India's First Covid Plasma Bank Established in Ahmedabad Civil Hospital
  • Home
  • Ahmedabad
  • અમદાવાદીઓ માટે સારા સમાચાર, દેશની પ્રથમ કોવિડ પ્લાઝમા બેંક શરૂ

અમદાવાદીઓ માટે સારા સમાચાર, દેશની પ્રથમ કોવિડ પ્લાઝમા બેંક શરૂ

 | 10:40 pm IST

અમદાવાદમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવામાં અમદાવાદમાં મોતનાં કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ માટે વધુ એક સારા સમાચાર છે. અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ 1200 બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક 24 જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદમાં અગાઉ કોરોનાની મહામારી બેકાબૂ બની ચૂકી હતી. સતત વધતાં કેસોની સાથે મોતનાં કેસોમાં પણ વધારો થઈ રહ્યો હતો. પણ છેલ્લાં ઘણાં દિવસોથી અમદાવાદમાં કોરોનાના કેસોમાં તો ઘટાડો થયો જ છે સાથે મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે.

કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે જેઓને તાવ અને કફ જેવા કોવિડ-19ના લક્ષણો, RT-PCR થી કોવિડ-19નો પોઝિટિવ રીપોર્ટ હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થયાના 28 દિવસ પછી અથવા 14 દિવસ પછી 24 કલાકના અંતરે કોવિડ-19ના 2 RT-PCR નેગેટીવ રીપોર્ટ ધરાવતા હોય તેવા સાજાં થયેલાં દર્દીઓની ઉંમર 18 થી 65 વર્ષ, વજન 50 કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન 12.5 ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા પ્લાઝમા લેવામાં આવે છે.

પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.

લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ-19ના ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દીઓ માટે વિશેષ રીતે પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓઃ સૌરાષ્ટ્રમાં મેઘમહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન