પાકિસ્તાની સેનાના મોર્ટારમારામાં ભારતીય સેનાના બે જવાન શહીદ - Sandesh
  • Home
  • India
  • પાકિસ્તાની સેનાના મોર્ટારમારામાં ભારતીય સેનાના બે જવાન શહીદ

પાકિસ્તાની સેનાના મોર્ટારમારામાં ભારતીય સેનાના બે જવાન શહીદ

 | 4:41 am IST

જમ્મુ, તા. ૬

ચાર દિવસના વિરામ બાદ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી ખાતે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર કરેલાં યુદ્ધવિરામનાં ઉલ્લંઘનમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા હતા. પૂંચ જિલ્લાના ક્રિશ્નાઘાટી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ કરેલા મોર્ટારમારા અને ગોળીબારમાં બે જવાન સહિત ત્રણ નાગરિકને ઈજા પહોંચી હતી. દિલ્હીમાં સેનાના પ્રવક્તા લે. કર્નલ મનીષ મેહતાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની હુમલાનો ભારતીય દળો સજ્જડ જવાબ આપી રહ્યાં છે. ભારતીય સેનાનાં આક્રમણમાં પાકિસ્તાની ચોકીઓને ભારે નુકસાન થયું છે. રવિવારે સવારે ૭:૩૦ કલાકે પાકિસ્તાની સેનાએ મોટાર્મારો શરૂ કર્યો હતો.   પાકિસ્તાની સેનાએ ભારતની વિક્ટર પોસ્ટને લક્ષ્યાંક બનાવી હતી. ભારતે વળતા જવાબમાં પાકિસ્તાનની કોપ્રા પોસ્ટને તબાહ કરી દીધી હતી. ભારતના હુમલામાં પાકિસ્તાની જવાનોની પણ જાનહાનિ થઈ છે પરંતુ તેની સંખ્યા જાણવા મળી નથી. પાકિસ્તાની સેનાના હુમલામાં ૨૨મી શીખ રેજિમેન્ટના સિપાઈ ગુરસેવકસિંહ શહીદ થયા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પૂંચ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. બપોરે બે કલાકે રાજૌરીની ગેરિસન હોસ્પિટલ ખાતે શહીદ સૈનિકને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

કાશ્મીરખીણમાં ૩૦૦ આતંકવાદી સક્રિય : ડીજીપી

જમ્મુ-કાશ્મીરના ડીજીપી કે. રાજેન્દ્રે રાજ્યની સ્થિતિ અત્યંત નાજુક ગણાવતાં જણાવ્યું હતું કે, કાશ્મીરખીણમાં હજુ ૩૦૦ આતંકવાદી સક્રિય છે. એલઓસી પરથી ઘૂસણખોરી અવિરત ચાલી રહી છે, જેને કારણે રાજ્યની સ્થિતિ વણસી રહી છે.

લદ્દાખમાં ચીનની ધમકીને વશ થયા વિના સેનાએ કેનાલનું કામ પૂરું કર્યું

લદ્દાખના દેમચોક ખાતેની એલએસી પર ચીની સૈનિકોએ ડેરા તાણી વાંધો ઉઠાવ્યો હોવા છતાં ભારતીય સેનાના ઇજનેરોએ ગામમાં કેનાલનું કામ પૂરુંં કર્યું છે. ગામલોકોને પાણી પૂરુંં પાડવા માટેની પાઇપલાઇન બિછાવવામાં ભારતીય સેનાને સફળતા મળી છે. ચીની સેનાએ આ નિર્માણકાર્ય સામે વાંધો ઉઠાવ્યો હતો.

ભાજપ સરકાર દેશનું શીશ ઝૂકવા નહીં દે : રાજનાથ

પાકિસ્તાન પર આકરો પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જયપુર ખાતે જણાવ્યું હતું કે, પાડોશી દેશ કાયરતાપૂર્ણ આતંકી કૃત્યો દ્વારા ભારતને અસ્થિર કરવાના પ્રયાસ કરે છે પરંતુ ભાજપ સરકાર દેશનું શિર કોઈની સામે ઝૂકવા દેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન