Infinite Chaturdashi Know His Unique Glory, What Zodiac Should Do?
  • Home
  • Astrology
  • અનંત ચતુર્દશી જાણો તેનો અનોખો મહિમા, કઈ રાશિએ શું કરવું?

અનંત ચતુર્દશી જાણો તેનો અનોખો મહિમા, કઈ રાશિએ શું કરવું?

 | 8:00 am IST

ભૌતિકવિજ્ઞાન માને છે કે કોઇ પણ ધાતુ ગરમી કે વિદ્યુત માટે સંપૂર્ણ સુવાહક નથી, તેમજ કોઇ પણ ધાતુ સંપૂર્ણ અવાહક નથી. દરેક ધાતુના પોતાના આગવા ગુણધર્મ હોવાથી ઓછી કે વધુ માત્રામાં વાહકતાનો ગુણ ધરાવે છે. આ જ સિદ્ધાંત મુજબ કોઇ પણ તિથિ, દિવસ સંપૂર્ણ શુભ કે અશુભ નથી. મુહૂર્તશાસ્ત્રમાં આ પાયાની વાત સમજવા જેવી છે.

રાશિચક્રમાં સૂર્ય અને ચંદ્રના ગતિભેદને કારણે બે અમાસ વચ્ચે ત્રીસ તિથિઓ થાય છે. તેમાં સુદ એકમથી પૂનમ સુધીની પંદર તિથિઓ શુક્લ પક્ષ (સુદ- અજવાળિયું) તરીકે ઓળખાય છે. જ્યારે પૂનમ પછી વદ એકમથી અમાસ વચ્ચેની પંદર તિથિઓ કૃષ્ણ પક્ષ (વદ- અંધારિયું) ગણાય છે.

આપણે ત્યાં ત્રીસ તિથિના અધિપતિ દેવતાઓ છે. ચતુર્થી એટલે કે ચોથ તિથિના અધિપતિ દેવતા ગણેશ (ગણપતિ) છે. પંચાંગના શાસ્ત્રાર્થ વિભાગમાં સુદ ચતુર્થી (અજવાળી ચોથ) વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. વદ પક્ષની ચતુર્થી ( અંધારિયાની ચોથ) સંકષ્ટ ચતુર્થી તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સંકષ્ટ ચતુર્થીને સાદી ભાષામાં લોકો સંકટચોથ પણ કહે છે.

તિથિઓનું વર્ગીકરણઃ  

આ ત્રીસ તિથિઓનું પાંચ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

(૧) સુદ તથા વદની ૧-૬-૧૧ તિથિને નંદા કહે છે.

(૨) સુદ તથા વદની ૨-૭-૧૨ તિથિ ભદ્રા તરીકે ઓળખાય છે.

(૩) સુદ તથા વદની ૩-૮-૧૩ તિથિને જયા કહે છે.

(૪) સુદ તથા વદની ૪-૯-૧૪ તિથિને રિક્તા તિથિ કહે છે.

(૫) સુદ તથા વદની ૫-૧૦ તિથિ તેમજ પૂનમ- અમાસ પૂર્ણા તિથિ તરીકે ઓળખાય છે.

અનંત ચતુર્દશી ક્યારે આવે?  

ભાદરવા માસની સુદ ચૌદસને અનંત ચતુર્દશી કહે છે. આ દિવસે અગિયાર દિવસના ગણેશ મહોત્સવનું સમાપન થાય છે. શાસ્ત્રોક્ત રીતે અને વિવેકપૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરવામાં આવે તો જીવનમાંથી થાક-બેચેની દૂર થાય છે. નવી આશાનો સંચાર થાય છે.

સાધારણ રીતે મોટા ભાગનાં શુભ મુહૂર્તોમાં ૪-૯-૧૪ ( ચોથ, નવમી, ચૌદસ તિથિ) એટલે કે રિક્તા તિથિ લેવાતી નથી. જોકે વિવાહ લગ્નમાં શુભ મુહૂર્ત તરીકે સુદ વદ (બંને પક્ષ)ની ચોથ, નવમી અને સુદ ચૌદસ તિથિને સ્વીકારવામાં આવે છે. ભારતીય પરંપરામાં ગણપતિ એટલે કે ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે ઓળખાવ્યા છે.

ગણપતિ એટલે ગણ (લોકસમૂહ)નો સ્વામી. વિનાયક શબ્દ પણ તે અર્થમાં છે. સાચો લોકનાયક પોતાના આધિપત્ય હેઠળના લોકોના અવરોધ હંમેશાં દૂર કરવા માટે તત્પર હોય છે. ભાદરવા માસમાં અગિયાર દિવસના ગણેશ ઉત્સવનો આરંભ ચતુર્થી (ચોથ) તિથિએ થાય છે. ગણેશ મહોત્સવનું સમાપન ચતુર્દશી (ચૌદસ) તિથિએ થાય છે. આમ, આરંભ અને સમાપ્તિ બંને રિક્તા તિથિમાં થાય છે.

અનંત ચતુર્દશીનું ખગોળીય મહત્વ

ભાદરવા સુદ ચૌદસે આવતી અનંત ચતુર્દશી મોટે ભાગે સિંહ સંક્રાંતિ (સિંહ રાશિના સૂર્યભ્રમણ) દરમિયાન આવે છે. તેથી આ દિવસે મહદ અંશે સૂર્ય ચંદ્રની પ્રતિયુતિ (ઓપોઝિશન) બને છે. સુદ ચૌદસનો ચંદ્ર વૃદ્ધિ પામેલો હોય છે. બીજા દિવસે પ્રૌષ્ઠપદી ર્પૂિણમા હોય છે. જો ગણેશ વિસર્જનના દિવસે ભક્તિભાવપૂર્વક અમુક શુદ્ધ સાત્ત્વિક પ્રયોગો કરવામાં આવે તો જીવનના અવરોધ હળવા બને છે.

અનંત ચતુર્દશીએ બારેય રાશિવાળાએ શું કરવું?  

આ દિવસે બારેય રાશિવાળા લોકોએ પોતાની રાશિના અધિપતિ ગ્રહના ૧૦૮ મંત્રજાપ (એક માળા) કરવા જોઇએ.

જે વ્યક્તિની જન્મતિથિ સુદ ચૌદસ હોય તેઓએ પોતાના ઈષ્ટદેવની એક માળા વિશેષ કરવી.

સમીસાંજે સૂર્યાસ્ત પહેલાં પૂર્વ દિશામાં ચંદ્રોદય સમયે ચંદ્રનાં દર્શન કરીને ગણપતિનું સ્મરણ કરવું જોઇએ.

દિવસ દરમિયાન શક્ય હોય તો ગણપતિનાં દર્શન- સ્તુતિ- પ્રાર્થનાનું આયોજન કરવું.

આ દિવસે બારેય રાશિવાળા લોકોએ અત્રે જણાવ્યા મુજબ એક માળા સવારે સૂર્યોદય સમયે તથા એક માળા સાંજે સૂર્યાસ્ત સમયે (સમી સાંજના ચંદ્રોદય સમયે) શ્રદ્ધાપૂર્વક કરવી. આર્િથક અવરોધ હળવા બને છે.

રાશિ સ્વામી  

(૧) મેષ : મંગળનો મંત્ર.

(૨) વૃષભ ; શુક્રનો મંત્ર.

(૩) મિથુન : બુધનો મંત્ર.

(૪) કર્ક : ચંદ્રનો મંત્ર.

(૫) સિંહ : સૂર્યનો મંત્ર.

(૬) કન્યા : બુધનો મંત્ર.

(૭) તુલા : શુક્રનો મંત્ર. .

(૮) વૃશ્ચિક : મંગળનો મંત્ર.

(૯) ધનુ : ગુરુનો મંત્ર.

(૧૦) મકર : શનિનો મંત્ર.

(૧૧) કુંભ : શનિનો મંત્ર.

(૧૨) મીન : ગુરુનો મંત્ર.

નોંધઃ આવતા વર્ષે ગણેશ ચતુર્થી ભાદરવા સુદ -૪ ને શનિવાર તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૦ના દિવસે આવશે. અનંત ચતુર્દશી ભાદરવા સુદ- ૧૪ ને મંગળવાર તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના દિવસે આવશે.

  • ભૂપેન્દ્ર ધોળકિયા

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન