ભારત-પાક. વચ્ચેની તંગ સ્થિતિમાં કચ્છની ઉઘાડી જોખમી સરહદ પર ફેન્સિંગ લગાવવાનું કામ શરૂ - Sandesh
  • Home
  • Bhuj
  • ભારત-પાક. વચ્ચેની તંગ સ્થિતિમાં કચ્છની ઉઘાડી જોખમી સરહદ પર ફેન્સિંગ લગાવવાનું કામ શરૂ

ભારત-પાક. વચ્ચેની તંગ સ્થિતિમાં કચ્છની ઉઘાડી જોખમી સરહદ પર ફેન્સિંગ લગાવવાનું કામ શરૂ

 | 12:26 pm IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકાએ બંને દેશોની સરકાર અને લોકોમાં અજંપાભર્યું વાતાવરણ છે, ત્યારે દેશની સીમાની સાચી સ્થિતિનું આકલન કરવા માટે ‘સંદેશ’ની ટીમ દ્વારા થોડા દિવસો પહેલાં કચ્છની સરહદની સમીક્ષા કરવામાં આવી હતી અને આ અંગેનો એક વિસ્તૃત અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં કચ્છની ઉઘાડી પડેલી ફેન્સિંગ વિનાની બોર્ડરની ગંભીર સ્થિતિ અંગે અંગૂલી નિર્દેશ કરવામાં આવ્યો હતો.

જેને સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને હવે જયાં ફેન્સિંગ નથી ત્યાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ફેન્સિંગ લગાવવા માટે હુકમ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બીએડીપીની ગ્રાન્ટ હેઠળ કામ કરવાનું ટેન્ડર પણ કચ્છ બીએસએફ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.કચ્છમાં બોર્ડર સિકયોરિટી ફોર્સના ભુજમાં આવેલા સેક્ટર હેડ ક્વાર્ટર દ્વારા અન- ફેન્સ બોર્ડર પર ફેન્સિંગ લગાવવા ઉપરાંત તેની જાળવણી કરવા અંગેના કામની ટેન્ડર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેને માત્ર છ મહિનામાં પૂરું કરી દેવાની તાકીદ પણ કરવામાં આવી છે. વર્ષોથી કરોડો રૂપિયાના ખર્ચે કચ્છ સહિતની સીમાઓ પર ફેન્સિંગ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પૂરેપૂરી બોર્ડર પર ફેન્સિંગ થઈ રકી નથી.

તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા સરહદી રાજ્યોના ગૃહપ્રધાનોની એક બેઠક રાજસ્થાનમાં બોલાવવામાં આવી હતી તેમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોને આગામી વર્ષ સુધીમાં સીલ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દેશના બીજા નંબરના સૌથી મોટા અને ગુજરાતમાં સૌથી વધુ સરહદી હિસ્સો ધરાવતા કચ્છ જિલ્લાની આશરે ત્રણસો કિલોમીટર સીમામાંથી ૭૦ કિ.મી.થી વધુ સીમા ફેન્સિંગ વિનાની છે. અહીં માત્ર ૭૦ કિ.મી.થી વધુ કચ્છની સરહદ ફેન્સિંગ વિનાની છે એટલું જ નહીં, પરંતુ ફ્લડ લાઈટનું કામ પણ અધૂરું પડયું છે. ફેન્સિંગની સાથે સાથે લાઈટિંગ અંગેના કામ પણ આગામી દિવસોમાં સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન