સિંધુ સંસ્કૃતિનો ૯૦૦ વર્ષના દુકાળને કારણે નાશ થયો હતોઃ IIT ખડગપુર - Sandesh
  • Home
  • India
  • સિંધુ સંસ્કૃતિનો ૯૦૦ વર્ષના દુકાળને કારણે નાશ થયો હતોઃ IIT ખડગપુર

સિંધુ સંસ્કૃતિનો ૯૦૦ વર્ષના દુકાળને કારણે નાશ થયો હતોઃ IIT ખડગપુર

 | 1:16 am IST

ખડગપુર :

આઇઆઇટીના સંશોધકોએ તાજેતરમાં કરેલા સંશોધનમાંથી જાણવા મળ્યું હતું કે, ૪,૩૫૦ વર્ષ પહેલાંની સિંધુ ખીણની સંસ્કૃતિ દુકાળને લીધે નાશ પામી હતી. આ અંગેના કેટલાક પુરાવાઓ અભ્યાસ દરમિયાન મળી આવ્યા હતા. આ દુકાળ ૯૦૦ વર્ષ સુધી ચાલ્યો હતો. જેના કેટલાક દસ્તાવેજ હાથ લાગ્યા હતા. આ અભ્યાસથી ૨૦૦ વર્ષમાં દુકાળ પૂર્ણ થઈ જવાની વિજ્ઞાનીઓની થિયરી ખોટી પડી ગઈ હતી. ભૂગર્ભશાસ્ત્ર અને ભૂગોળ વિભાગના સંશોધકોએ છેલ્લાં ૫,૦૦૦ હજાર વર્ષ પૂર્વેની ચોમાસાની પેટન્ટનો અભ્યાસ કર્યો હતો. જેમાંથી જાણવા મળ્યું છે કે, આશરે ૯૦૦ વર્ષ સુધી ઉત્તર પશ્ચિમમાં હિમાલયમાં નહિવત્ વરસાદ થયો હતો. તેથી વરસાદ પર આધાર રાખતી નદીઓ સુકાઈ ગઈ હતી.

એક સમયે જે નદીઓ પાણીથી છલકાતી હતી તે નદી કાળક્રમે સુકાતી ગઇ. જેના કિનારે સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો હતો. નદીમાં પાણી સુકાઇ જતાં લોકો પૂર્વ અને દક્ષિણ દિશા તરફ આગળ વધ્યા હતા. જ્યાં એ સમયે સારો એવો વરસાદ થતો હતો. ૯૦૦ વર્ષ સુધી દુકાળ ચાલ્યો હતો. તેથી લોકોએ સ્થળાંતર કરી અન્ય સ્થળે વસવાટ શોધ્યો. સિંધુ નદીના કિનારે સંસ્કૃતિનો વિકાસ થયો હોવાના કારણે વિસ્તારનું નામ સિંધુ ઘાટી પડયું હતુ. સંશોધકોની ટીમે લેહ લડાખના તળાવમાં ૫,૦૦૦ વર્ષ સુધી રહેલી ચોમાસાની પેટન્ટનો એક ઊંડો અભ્યાસ કર્યો હતો. જેમાંથી જાણવા મળ્યું કે, ૨૩૫૦ બી.સી. આશરે ૪,૩૫૦ વર્ષ પહેલાંથી ૧,૪૫૦ સુધી ચોમાસું ધીમે ધીમે નબળું પડતું ગયું હતું.

દુકાળને કારણે ફળદ્રુપ પ્રદેશ સુકાતો ગયો

રિપોર્ટના આધારે સિંધુ ખીણની સંસ્કૃતિનો આ પ્રદેશ ફળદ્રુપ માટીનો હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ ચોમાસાનું જોર ઘટતા અને પેટન્ટ બદલાતા દુકાળ પડવા લાગ્યો. જેથી સમગ્ર પ્રદેશ સુકાતા લોકો સ્થળાંતર કરવા લાગ્યા હતા. રાવી, ચિનાબ, બિયાસ અને સતલજ નદીના પટમાંથી આ સંસ્કૃતિના કેટલાક પુરાવાઓ મળી આવ્યા હતા. સિંધુ ખીણની ઘાટીઓમાંથી સ્થળાંતર થઈને પ્રજા ગંગા યમુના તરફ ફંટાઈ હતી. જ્યારે અન્ય કેટલીક પ્રજા ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ તથા ગુજરાત જેવા રાજ્યમાં સ્થાયી થઈ હતી.