ઔદ્યોગિકરણનો પ્રણેતા રિચાર્ડ આર્કરાઈટ - Sandesh
  • Home
  • Kids Corner
  • ઔદ્યોગિકરણનો પ્રણેતા રિચાર્ડ આર્કરાઈટ

ઔદ્યોગિકરણનો પ્રણેતા રિચાર્ડ આર્કરાઈટ

 | 12:24 am IST

રિચાર્ડ આર્કરાઈટને એના પિતા જ એક વાણંદને ત્યાં કામે લગાવી ગયા હતા. એવું ન હતું કે રિચાર્ડ ભણતો ન હતો કે કામકાજમાં, અક્કલમાં નબળો હતો. નાના પાયે સિલાઈ કામ કરતા પિતાની તકલીફ એ જ હતી કે આખો દિવસ ગામના કપડાંને સાંધા મારવા છતાં મોટા પરિવારનું ભરણપોષણ કરવામાં તો એક સાંધે ને તેર તૂટે એવી હાલત છે, એમાં આ સહુથી નાના છોકરા પાછળ સ્કૂલની ફીસના ખર્ચા કેમ પોસાય? છોકરો ભલે નાની નોકરી કરે, પણ બે પૈસા રળે તો ટેકો રહે.

રિચાર્ડના એક પિતરાઈ ભાઈએ તેને ઘરમેળે લખતા-વાંચતા શીખવવાનું શરૃ કર્યું હતું. પણ ચંચળ મનનો રિચાર્ડ સતત પોતાના પરિવાર માથે બોજ બની રહેલી ગરીબીને દૂર કરવાના જ સપનાં જોયા કરતો હતો. પિતાના સિલાઈ કામમાં પણ એનું ધ્યાન સિલાઈની ટેકનિક્સ શીખવાને બદલે કાપડ અને તેના પ્રકારોમાં જ ભમતું રહેતું.

પૈસા કેમ બને? એ જ વાત મનમાં લઈને ફરતા રિચાર્ડને વાણંદને ત્યાં કામ કરતાં કરતાં એટલું તો સમજાઈ ગયું હતું કે ખરો પૈસો વાળ કાપવામાં નથી, વાળ ભેગા કરીને એની વિગ બનાવવામાં છે. ગરીબીને નાથવાની મહેચ્છા તો રિચાર્ડ સમજણો થયો ત્યારની હતી જ. વિગનો બિઝનેસ માફક આવે એમ પણ લાગ્યું. પોતે જ એક કંપની બનાવી, દરેક જગ્યાએથી વાળ એકઠા કરવા લાગ્યો. એ સમય પણ ફેશનના શિખર સમો હતો, પોતાની વિચક્ષણ બુદ્ધિથી નવતર પ્રયોગો કરતાં વિગને વોટરપ્રૂફ ડાયિંગની પણ ટેકનીક અજમાવી અને વિગનો બિઝનેસ ઉપડયો. પૈસા આવતા શરૃ થયા એટલે ટેકનોલોજીમાં જ જાત જાતના ઈન્વેસ્ટમેન્ટ શરૃ કર્યાં બિઝનેસના એકસ્પાન્શન અર્થે ગામેગામ ફરતાં તેનો મૂળભૂત શોખ પણ જાગૃત થયો. કોટન કાંતવાવાળા, કાપડના વણાટકામવાળા અથવા એ કાર્યમાં જેની પાસે વધુ સારો વિચાર હોય તેવા લોકોના સંપર્કમાં આવવા લાગ્યો.

એ સમયે કોટન ઈન્ડસ્ટ્રી એટલે કોટેજ ઇન્ડસ્ટ્રી (ગૃહ ઉદ્યોગ) જ હતો. પોતાનું ટેકનિકલ જ્ઞાાન કાપડ વણાટના કામમાં ઉપયોગમાં લઈને રિચાર્ડે એમાં મશીન, ઓટોમેશન જેવી વસ્તુઓ બનાવવાની અને રજૂ કરવાની શરૃ કરી. એક સમયમાં તદ્ન હાથવણાટનું ઉત્પાદન ગણાતું કાપડ હવે રિચાર્ડ દ્વારા સંશોધાયેલ મશીનો પર બનવા લાગ્યું.

શરૃઆત સારી થઈ હતી. બીજા અમુક ટેકનિકલ જ્ઞાાન ધરાવતા લોકોનો પણ તેણે સાથ લીધો. એક સમય એવો આવ્યો કે સંપૂર્ણપણે મશીન દ્વારા રૃ અને ઊનમાંથી દોરા અને તેમાંથી કાપડ બની શકે તેટલી હદે ઓટોમેશન રિચાર્ડે ઊભું કરી દીધું હતું. જો કે એ સમય ઈલેકટ્રીફિકેશનનો ન હતો એટલે મશીન ચલાવવા માટે ઘોડાઓ રાખ્યા.

આર્િથક રીતે અત્યંત નબળા પરિવારના, જેને સ્કૂલમાં ભણવાનું પણ નસીબ થયું ન હતું એવો છોકરો, જે કુટુંબનું ભરણપોષણ કરવા માટે વાળ કાપવાનું કામ કરતો હતો, તેણે ઔધોગિક ક્રાંતિના મંડાણ કરી દીધાં હતાં.

બને એટલી ટેકનોલોજીનો ઉપયોગ, મશીનોના આવિષ્કાર ઉપરાંત રિચાર્ડે એ સમયની મહાન શોધ- જેમ્સ વોટના સ્ટીમ એન્જિનને પણ પોતાની ફેક્ટરીમાં ઉપયોગમાં લીધું. મશીનોના ઉપયોગથી ઘણા મજૂરો કામકાજ વગરના થઈ ગયા હતા. સ્વાભાવિક જ રાગદ્વેષથી પીડાતા અમુક લોકોએ હુમલો કરીને ફેક્ટરીને આગ ચાંપી દીધી. પણ આ ઘટના ગરીબીમાંથી ઉભરી આવેલ ઔધોગિક ક્રાંતિનો પાયો નાખી દુનિયાને આૃર્યચક્તિ કરે તેવું કમબેક કરનાર રિચાર્ડ આર્કરાઈટની મહેચ્છાઓમાં પલીતો નહોતો ચંપાયો. તેની કમબેકની આગેકૂચ અવિરત ચાલુ રહી.

ગરીબીની ગર્તામાંથી ઉભરી આવેલ રિચાર્ડે ઔધોગિકરણની અમૂલ્ય ભેટ વિશ્વને આપતાં ન ફક્ત પોતાનું બલકે વિશ્વને જાણે કમબેક કરાવ્યું. પોતાના વિચારો, બીજાના વિચારો કે કોઈના ઉઠાવેલા વિચારો હોય. પણ એ બધાને એકમેકના પૂરક બનાવીને જબરદસ્ત ક્રાંતિનો ફાઉન્ડેશન સ્ટોન નાખ્યો. વિશ્વ આજે પણ રિચાર્ડ આર્કરાઈટને ‘ફાધર ઓફ ધ ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન’ તરીકે સલામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન