આઈસીસી ચેમ્પિયનશિપ માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા જશે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આઈસીસી ચેમ્પિયનશિપ માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા જશે

આઈસીસી ચેમ્પિયનશિપ માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા જશે

 | 11:38 am IST

ભારતીય મહિલા ટીમ આઈસીસી મહિલા ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડના મુકાબલા માટે ૧૧થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકાનો પ્રવાસ ખેડશે.

આઈસીસી મહિલા વર્લ્ડ કપ ૨૦૨૧ માટે ક્વોલિફાઈ કરવાની દોડમાં છેલ્લા ચાર સ્થાને રહેલી શ્રીલંકા, ભારત, વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની નજર ટોપ ફોરમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની નજીક પહોંચવા પર છે.

આઈસીસી મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર ભારતીય ટીમ છ મેચમાં ચાર પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ટીમે બે જીત સાઉથ આફ્રિકા સામે ૨-૧ની સિરીઝ જીત દરમિયાન મેળવી હતી. શ્રીલંકાની ટીમ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ સામે સિરીઝ રમ્યા બાદ એકેય પોઇન્ટ મેળવી શકી નહોતી.

હવે શ્રીલંકા અને ભારત બંને માટે આ સિરીઝ ઘણી મહત્ત્વની છે. ઘરેલુ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતીય ટીમ માટે વાપસીની તક છે જ્યારે શ્રીલંકા ખાતું ખોલાવવાના લક્ષ્ય સાથે ઉતરશે. આઈસીસી મહિલા ચેમ્પિયનશિપમાં તમામ આઠ ટીમો ઘરેલુ અને વિરોધી ટીમના મેદાન પર ત્રણ-ત્રણ મેચની વન-ડે સિરીઝ રમશે. વન-ડે મેચ બાદ યોજાનાર મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારી માટે ઘણી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમશે.