોનાના નવા વેરિએન્ટે દુનિયાભરમાં તહલેકા મચાવ્યો

આજે બજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. કોરોનાના નવા વેરિએન્ટથી બજાર ડરી ગયું છે. બીએસઇ ખાતે સેન્સેક્સ ધડામ કરતો પછડાયો છે. બપોરે 2.08 વાગ્યે સેન્સેક્સ 1510ના કડાકા સાથે 57284 પર ટ્રેડ થઇ રહ્યો છે. તો નિફ્ટી 420 અંકના કડાકા સાથે 17115 પર ટ્રેડ થઇ રહી છે. આટલા મોટા ઘટાડાનું કારણ કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ છે જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. તેના કારણે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને થોડા જ કલાકોમાં રોકાણકારોના લગભગ 6.55 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા. સેન્સેક્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.265.66 લાખ કરોડથી ઘટીને રૂ. 259.11 લાખ કરોડ થયું છે.

આજે સેન્સેક્સ 541 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 58,254.79 પોઈન્ટ પર ખુલ્યો હતો અને આ ઘટાડો સતત વધી રહ્યો હતો. સ્થિતિ એવી બની કે સેન્સેક્સ 1500 પોઈન્ટથી વધુ તૂટ્યો. દિવસના ટ્રેડિંગસેશનમાં સેન્સેક્સ 57,284 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ તેના ઓપનિંગ લેવલથી ઉપર જઈ શક્યો ન હતો.

બીજીબાજુ નિફ્ટીની સ્થિતિ પણ એવી જ સ્થતિ છે. ગુરુવારના રોજ 17,536.25 પર બંધ થયેલો નિફ્ટી લગભગ 198 પોઈન્ટના ઘટાડા સાથે 17,338.75 પોઈન્ટ પર ખુલ્યો હતો. ત્યારબાદ ટ્રેડિંગમાં આ ઘટાડો વધુ વધ્યો અને ટૂંક સમયમાં બજાર 17,088 ના સ્તર પર આવી ગયું. એટલે કે નિફ્ટીમાં 420 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોનાનું નવું સ્વરૂપ શું છે?

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા પ્રકાર B.1.1.529ની શોધ બાદ ભારત એલર્ટ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને તકેદારી વધારવા સૂચના આપી છે. દ.આફ્રિકા, બોટ્સવાના ઉપરાંત હોંગકોંગમાં પણ B.1.1.529 વેરિઅન્ટના દર્દીઓ જોવા મળી રહ્યા છે. B.1.1529 વેરિઅન્ટ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેની ખરાબ અસર ભારતના શેરબજાર પર પણ જોવા મળી રહી છે.

આફ્રિકન દેશોની ફ્લાઈટ પર પ્રતિબંધ શરૂ


વિશ્વભરના નિષ્ણાતો આ વેરિએન્ટને એક મોટો ખતરો માની રહ્યા છે. આ જ કારણ છે કે આફ્રિકન દેશોની ફ્લાઈટ્સ રોકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈઝરાયેલે સાત આફ્રિકન દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઇઝરાયેલ સરકાર આફ્રિકા, લેસેથો, બોટ્સવાના, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નામિબિયા અને એસ્વાતિની જેવા દેશોને રેડ લિસ્ટમાં મૂકી દીધા છે. તો યુકે એ છ આફ્રિકન દેશોના અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાંની સરકારે આ દેશોની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે.

લોકડાઉનનો ખતરો સતાવી રહ્યો છે

કોરોનાનું નવું સ્વરૂપ સામે આવ્યા બાદ હવે લોકોને ફરીથી લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં યુરોપિયન દેશોએ પણ કોવિડ-19 બૂસ્ટર રસીકરણ વધારવાનું શરૂ કર્યું છે. આ સાથે નિયમોમાં કડકાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. સ્લોવાકિયાએ પણ બે અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી છે. ચેક રિપબ્લિકે ટૂંક સમયમાં જ બાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો જર્મનીમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 1 લાખને વટાવી ગયો છે.

FII કરી રહ્યું છે સતત વેચવાલી

FII એ શેરબજારમાં વેચવાલી શરૂ કરી દીધી છે. NSEના ડેટા અનુસાર, FIIએ લગભગ 2300 કરોડના શેર વેચ્યા છે. બીજી તરફ, DII આ વેચાણ કરતાં ઘણી ઓછી ખરીદી કરી રહ્યું છે, જેના કારણે ઘટાડો વધતો જઇ રહ્યો છે. તેના લીધે રોકાણકારોમાં ડર વધી રહ્યો છે અને તેઓ ઝડપથી તેમના પૈસા ઉપાડી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો