ભારતીય ટીમ કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ટીમ કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે

ભારતીય ટીમ કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે

 | 3:08 am IST

જૈફ થોમસન

ઓસ્ટ્રેલિયા સામે સ્માર્ટ ક્રિકેટ રમવાના કારણે ભારતે વર્તમાન વર્લ્ડ કપના સૌથી મહત્ત્વપૂર્ણ મુકાબલામાં વિજય હાંસલ કર્યો હતો. ભારતીય ટીમના બેલેન્સ તથા કોમ્બિનેશનના કારણે હું ઉત્સાહિત છું. ભારતીય ક્રિકેટ ટીમ આટલું ઉચ્ચ સ્તરીય ક્રિકેટ રમે છે તેવું મેં આ પ્રથમ વખત જોયું છે. જોકે તેનો મતલબ એ નથી કે હું બીજી મેચોનો ઓછો આદર કરું છું. કોહલીની ટીમ બેલેન્સ છે અને તેમણે પ્રથમ બોલથી હરીફ ટીમનો કોલર પકડીને મેચ પર દબદબો જાળવી રાખ્યો હતો. મને તેનો અભિગમ ગમ્યો છે અને આ રીતે જ એક સમયે ઓસ્ટ્રેલિયા રમતું હતું. હવે ભારતીય ટીમ આ એપ્રોચ દર્શાવી રહી છે.

બીજી મોટી મેચ પહેલાં કોહલીએ કેટલીક બાબતોનો હજુ ઉકેલવાની બાકી છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં રોહિત તથા ધવનની ઓપનિંગ જોડી શાનદાર રહી હતી. ધવનને અંગૂઠામાં થયેલા ફ્રેક્ચરના કારણે લોકેશ રાહુલ પાસે ઇનિંગ્સનો પ્રારંભ કરાવવામાં આવે તેવી સંભાવના છે. હું હંમેશાં ધવનનો જબરજસ્ત ફેન રહ્યો છું. ન્યૂઝીલેન્ડ સામે ભારતને ધવનની ખોટ પડશે તે ચોક્કસ છે. બીજી બાબત એ છે કે મિડલ ઓર્ડરમાં કોણ આવશે ? હું વિજય શંકરને પ્રાધાન્ય આપું છું. તે ન્યૂઝીલેન્ડની ટીમને સારી રીતે જાણે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે તે તે ગયા વર્ષે ભારત અને ન્યૂઝીલેન્ડની એ-ટીમો વચ્ચે રમાયેલી સિરીઝમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. દ્વિપક્ષીય શ્રેણીમાં પણ જ્યારે વેલિંગ્ટન ખાતે ભારત ૧૮ રનમાં ચાર વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે શંકરે ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. ઇંગ્લેન્ડની પરિસ્થિતિ પણ શંકરની બોલિંગને માફક આવે છે. જો હું વિરાટ કોહલી હોઉં તો મેં ચોક્કસપણે કાર્તિકના સ્થાને શંકરને ટીમમાં સ્થાન આપ્યું હોત. કાળા વાદળોવાળું વાતાવરણ ન્યૂઝીલેન્ડને વધારે માફક આવે છે જે ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી શકે છે. છ પોઇન્ટ સાથે લીગ ટેબલમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ ક્રમાંકે છે. ઇંગ્લેન્ડના વાતાવરણનો ન્યૂઝીલેન્ડ આનંદ માણી રહ્યું છે અને હવામાન માફક રહેશે તો મેન ખાતરી છે કે બાઉલ્ટ જેવા બોલર્સ બંને ટીમો વચ્ચેનો ફરક દર્શાવી શકે છે.  નોટિંગહામમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હવામાન વધારે સારું થાય તેવા ભાગ્યે જ સંકેત મળી રહ્યા છે. જો વાતાવરણ વાદળછાયું રહેશે તો પિચ ઉપર કવર રાખી મુકવામાં આવશે અને આ સ્થિતિ પેસ બોલર્સ માટે સ્વર્ગસમી સાબિત થશે.  ગયા વર્ષે હેમિલ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ ભારતને માત્ર ૯૨ રનમાં ઓલઆઉટ કર્યું હતું. વોર્મ-અપ મેચમાં પણ ભારત કિવિ ટીમ સામે ૧૭૯માં સમેટાયું હતું. બંને મેચોમાં બાઉલ્ટ ચાવીરૂપ ખેલાડી બન્યો હતો.  જો ન્યૂઝીલેન્ડ પાસે બાઉલ્ટ છે તો ભારત પાસે બુમરાહ, શમી તથા ભુવીને સ્વરૂપે ત્રિપુટી છે. ન્યૂઝીલેન્ડ સામે એક સ્પિનરના સ્થાને શમીને રમાડવામાં આવશે તેની મને પૂરી ખાતરી છે. મારા મતે કુલદીપને બહાર બેસાડવામાં આવશે. ધવનના સ્થાને વિજય શંકરને સ્થાન આપીને ભારતે રાહુલ અને રોહિત પાસે ઓપનિંગ કરાવવું જોઇએ.

આ સ્થિતિમાં ભારત પાસે પાંચ સિમર બોલર ભુવી, બુમરાહ, શમી, હાર્દિક તથા શંકર થઇ જશે. કેટલાક સમય પહેલાં જ ભારતે ન્યૂઝીલેન્ડ સામે ૪-૧ના માર્જિનથી આસાન શ્રેણીવિજય મેળવ્યો હતો. બેટિંગ, બોલિંગ તથા ફિલ્ડિંગના કારણે વર્તમાન સમયમાં ભારત અન્ય ટીમો કરતાં અલગ પડે છે. મેચ રોમાંચક બનશે તેમાં કોઇ શંકા નથી. બાઉલ્ટ હોય કે ના હોય, સની વેધર કે ઓવરકાસ્ટ કન્ડિશન, પિચ પેસ બોલર્સને મદદ કરે છે કે નહીં, વર્તમાન ભારતીય ટીમ તમામ પડકાર ઝીલવા માટે સજ્જ છે. ભારત મારી ફેવરિટ ટીમ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન