ઈન્દ્રને લાગેલા બ્રહ્મહત્યાના પાપનું નિવારણ - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ઈન્દ્રને લાગેલા બ્રહ્મહત્યાના પાપનું નિવારણ

ઈન્દ્રને લાગેલા બ્રહ્મહત્યાના પાપનું નિવારણ

 | 1:20 am IST

આમ, ઈન્દ્રએ ભલે દેવોના હિતમાં વૃત્રાસુરનો વધ કર્યો પણ બ્રહ્મહત્યાના પાપથી છુટકારો મેળવવો ઈન્દ્ર માટે અનિવાર્ય બની ગયું. ઈન્દ્ર દશેદિશાઓ ઘૂમી વળ્યો, પણ બ્રહ્મહત્યા તેની પાછળ પાછળ જાય છે. છેવટે ઈન્દ્રએ માનસરોવરમાં કમળની નાળના એક તંતુમાં આશરો લીધો. ઈન્દ્રએ કમળની નાળના તંતુમાં આશરો લીધો પણ સ્વર્ગના ભોગ અને સુખથી ઈન્દ્ર વંચિત રહેવા લાગ્યા આથી તેમને ગુંગળામણ થવા લાગી.

આ બાજુ, સ્વર્ગમાં ઈન્દ્રાસન હવે ખાલી પડયું છે. સિંહાસન ખાલી રહે તે ઉચિત ન કહેવાય. આથી દેવોએ નહુષરાજાને ઈન્દ્રાસન ઉપર બેસાડયો. નહુષરાજા તપસ્વી અને પ્રભાવશાળી હતો પણ સ્વર્ગનું સુખ મળતા જ તે ઉછાછળો બની ગયો, તે પોતાનું જ્ઞાાન અને વિવેક વિસરી ગયો. કહ્યું છે ને કે, ‘વડા બનીએ પણ વડા બની ગયા પછી પણ વડપણ બતાવીએ, મોભીના દરજજાને છાજે તેવું કાર્ય કરીએ ત્યારે ખરા કહેવાઈએ.’ પણ અહીં તો નહુષરાજા પોતાનો પ્રભાવ ખોઈ બેઠો, વિવેક અને નમ્રતા ખોઈ બેઠો અને ઈન્દ્રાણીને પોતાની ચાકરી કરવાનો હુકમ કરવા લાગ્યો. ઈન્દ્રાણીએ બુદ્ધિપૂર્વક શરત મૂક્તા કહ્યું, ‘જો નહુષરાજા સપ્તઋષિ પાસે પાલખી ઉપડાવી તે પાલખીમાં બેસી મારી પાસે આવે તો હું તેની ચાકરી સ્વીકારીશ.’

નહુષરાજા આ સાંભળ્યું એટલે તેણે સપ્તઋષિને બોલાવ્યા અને પોતે પાલખીમાં બેઠો અને તેમને આ પાલખી ઉપાડવાનો હુકમ કર્યો. હવે, નહુષરાજાની આંખ ઉપર ભોગ-વિલાસના પડળો ચડયા છે, વાસનાના એ પડળોથી તે ઋષિઓનું તપ જોઈ નથી શકતો તેને હવે ઈન્દ્રાણી પાસે પહોંચવાની તાલાવેલી લાગી છે. આ તાલાવેલીમાં તેણે પાલખીમાંથી પગ લાંબો કરી અગત્સ્ય ઋષિને પોતાનો પગ અડાડી બોલ્યો, ‘જલદી કરો…જલદી પગ ઊપાડો…’ નહુષનો આવો અનાદર જોઈ અગત્સ્ય ઋષિએ તેને શાપ આપ્યો કે, ‘જા તું સર્પ થા.’  અગત્સ્ય ઋષિના શાપથી નહુષ હવે સર્પ થયો છે. ત્યારબાદ સર્વ ઋષિઓ ઈન્દ્ર પાસે ગયા તેમણે અશ્વમેઘ યજ્ઞા કર્યો બ્રાહ્મણોને તેમજ અન્ય ઋષિ- મર્હિષઓને ખૂબ જ રાજી કર્યા તેમનું પૂજન કર્યું, સર્વને દાન-દક્ષિણા આપી અને ઈન્દ્રને બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ અપાવી પાછા સ્વર્ગમાં લઈ ગયા.

ચિત્રકેતુનું આખ્યાન

પરીક્ષિત ઉવાચ- રજસ્તમઃ સ્વભાવસ્ય બ્રહ્મન્ વૃત્રસ્ય પ્રાપ્મનઃ ।

નારાયણે ભગવતિ કથામાસીદ્ દૃઢા મતિ : ।।

વૃત્રાસુરની કથા સાંભળ્યા પછી પરીક્ષિત રાજાએ શુક્રદેવજીને પૂછયું, ‘હે શુક્રદેવજી! આવો પાપી વૃત્રાસુર શ્રીકૃષ્ણ વિશે ચિત્તવાળો કેમ થયો હશે? શું તે ઈન્દ્રના ભયથી ડરીને તો શ્રીહરિના ચરણે નહીં ગયો હોય?’ આ પ્રમાણે પરીક્ષિત રાજાએ શંકા વ્યક્ત કરી એટલે શુક્રદેવજી મહારાજે તેનું સમાધાન કરવા માટે વૃત્રાસુરના પૂર્વજન્મનું વ્યાખ્યાન પ્રારંભ કર્યું.

શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે, જે મનુષ્ય જીવ પ્રભુ પ્રત્યે જિજ્ઞાાસાવૃત્તિ વાળો થયો છે, જે પ્રભુને પોતાના સંશય શુભ આશયથી પૂછે છે તેનું હંમેશાં કલ્યાણ થયું છે. ગીતામાં અર્જુનજી હોય કે પછી, પરીક્ષિત રાજા હોય કે ભલે નચિકેતા હોય…

આ સર્વે પુણ્યશાળી આત્માઓએ પ્રભુને શુભ ભાવે જિજ્ઞાાસાવૃત્તિથી સવાલો પૂછયા. તેમના બધા સવાલના જવાબ એ જ શાસ્ત્ર અને તે શાસ્ત્રનું વાંચન કરવાથી આપણું અજ્ઞાાન ખૂબ જ સરળતાથી દૂર થાય છે.

શુક્રદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, વૃત્રાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. અઢળક સમૃદ્ધિ હતી, એક કરોડ રાણીઓ હતી છતાં તેને કોઈ સંતાન નહોતું. એક દિવસ ચિત્રકેતુ રાજાને ત્યાં અંગિરા ઋષિ પધાર્યા. અંગિરા ઋષિ ચિત્રકેતુને ત્યાં પધાર્યા એટલે રાજાએ ખૂબ વિવેકથી, ભક્તિભાવથી ઋષિનું સ્વાગત કર્યું તેમને ઊંચા આસને બેસાડયા અને તેમનું પૂજન કર્યું. ત્યારબાદ ઋષિ ચિત્રકેતુ સામું જોઈ બોલ્યા, ‘હે રાજન્! તારું મુખારવિંદ ચિંતાના વાદળોથી ઘેરાયેલું લાગે છે, શું કારણ છે?’ ચિત્રકેતુ દુઃખી સ્વરે બે હાથ જોડી ઋષિને કહે, ‘હે ઋષિવર્ય! મારે ત્યાં બાળકની ખોટ છે. કૃપા કરી મને સંતાનસુખ મળે તેવા આશીર્વાદ આપો.’ અંગિરા ઋષિએ ધ્યાન લગાવ્યું. થોડા સમય પછી આંખો ખોલી રાજાને કહ્યું, ‘હે રાજા! તારા ભાગ્યમાં સંતાનસુખ નથી, આથી તું સંતાનની મમત મૂકી દે અને સમજણપૂર્વક સુખી જીવન જીવ.’ પણ રાજા ખૂબ જ દુઃખી હતો અને ઋષિને ખૂબ જ આજીજી કરવા લાગ્યો. આથી, ઋષિએ ત્વષ્ટાદેવનો ચરુ પકવી એક ફળ ઉત્પન્ન કર્યું અને તે ફળ ચિત્રકેતુની રાણી કૃતદ્યુતિને ખાવા આપ્યું અને ત્યારબાદ અંગિરા ઋષિ રાજાને આશીર્વાદ આપી વિદાય થયા.

જુઓ, ભગવાનની મરજી આગળ હંમેશાં આપણે ઝૂકવું જોઈએ. આપણે કેવળ ભગવાનને કાલાવાલા કરી શકીએ, સંતો-મહાત્મા પાસેથી આશીર્વાદ મેળવી શકીએ, આપણી ઈચ્છા ભગવાનના ચરણે મૂકી શકીએ, પણ તેમની મરજી વિરુદ્ધનું ફળ મેળવવાની આશા ક્યારેય રાખવી ન જોઈએ. અહીં ચિત્રકેતુ રાજાને અંગિરા ઋષિએ વાર્યા છતાંય તેમણે પોતાની જીદ ચાલુ રાખી અને છેવટે અંગિરા ઋષિને કૃતદ્યુતિને સંતાન પ્રપ્તિ માટે ફળ આપ્યું. તે ફળ ખાધા પછી કૃતદ્યુતિને સારા દિવસો જાય છે. થોડા દિવસ પછી કૃતદ્યુતિને પુત્રરત્નનો જન્મ થાય છે. વાતાવરણ આનંદ-ઉલ્લાસથી છવાઈ જાય છે, રાજાનો આનંદ સમાતો નથી. મહેલમાં કૃતદ્યુતિના માન વધી જાય છે, આ જોઈ અન્ય રાણીઓને ઈર્ષા આવે છે. લાગ જોઈ અન્ય રાણીઓ કાવતરું રચે છે અને પુત્રને ઝેર પાઈ દે છે. હળાહળ કાતિલ ઝેરની અસરથી કુંવરનું મૃત્યુ થાય છે.

આમ, અકાળે પુત્રનું મૃત્યુ થવાથી કૃતદ્યુતિ હૈયાફાટ રુદન કરવા લાગે છે, સમગ્ર વાતાવરણ શોકમય થઈ ગયું છે. રાણી સાનભાન ગુમાવી બેઠી છે, પુત્રને યાદ કરી કરીને આંખમાંથી સતત અશ્રુધારા વહેતી રહે છે. રાણીની આંખો રડી રડીને સૂજી ગઈ છે, રાણીનંુ કલ્પાંત પશુ-પક્ષીઓને પણ રડાવી મૂકે તેવું કરુણ છે. રાજા ચિત્રકેતુ પણ ખૂબ જ શોકમગ્ન થઈ જાય છે, તે રાણીને સાંત્વન પણ આપી શક્તા નથી અને હૈયાફાટ કરુણ રુદન કરે છે. રાજા પોકેપાકે રડે છે અને કલ્પાંત કરતાં કરતાં રાજા લગભગ બેભાન અવસ્થામાં સરી પડે છે. રાજાને અહીંયા કોઈ તત્ત્વબોધ આપનાર પણ કોઈ નથી. આવું ઘેરંુ શોકમય વાતાવરણ જોઈ અંગિરા ઋષિ નારદજી સાથે ત્યાં પધારે છે.

[email protected]