શિશુના માંદગીના લક્ષણો - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS

શિશુના માંદગીના લક્ષણો

 | 3:38 am IST

બાળઉછેર :- ડૉ. હર્ષદ કામદાર

નવજાત શિશુની ગંભીર માંદગીનાં લક્ષણો અને પ્રાથમિક સારવાર લક્ષણો 

 • બાળક ધાવણ બરાબર ન લેતું હોય
 • બાળકને વધુ પડતો સતત તાવ રહે અથવા શરીરનું તાપમાન ઓછું થઈ જાય.
 • બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા શ્વાસ અનિયમિત રીતે લેવાય.
 • બાળકના આંખના ડોળા ઉપર ચડી જાય. હાથ-પગ વધુ પડતું હલનચલન કરે અથવા મોઢામાંથી ફીણ સાથે ખેંચ આવતી જણાય.
 • બાળકનું પેટ ફૂલી જાય, ઊલટી થવા માંડે, અથવા વધુ પડતા પાણી જેવા ઝાડા થઈ જાય, મોઢામાંથી ફીણ આવ્યા કરે, બાળકને સતત ઊલટીઓ ચાલુ રહે અથવા જન્મ પછી ૨૪ કલાકમાં કાળો ઝાડો ન કરે, બાળકનું શરીર સામાન્ય કરતાં વધુ પીળું જણાય અથવા બાળકને પહેલા ૩૬ કલાકમાં કમળાની અસર જણાય અથવા કમળો બે અઠવાડિયા કરતાં વધારે લાંબો સમય રહે, બાળકને જન્મસમયે ગંભીર ઈજાઓ જણાય, બાળકના હાથ-પગ ભૂરા પડી જાય તો તરત જ બાળકને મોટા દવાખાને ખસેડવું જોઈએ.

પ્રાથમિક સારવાર 

ઉપરોક્ત પૈકી એક પણ ગંભીર ચિન્હ જણાય તો બાળકને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવું પડે છે. આ પહેલાં જરૂરી પ્રાથમિક સારવાર આપવી જોઈએ. જો બાળકનો શ્વાસ અનિયમિત જણાય તો કૃત્રિમ શ્વાસ મોઢા વાટે અથવા અંબુસબેગ અને માસ્કથી આપવો જોઈએ.

બાળકના શરીરનું તાપમાન યોગ્ય રીતે જળવાય તેવાં પગલાં લેવાં જોઈએ.

બાળકને મોઢા વાટે પ્રવાહી આપવાનું શક્ય હોય તો માતાનું ધાવણ અથવા ગ્લુકોઝનું પાણી દવાખાને પહોંચતા સુધી આપવાનું ચાલુ રાખી શકાય. બાળકને ચેપ ન લાગે એનાં પગલાંઓ લેવાં જેવાં કે જરૂર વગર બાળકને અડવું નહિ, આવા બાળકોને શારીરિક ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. તેથી બાળકને ચેપ ન લાગે તે માટે ખૂબ જ કાળજીપૂર્વક બાળકની સંભાળ લેવી જોઈએ.

આવાં બાળકોમાં જો કોઈપણ ગંભીર ચિન્હો જણાય તો તેમને વહેલી તકે મોટા દવાખાનામાં સારવાર માટે મોકલી આપવાં જોઈએ.

આવાં બાળકોને સમયસર રસીકરણ પણ કરાવવું જરૂરી છે.

નિયમિત વજન કરાવવું અને માનસિક વિકાસનું મૂલ્યાંકન કરવું પણ આવા બાળક માટે ખૂબ જરૂરી છે.

માતાનું ધાવણ બાળકો માટે સર્વોત્તમ આહાર 

 • માતાનું ધાવણ બાળકના જન્મ બાદ તરત જ વહેલામાં વહેલી તકે શરૂ કરવું જોઈએ. કારણ કે તરતના પીળાશ પડતા ચીકણા ધાવણમાં વધુ પ્રોટીન હોય છે.
 • તરતના દૂધમાં વધુ શક્તિ અને રોગ પ્રતિકારકશક્તિના ઘટકો રહેલા હોય છે.
 • માતાના દૂધમાં બાળકના સર્વાંગી વિકાસ માટે રુચિને અનુરૂપ બધાં જ સુપાચ્ય પોષકતત્ત્વ અને પ્રજીવકો હોય છે.
 • માતાનું ધાવણ જંતુરહિત તેમજ હૂંફાળું હોય છે.
 • બાળકને જોઈતું પ્રવાહી માતાના ધાવણ દ્વારા મળી રહે છે.
 • માતાનું શરીર પણ સુડોળ રહે છે.
 • કોઈપણ વાસણ કે સાધનનો ઉપયોગ નથી જેથી જંતુરહિતની પરિસ્થિતિ જાળવી શકાય છે.
 • માતા અને બાળક વચ્ચે વાત્સલ્યનો સેતુ બંધાય છે.
 • બાળકને સ્તનપાન કરાવવાથી બે બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર પણ રાખી શકાય છે.
 • માતાના ધાવણનો કોઈ પર્યાય નથી. માતાનું ધાવણ ખૂબ ચોખ્ખું અને તાજું હોય છે. એ સીધું જ બાળકના મોંમાં જાય છે. બાળકને બને તેટલો લાંબો સમય આવું સારું દૂધ મળે એ બાળકના સ્વાસ્થ્ય માટે સારું કહેવાય. સારી તંદુરસ્તી વાળી માતા એના બાળકને જન્મ પછી લાંબા સમય સુધી સ્તનપાન કરાવી શકે.

બાળકને ધાવણ પૂરતું મળે છે તે કઈ રીતે જાણવું? 

 • જો બાળક ધાવણ લીધા પછી બે-ત્રણ કલાક પણ નિરાંતે સૂઈ જતું હોય, વધુ પડતું રડતું ન હોય અને પીળા પાંચથી છ ઝાડા થતા હોય અને છ વાર સારો પેશાબ કરે અને બાળકનું વજન બરાબર વધતું હોય તો સમજવું કે બાળકને ધાવણ પૂરતું મળે છે.
 • જો ધાવણ આપ્યા પછી ઓડકાર ખવડાવ્યા પછી પણ બાળક વારે ઘડીએ રડતું હોય, થોડી થોડી વારમાં ધાવણ માગતું હોય, બહુ જ પાતળા ઝાડા થતા હોય અથવા ઝાડો નિયમિત ન થાય અને જોઈએ તેવું વજન ન વધે તો બાળકને ધાવણ ઓછું પડે છે તેમ જાણી શકાય છે.
 • ઘણીવાર પહેલાં એક-બે દિવસમાં દૂધ ન આવતું હોય તો બાળક ભૂખ્યું રહે છે તેમ માની ઉપરનું દૂધ આપવાની ઉતાવળ કરવામાં આવે છે. તેથી કુદરતી ધાવણમાં ખલેલ પડી શકે છે. મોટેભાગે જોઈએ તેટલું દૂધ બાળકને શરૂઆતથી જ મળી શકે છે અને ઉપરનું દૂધ આપવાની ઉતાવળ કરવાની જરૂર નથી.
 • પૂરતું પોષણ મળી રહે, તો પણ, ચાર મહિના પછી ધાવણ ચાલુ રાખીને ધીમેધીમે ઉપરનો ખોરાક આપવો ખૂબ જરૂરી છે.
 • લચકો દાળ, નરમ ચોળેલો ભાત, દહીં, છૂંદેલું કેળું વગેરે આપી શકાય. જરૂર પડે ગાય, ભેંસ કે બકરીનું દૂધ પણ પાણી નાંખ્યા વગર ઉકાળીને વાટકી-ચમચીથી પિવડાવી શકાય. બાટલીથી દૂધ પિવડાવવું જોઈએ નહિ.