વરસાદના કારણે ભારત-આફ્રિકા પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ રહ્યો મોકૂફ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વરસાદના કારણે ભારત-આફ્રિકા પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ રહ્યો મોકૂફ

વરસાદના કારણે ભારત-આફ્રિકા પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ રહ્યો મોકૂફ

 | 8:44 pm IST

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અહીં યોજાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ એકેય બોલ નખાયા વિના વરસાદમાં ધોવાઈ ગયો હતો. રવિવારે અહીં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને સવારે જલ્દી વરસાદ શરૂ થઈ ગયો હતો.

મેચ શરૂ થવા પહેલાં વરસાદ વધી ગયો હતો. આઉટ ફિલ્ડ પર ઘણી જગ્યાએ પાણી ભરાયું હતું. વરસાદને કારણે ત્રીજા દિવસના બે સેશન વરસાદમાં ધોવાઈ ગયા હતા. તે પછી પણ વરસાદ ન રોકાતાં ભારતીય સમય મુજબ સાંજે સાત કલાકે ત્રીજા દિવસની રમત પૂર્ણ જાહેર કરાઈ હતી.

જોકે, હવામાન વિભાગ દ્વારા મેચના ચોથા દિવસે વરસાદની આગાહી કરાઈ નથી જેને કારણે સોમવારે રમત શક્ય બનશે. આ મેચમાં આફ્રિકાએ બીજા દાવમાં બે વિકેટે 65 રન બનાવી કુલ 142 રનની લીડ મેળવી લીધી છે જેના કારણે અત્યારે સાઉથ આફ્રિકાનું પલ્લું ભારે લાગી રહ્યું છે.

સ્ટેને છેલ્લી છ પૈકી ચાર ટેસ્ટ મેચ અધુરી છોડી
સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેન ફરી એક વખત ઇજાગ્રસ્ત થતાં પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કેપટાઉનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે સ્ટેનને એડીમાં ઇજા થતાં મેદાન છોડવું પડયું હતું. સ્ટેન પોતાની 18મી ઓવરનો ત્રીજો બોલ નાખ્યા બાદ ઇજાને કારણે પેવેલિયન પરત ફર્યો હતો. 34 વર્ષીય ડેલ સ્ટેન નવેમ્બર 2016 બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા માટે ઊતર્યો હતો પરંતુ તેની વાપસી ફરી એકવખત નિરાશાજનક રહી હતી. 2015થી લઈ અત્યાર સુધી તેના ટેસ્ટ કરિયરની વાત કરવામાં આવે તો કેપટાઉન સહિત છ ટેસ્ટ મેચ પૈકી ચાર ટેસ્ટ મેચને અધૂરી છોડવી પડી છે. સ્ટેને પોતાની કારકિર્દીમાં 86 ટેસ્ટમાં 419 વિકેટ ઝડપી છે અને તે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં 10મા સ્થાને છે.