ફુલાવું નહીં, પૈસો આજ છે તો કાલ નથી - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ફુલાવું નહીં, પૈસો આજ છે તો કાલ નથી

ફુલાવું નહીં, પૈસો આજ છે તો કાલ નથી

 | 2:43 am IST

કવર સ્ટોરી :- અમિતા મહેતા

જીવનમાં પૈસાનું મહત્ત્વ કોઈ સંજોગોમાં નકારી શકાય એમ નથી, પરંતુ જિંદગીમાં પૈસા સિવાય પણ પ્રેમ- સંબંધો- દોસ્તી અને કરુણા- દયા જેવી બાબતો મહત્ત્વની છે. છતાં પૈસા આવતાં લોકો ઝડપથી બદલાય છે, હવામાં ઊડે છે. એટલું જ નહીં પ્રેમ-દોસ્તીનાં સમીકરણો પણ બદલી નાખે છે. શું પૈસાએ આપણી ઓરિજિનાલિટી છીનવી લીધી છે ? પૈસાએ આપણા એટિટયૂડને બદલી નાંખ્યો છે? શું પૈસાએ આપણને દંભી બનાવી દીધા છે? ચાલો, આ પ્રશ્નોના જવાબ મેળવીએ.

હમણાં એક ફ્રેન્ડનો અમેરિકાથી ફેન આવ્યો. નાનકડા ગામડામાં મોટાં સપનાં જોઈને એને સાકાર કરવા ગયેલી આ મિત્રનું નામ રાખીશું અવની. અવની કહે છે કે જિંદગીનાં મહત્ત્વનાં વર્ષો પૈસા કમાવામાં ગયાં. પૈસાથી મળતી તમામ સુખસગવડો મેળવી. ઇચ્છા થાય ત્યારે ફ્રવા જઈ શકું છું અને ઇચ્છા થાય તો ખરીદી શકું છું પણ હવે એનો કોઈ રોમાંચ મને નથી રહ્યો. ન સમજી શકાય એવો વિષાદ મનને દોરી ખાય છે. દિલ ફડીને પ્રેમ કરી શકાય એવા જૂના મિત્રો છૂટતા ગયા. નવા મિત્રો કંપેરિઝન, કોમ્પિટિશન અને ક્રિટિસિઝમથી ઘેરાયેલા છે. કેરિંગ અને શેરિંગ સમ ખાવા પૂરતા જ જોવા મળે છે તો બીજી બાજુ પૈસાને કારણે આવેલા એટિટયૂડ અને ઈગોએ મને ખુદથી પણ દૂર ધકેલી દીધો. પૈસાએ મને બહારનું સુખ આપ્યું પરંતુ અંદરનું ઘણું બધું છીનવી લીધું.

છેલ્લાં દસ-બાર વર્ષમાં શેરબજારમાં કમાઈને ધનવાન બનેલી એક મિત્રને ત્યાં લગ્નમાં જવાનું થયું. બહુ ઓછા લોકો ઓળખીતા હતા. મોટા ભાગનાં શહેરના બિઝનેસમેન અને ઓફ્સિર્સ હતા. વીસ વર્ષ જે સોસાયટીમાં રહ્યા હતા એમાંનું કોઈ ન હતું. મિત્ર કહેઃ શું કરીએ? હવે સ્ટેટસવાળા લોકોને બોલાવવા પડે, સ્ટેટસ બદલાય એમ જૂના સંબંધો છૂટતા જાય. મહત્ત્વ તો નવાને જ આપવું પડેને? સાવ સામાન્ય લોકો સાથે હળવુંમળવું હવે નથી ગમતું, આ બહેને નિખાલસતાથી સત્ય કબૂલી લીધું, પરંતુ પૈસા આવતાં તમે જે લોકો સાથે જિંદગીનાં મહત્ત્વનાં વર્ષો પસાર કર્યાં હોય કે એકબીજાનાં સુખદુઃખમાં સહભાગી બન્યા હોય એ લોકોને જીવનમાંથી ફેંકી દેવાના? દરેક ઉજ્જવળ ભવિષ્યની પાછળ ભૂતકાળ હોય જ છે અને એ ભૂતકાળ જ ભવિષ્યની ઈમારતનો પાયો હોય છે, પરંતુ પૈસાને કારણે આવેલો એટિટયૂડ પાયાના પથ્થરોને અવગણે છે. ઈટ્સ નોટ ફેર….!

સ્ત્રીઓની વાત કરીએ તો આજે સોશિયલ મીડિયાને કારણે જૂની વિસરાયેલી બહેનપણીઓનું ગ્રૂપ ઘણી વાર રૂબરૂ પણ મળે છે. એમાંની સફ્ળ અને ધનવાન સ્ત્રી પોતાનો રૂઆબ અન્ય મધ્યમવર્ગીય મિત્રો પર ઝાડતી રહે છે. મને તો આ બ્રેન્ડ વગર ચાલે જ નહીં. ઓહ! નો…હું આવી રેસ્ટોરાંમાં તો આવી જ નહીં શકું. અરે, મારા ફર્મ પર ગેટ ટુ ગેધર રાખીશું. જેથી કોઈને પૈસાની તકલીફ નહીં પડે. હું જ સ્પોન્સર કરીશ.

આ ત્રણેય ઉદાહરણો બતાવે છે કે પૈસાએ એમના જીવનને બદલી નાંખ્યું છે. પુરુષો પણ બદલાતા હોય છે, પરંતુ તેઓ મોટે ભાગે દોસ્તીમાં પૈસાને વચમાં લાવતા નથી અને સ્ત્રીઓમાં તો પૈસાને કારણે ઘણી વાર સગી બહેન માટેનું વર્તન પણ બદલાઈ જાય છે. મોંઘાદાટ વસ્ત્રો અને જ્વેલરીનું પ્રદર્શન કરીને વટ મારે છે. કેટલીક ઘમંડી સ્ત્રીઓ તો અન્યને લઘુતાગ્રંથિ ફીલ કરાવવાની એક પણ તક નથી છોડતી.

પૈસા આવતા બાહ્ય દેખાવ અને લાઈફ્સ્ટાઈલ બદલાવી જ જોઈએ, પરંતુ પણ સમૂળગા આંતરિક વ્યક્તિત્વમાં નકારાત્મક પરિવર્તન ન જ આવવા જોઈએ. પૈસા માણસનાં મૂળને, એની નિજતાને અને સાચુકલા સંબંધને બદલી નાંખે એ કેમ ચાલે? માણસ પૈસાને નચાવી શકે. પૈસો માણસને નચાવે એ યોગ્ય છે?

પૈસો આવતાં જૂના સંબંધો તોડનાર લોકો મૂર્ખ છે, કારણ કે આ સંબંધો પૈસાના મોહતાજ નહોતા. તેથી એનું મૂલ્ય બિઝનેસ-પાર્ટી અને સોશિયલ ફ્રેન્ડ્ઝ કરતાં વધારે છે. ત્યાં તમારે ચહેરા પર મહોરું લગાવીને નથી જીવવું પડતું. અને દિલને સહજતાથી ખુલ્લું કરી શકો છો. એટલું જ નહીં જાતને છેતરીને પણ જીવવું પડતું નથી. સો, આપણે લાખો કમાઈએ કે કરોડો પરંતુ જૂના સોના જેવા સંબંધોને વિસારે નહીં પાડીએ.

કદાચ લોકો પાસે ઓછાં સુખ-સમૃદ્ધિ હતાં ત્યારે દિલ ઉદાર હતાં. ઘર નાનું પણ હૃદય મોટાં હતાં. આજે સામાન્ય માણસ પૈસાવાળાના ઘરે કોઈ આમંત્રણ વગેરે આપવા જાય તો એને સરખો આવકાર મળતો નથી. આપણી આજુબાજુના પરિવારો તરફ દૃષ્ટિ કરીશું તો સમજાશે કે પૈસાએ આપણને વધારે પડતાં સ્વકેન્દ્રિત બનાવી દીધા છે પણ ધનવાન હોવાને કારણે આપણે કોઈ સામાન્ય વ્યક્તિનું અવમૂલ્યન કે અપમાન કરીએ તો ન જ ચાલે.

ઘણી સ્ત્રીઓ બાળપણમાં ખૂબ ગરીબીમાં મોટી થઈ હોય અને ભાગ્યના જોરે સાસરું પૈસાવાળું મળે તો એના તેવર જ બદલાઈ જાય. પૈસાના અભાવમાં જે ઈર્ષ્યા અને અધૂરપ દબાયેલી હતી તે પૈસો આવતા અભિમાન અને આછકલાઈરૂપે બહાર આવે છે. તેઓ પૈસાને પચાવી શકતા નથી. એની વાતો પૈસાની આજુબાજુ જ ફ્રે છે. અને સ્ત્રીઓની બાબતમાં મજાની વાત એ છે કે આ પૈસો જાતે કમાનારી કે કમાવામાં પતિ-પરિવારને મદદ કરનારી સ્ત્રીઓ ખૂબ ઓછી હોય છે. એનો સેલ્ફ્ એસ્ટીમ-ઓવર કોન્ફિડન્સ અને ઈગો બધું જ સ્પાઉસ કાર્ડ પર આધારિત હોય છે. છતાં તેઓ જોબ કે નાનોમોટો બિઝનેસ કરીને ખુદ કમાનારી મધ્યમ કે ઉચ્ચ મધ્યમવર્ગીય સ્ત્રીઓને તુચ્છ સમજે છે. પોતાની કમાણીમાંથી ખરીદેલી એક ગોલ્ડ રીંગનું મૂલ્ય સ્પાઉસ કાર્ડથી ખરીદેલી સોલિટેર રીંગ કરતાં વધારે નથી? નસીબે તમને સમૃદ્ધિ આપી છે તો એમાં આળોટો કે કૂદો એ તમારી મરજીની વાત છે પરંતુ તમારી કૂદાકૂદથી અન્યને ધક્કો ન લાગવો જોઈએ.

એક પરિવારના બે ભાઈ સંપથી રહેતા હોય પરંતુ એક ભાઈ વધારે કમાવા માંડે ત્યારે ઘરના સ્ત્રીવર્ગમાં અહમ્ અને ઈર્ષ્યાને કારણે ઝઘડો થાય અને અત્યાર સુધીના લાગણીના સઘળાં તાણાવાણામાં ગૂંચ પડે પૈસો કે સફ્ળતા માણસને નમ્ર બનાવે તો જ એની મજા. બાકી, અબજોમાં આળોટનાર કંગાળ થઈ ગયાના દાખલા છે. અગર ભગવાને કે તમારી મહેનતે તમને, સમૃદ્ધિ આપી છે તો કુદરતનો આભાર માનો. એનો સારો ઉપયોગ કરો કે આનંદ માણો. સમૃદ્ધિ કોઈના દિલને ઠંડક આપનારી જોઈએ, નહીં કે દઝાડનારી કે રડાવનારી.

બીજું કે, આ દુનિયામાં તારો પછી મારો વારા પછી વારો આવે જ છે. અને વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી પૈસાદાર નથી કે જેને બીજાની જરૂર નહીં જ પડે અને કોઈ ગરીબ એવો નથી કે જે કોઈની મદદ નહીં કરી શકે. એટલે પૈસો હોવાથી અમને કોઈની જરૂર જ ન પડે એવો ફંકો રાખવાનો કોઈ અર્થ નથી.

કેટલીક વ્યક્તિઓ પૈસો આવતાં જ આખી બદલાઈ જાય છે કે કાર આવતાં બાઈક પર જતી વ્યક્તિ તુચ્છ બની જાય. તેઓ ઝડપથી પોતાના દિવસો ભૂલી જાય છે. કેટલાકમાં તો એવો ઈગો આવે છે કે ગરીબ અને મધ્યમવર્ગની ઠેકડી ઉડાડવી એ એમના માટે ફેશન બને છે. ફઈવ સ્ટાર હોટેલ્સ, બ્રાન્ડેડ કપડાં અને વર્લ્ડ ટૂરની વાતો દ્વારા બીજાને કશું જ નથી એવું ફીલ કરાવવાની એમને મજા આવે છે. પૈસાને સર્વસ્વ માનનારાઓ માટે એક નાનકડી બોધકથા પ્રસ્તુત છે.

અંગ્રેજી ભાષાના એક કવિ જેરેમી ટેલરને ત્યાં ચોરી થઈ. ઘરમાંથી જર-ઝવેરાત પૈસા બધું જ લઈ ગયા. બીજા દિવસે મિત્રો એમને આશ્વાસન આપવા માટે ગયા. મિત્રોના આશ્ચર્ય વચ્ચે જેરેમીના ચહેરા પર જરાય દુઃખ નહોતું. તેઓ પહેલાં જેવા જ પ્રસન્ન હતા.

મિત્રોએ પૂછયું, દોસ્ત, આટલી સંપત્તિ ગુમાવવા છતાં તું આનંદમય કઈ રીતે રહી શકે છે?

જેરેમીએ જવાબ આપ્યો જે કંઈ કીમતી હતું તે ચોરાયું, પરંતુ મૂલ્યવાન હતું તે મારી પાસે જ છે. મારું આ શરીર, પ્રતિભા, શક્તિ, મન અને તમારા જેવા મિત્રો! બાકી બધું તો મારા માટે નિરર્થક છે. સારું થયું આજે મારો બધો બોજો ઊતરી ગયો.

જેરેમી જેવી નિઃસ્પૃહતા દાખવવી અઘરી છે પરંતુ પૈસો એ કીમતી વસ્તુ છે જ્યારે સંબંધો, સ્વજનો, મિત્રો અને નિરાભિમાન જેવા ગુણો એ મૂલ્યવાન વસ્તુ છે કીમતી વસ્તુ મેળવવામાં મૂલ્યવાન વસ્તુઓ ન છૂટવી જોઈએ.

(તસવીર પ્રતીકાત્મક છે)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન