India's debt up 50% to Rs 82 lakh crore in Modi Government Time
  • Home
  • Featured
  • મોદીનાં સાડા ચાર વર્ષનાં રાજમાં ભારતના દેવાનો આંકડો સાંભળશો તો તમ્મર આવી જશે

મોદીનાં સાડા ચાર વર્ષનાં રાજમાં ભારતના દેવાનો આંકડો સાંભળશો તો તમ્મર આવી જશે

 | 10:24 pm IST

નરેન્દ્ર મોદી સરકારાનાં સાડા ચાર વર્ષનાં શાસનમાં ભારત સરકારનું કુલ દેવું 49 ટકા વધીને રૂપિયા 82 લાખ કરોડ પર પહોંચી ગયું છે. સરકારી દેવાનાં સ્ટેટસ પેપરની આઠમી આવૃત્તિમાં આ દાવો કરાયો છે. ભારત સરકાર પરનાં દેવાં અંગેનાં નાણામંત્રાલયના આંકડા દર્શાવે છે કે, જૂન 2014 સુધી ભારત સરકાર પર કુલ દેવું રૂપિયા 54,90,763 કરોડ હતું જે સપ્ટેમ્બર 2018માં 49 ટકા વધીને રૂપિયા 82,૦૩,૨૫૩ કરોડ પર પહોંચી ગયું છે. મોદી સરકારનાં સાડા ચાર વર્ષનાં શાસનમાં ભારત સરકારનું જાહેર દેવું 51.7 ટકા વધીને રૂપિયા 48 લાખ કરોડથી રૂપિયા ૭૩ લાખ કરોડ પર પહોંચ્યું છે. તેવી જ રીતે ભારત સરકારનું આંતરિક દેવું 54 ટકા વધીને રૂપિયા 68 લાખ કરોડ થયું છે. મોદી સરકારે સાડા ચાર વર્ષમાં લીધેલી માર્કેટ લોનમાં 47.5 ટકાના વધારા સાથે રૂપિયા બાવન લાખ કરોડનો આંકડો વટાવી ગઈ છે જૂન 2014માં ગોલ્ડ બોન્ડ દ્વારા સરકારે મેળવેલાં દેવાં શૂન્ય હતાં જે હાલમાં રૂપિયા 9,089 કરોડ છે.

સ્ટેટસ પેપરમાં ચોંકાવનારા આંકડા છતાં નાણામંત્રાલય કહે છે કે, કેન્દ્ર સરકારની કુલ આર્થિક જવાબદારીઓમાં ઘટાડો થઈ રહ્યો છે અને સરકારી દેવું ફળદાયી જોખમો પર આધારિત છે. સરકાર અત્યારે તેની અંદાજપત્રીય ખાધ નિયંત્રિત રાખવા માટે બજારમાંથી લેવાતાં દેવાં પર આધાર રાખી રહી છે. જે દર્શાવે છે કે, સરકારી દેવું દેવાની સ્થિરતાના માપદંડોની મર્યાદામમાં છે અને તેમાં સતત સુધારો થઈ રહ્યો છે.

શું છે સરકારી દેવાં પરનું સ્ટેટસ પેપર

સરકારી દેવાં પરનાં સ્ટેટસ પેપરમાં કેન્દ્ર સરકાર ભારત સરકાર પર રહેલાં તમામ દેવાંનો વિગતવાર ચિતાર આપે છે. 2010-11નાં નાણાકીય વર્ષથી સરકારી દેવાં પર વાર્ષિક સ્ટેટસ પેપર જારી કરવામાં આવે છે. આ રિપોર્ટમાં સરકારના આર્થિક વ્યવહારો અને અંદાજત્રીય ખાધની વિગતો આવરી લેવાય છે.

મોદી સરકારની પ્રસ્તાવિત ચૂંટણી ઘોષણાઓને કારણે તિજોરી પર રૂપિયા એક લાખ કરોડનો બોજો પડશે

લોકસભાની ચૂંટણી પહેલાં રજૂ થનારાં વચગાળાનાં બજેટમાં મોદી સરકાર મતો અંકે કરવા ઘણી લોકપ્રિય યોજનાઓની જાહેરાત કરવાની યોજના બનાવી રહી છે. આ વખતે ખેડૂત અને ગરીબો મોદી સરકારની પ્રાથમિકતા બની રહેવાના છે. મીડિયા અહેવાલો અનુસાર મોદી સરકાર ગરીબો અને ખેડૂતોને ખુશ કરવા માટે વ્યાજમુક્ત લોન, પ્રતિ હેક્ટર ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર, ગરીબોનાં બેન્કખાતામાં લઘુતમ રકમ જમા કરાવવી જેવી યોજનાઓ લાગુ કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકારની આ યોજનાઓને કારણે દેશની તિજોરી પર રૂપિયા એક લાખ કરોડનો બોજો પડી શકે છે. જો સરકાર વ્યાજમુક્ત લોન આપશે તો તેના પર રૂપિયા 12,000 કરોડનો બોજો પડશે. તે ઉપરાંત સરકારે રૂપિયા 40,000 કરોડ અલગ અલગ યોજનાઓ માટે ખર્ચ કરવા પડશે. તે ઉપરાંત જો સરકાર કરવેરામાં ઘટાડો કરશે તો સરકારી તિજોરીને રૂપિયા 25,000 કરોડનું નુકસાન થશે.

બેન્કોની રૂપિયા ૫.૨૪ ટ્રિલિયનની બેડ લોન જોખમમાં મુકાશે

બેન્કોની નોનપર્ફોર્મિગ એસેટ્સ(એનપીએ)ની ગણતરી આગામી નાણાકીય વર્ષ સુધી ચાલી શકે છે અને બેન્કોની રૂપિયા 5.24 ટ્રિલિયનની બેડ લોન જોખમમાં મુકાઈ શકે છે. ડિલિવરી ઓફ બેન્ક ક્રેડિટ પરની રિઝર્વ બેન્કની તાજેતરમાં જારી કરાયેલી ગાઇડલાઇન્સને કારણે સંભવિત બેડ લોન તણાવમાં વધારો થઈ શકે છે. ઈન્ડિયા રેટિંગ્સના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કની નવી ગાઇડલાઇનને કારણે વર્ષ 2019માં રૂપિયા 5.24 ટ્રિલિયનનાં દેવાંનું જોખમ છે. જેને કારણે બેન્કોના એનપીએની ગણતરીની પ્રક્રિયા વર્ષ 2020 સુધી લંબાઈ શકે છે.

મોદી સરકાર પરનું દેવું

82,03,253 કરોડ રૂપિયા કુલ દેવું
73 લાખ કરોડ રૂપિયા જાહેર દેવું
68 લાખ કરોડ રૂપિયા આંતરિક દેવું
52 લાખ કરોડ રૂપિયા માર્કેટ લોન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન