India's second warm-up match against Australia in the T20 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • ટી20 વર્લ્ડ કપમાં આજે ભારતની બીજી વોર્નઅપ મેચ, ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો

ટી20 વર્લ્ડ કપમાં આજે ભારતની બીજી વોર્નઅપ મેચ, ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો

 | 4:00 am IST
  • Share

  • ટી20 વર્લ્ડ કપમાં આજે ભારતની બીજી વોર્નઅપ મેચ
  • ઓસ્ટ્રેલિયાસ સામે બપોરે 3:30 વાગ્યાથી થશે શરૂ
  • ભારત પાસે ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે છેલ્લી તક

ઇંગ્લેન્ડ સામેની હાઇસ્કોરિંગ મેચમાં વિજય મેળવીને ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને વધારે મજબૂત કરનાર ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે બુધવારે રમાનારી પોતાની બીજી અને અંતિમ વોર્મઅપ મેચમાં બેટિંગ લાઇનઅપ નક્કી કરવાનો પ્રયાસ કરશે. ભારતે આઇસીસીની મેગા ઇવેન્ટમાં પોતાના પ્રથમ મુકાબલામાં રવિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાવાનું છે. સુકાની તરીકે વિરાટ કોહલી અને કોચ તરીકે રવિ શાસ્ત્રીની આ છેલ્લી ટૂર્નામેન્ટ છે. ઇંગ્લેન્ડ સામેની વોર્મઅપ મેચ પહેલાં કોહલીએ જણાવ્યું હતું કે ટોચના ત્રણ બેટ્સમેનો નક્કી છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરશે અને પોતે ત્રીજા ક્રમે બેટિંગ કરશે. ઇંગ્લેન્ડ સામે 70 રનની આક્રમક ઇનિંગ રમીને ઇશાન કિશને પણ પ્લેઇંગ ઇલેવન માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. રિષભ પંતને સૂર્યકુમાર યાદવ કરતાં ઉપલા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવ્યો હતો અને ઓસ્ટ્રેલિયા સામે તે કયા ક્રમે બેટિંગમાં આવશે તે જોવાનું રહેશે.  

રોહિતે ઇંગ્લેન્ડ સામેની મેચમાં બેટિંગ કરી નહીં હોવાના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે ઓપનિંગમાં આવશે. ટીમની મુખ્ય ચિંતા હાર્દિક પંડયાની છે જે ઇંગ્લેન્ડ સામે સહેજ પણ સાહજિક રમત દાખવી શક્યો નહોતો. તે બોલિંગ પણ કરી શકતો નહીં હોવાના કારણે ટીમ મેનેજમેન્ટ તેને નિષ્ણાત બેટ્સમેન તરીકે રમાડે છે કે નહીં તે રસપ્રદ બનશે. તેની બોલિંગ વિના ભારતને છઠ્ઠા બોલરની ખોટ પડશે. મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ તે અને સ્પિનર રાહુલ ચહર ખર્ચાળ સાબિત થયા હતા. ભુવનેશ્વરે એક વિકેટ ઝડપી હતી પરંતુ તે પ્રભાવશાળી સ્પેલ નાખી શક્યો નહોતો. ભારતીય ટીમના પ્રદર્શનને જોતાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણાની શ્રોણી હાર્યા બાદ ભારતે સતત આઠ સિરીઝ જીતી છે. 2016ના ટી20 વર્લ્ડ કપ બાદ ભારતે 72 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 45 મુકાબલા જીત્યા છે.  

ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામેના વિજય સાથે ટી20 વર્લ્ડ કપની તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો. જોકે ઓપનર ડેવિડ વોર્નરનું ખરાબ ફોર્મ આઇપીએલ બાદ પણ જારી રહ્યું છે અને તે પ્રથમ બોલે જ આઉટ થઈ ગયો હતો. એડમ ઝમ્પા અને કેન રિચાર્ડસને સારા સ્પેલ નાખ્યા હતા પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. એશ્ટોન એગર અને મિચેલ સ્ટાર્કે અંતિમ ઓવર્સમાં કેટલાક આક્રમક શોટ્સ રમીને ટીમને વિજય અપાવ્યો હતો.

ભારતીય ટીમે કરેલી હળવી પ્રેક્ટિસ દરમિયાન વિન્ડીઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે ભારતના મેન્ટર એમએસ ધોનીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિન્ડીઝના કોચ લેન્ડલ સિમન્સ, ભારતના રવિ શાસ્ત્રી તથા પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયન કોચ મેથ્યૂ હેડન પણ એકબીજાને મળ્યા હતા અને જૂના સંસ્મરણો તાજા કર્યા હતા.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો