Inflation gave parents another tweak after the Corona epidemic
  • Home
  • Featured
  • કોરોના મહામારી બાદ વાલીઓને વધુ એક ઝટકો

કોરોના મહામારી બાદ વાલીઓને વધુ એક ઝટકો

 | 2:51 pm IST
  • Share

  • બાળકોની સ્ટેશનરીની વસ્તુઓ 30 ટકા સુધી મોંઘી

  • તમામ વસ્તુઓ મોંઘી બનતા વાલીઓનું બજેટ અસ્ત-વ્યસ્ત

 

કોરોના મહામારી બાદ વાલીઓને મોંઘવારીએ વધુ એક ઝટકો આપ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં બાળકોની સ્ટેશનરીની વસ્તુઓ 30 ટકા સુધી મોંઘી બનતા વાલીઓનું બજેટ અસ્ત-વ્યસ્ત થયું છે. બીજી તરફ જીએસટી અને પેટ્રોલના ભાવ વધારાને પગલે સ્ટેશનરી સહિતની તમામ વસ્તુઓ મોંઘી બની હોવાનું જામનગરના વેપારીઓ જણાવી રહ્યાં છે.

અકલ્પનીય 30 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો

કોરોના કાબુમાં આવતા તાજેતરમાં ધો.1 થી 5 સુધીના બાળકોની સ્કૂલો શરૂ થઇ છે. ઓફલાઇન શિક્ષણને કારણે શાળાઓ બાળકોના કલબલાટથી ગુંજી રહી છે. જેને પગલે જામનગરની સ્ટેશનરી, બેગ-યુનિફોર્મ સહિતની વસ્તુઓની દુકાનોમાં ખરીદી માટે ભારે ભીડ જામી છે. તેવા સંજોગો વચ્ચે જીએસટીમાં વધારો અને પેટ્રોલ-ડિઝલમાં થયેલા તોતિંગ ભાવ વધારાને લીધે પેન, બુક, પેપર પેડ સહિતની વસ્તુઓમાં અકલ્પનીય 30 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે.

વાલીઓ માટે પણ ઉપાધીનો કોઇ પાર નથી

હાલ તો એક સાથે ઓચિંતી સ્કૂલ ખુલતા બાળકોના બુક્સ, બાળકોના ડ્રેસ અને અન્ય ચીજવસ્તુઓની બજારમાં પડાપડી જોવા મળે છે. તો કયાંક આ તમામ ચીજવસ્તુઓની તંગી પણ જણાઈ રહી છે. બીજી તરફ શાળાઓ સંપૂર્ણ ખુલતા દર વર્ષ કરતા ચાલુ વર્ષે ખુબ સારી ઘરાકી દરેક ચીજવસ્તુઓ લેવામાં જોવા મળી છે. જેને કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વાલીઓની પડાપડીને લીધે વેપારીઓ વહેલી સવારથી જ રાત્રી સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. તેમજ ઘરમાં રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં પણ મોંઘવારીનો સામનો વાલીઓ કરી રહ્યાં છે. ત્યારે વાલીઓ માટે પણ ઉપાધીનો કોઇ પાર નથી.

ગરીબ અને મધ્યમ પરિવારો ભારે મુંઝવણમાં

એક બાજુ કોરોનાકાળમાં આવકના ઠેકાણા નથી. બીજી બાજુ સ્કૂલની ઉંચી ફી અને હવે સ્ટેશનરીને પગલે શિક્ષણ મોંઘુ બનતા બાળકોને ભણાવવા કેમ? તેવો વાલીઓમાં પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે. વાલીઓનું બજેટ વેરવિખેર થઇ જતાં ગરીબ અને મધ્યમ પરિવારો ભારે મુંઝવણમાં મુકાયા છે. એટલું જ નહીં ગરીબ પરિવારને બે-ત્રણ બાળકો હોય તો શિક્ષણનું બજેટ કઇ રીતે બનાવવું? તે પડકારજનક અને અણિયારો પ્રશ્ન હાલ વાલીઓને સતાવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો