NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સ્વિસ બેન્કમાં ભારતીયોના છે કેટલા પૈસા? જાહેર થયો ચોંકાવનારો સર્વે

સ્વિસ બેન્કમાં ભારતીયોના છે કેટલા પૈસા? જાહેર થયો ચોંકાવનારો સર્વે

 | 7:08 pm IST

અન્ય દેશોના મુકાબલે ભારતના લોકોના સ્વિસ બેન્કમાં ઘણા ઓછા પૈસા છે. આ કહેવું છે સ્વિત્ઝર્લેન્ડના પ્રાઇવેટ બેન્કર્સના એક ગ્રુપનું. તેમનું માનવું છે કે સ્વિસ બેન્કમાં ભારતીયો કરતા સિંગાપુર અને હોંગકોંગ જેવા ફાયનાન્શિયલ હબના પૈસા વધુ છે. તાજેતરના આંકડાઓને માનીએ તો સ્વિસ બેન્કમાં ભારતીયોના માત્ર ૧.૨ બિલિયન ફ્રેન્ક (લગભગ ૮૩૯૨ કરોડ રૂપિયા) છે. આ આંકડો ૨૦૧૫ના અંત સુધીનો છે.

થોડા દિવસ અગાઉ જ સ્વિત્ઝર્લેન્ડે એઈઓઈ (ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફર્મેશન)નો વાયદો કર્યો હતો. જેના અંતર્ગત સંબંધિત દેશોને એના નાગરિકો દ્વારા જમા કરાયેલા પૈસાની જાણકારી આપવામાં આવશે. આ નિર્ણયમાં ભારત સહિત અન્ય ૪૦ દેશો પણ સામેલ થશે, પરંતુ જીનિવાસ્થિત એસોસિયેશન ઓફ સ્વિસ પ્રાઇવેટ બેન્કે જણાવ્યું હતું કે એને ભારત અંગે કોઈ ચિંતા નથી, કારણ ત્યાં કાયદાનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે. એસોસિયેશનના મેનેજર જૈન લેંગોએ જણાવ્યું કે સ્વિત્ઝર્લેન્ડમાં રહેતા ભારતીયોના પૈસા ઘણા ઓછા છે અને તો સિંગાપુર અને હોંગકોંગ ઘણા આગળ છે.

સ્વિટ્ઝરલેન્ડે ભારત અને અન્ય ૪૦ દેશોને બેન્ક કે નાણાકીય ખાતાની માહિતીની આપોઆપ આદાનપ્રદાન પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીને પગલે શંકાસ્પદ કાળા નાણાં અંગેની માહિતીની તત્કાળ આપલે થઈ શકશે. જોકે સ્વિસ સરકારે કહ્યું છે કે ભારત અને અન્ય દેશોએ પણ ગોપનીયતા અને ડેટા સિક્યોરિટીનું કડકપણે પાલન કરવું પડશે. ઓટોમેટિક ઇન્ફર્મેશન શેરિંગની આ પ્રક્રિયાનો ૨૦૧૯થી પ્રારંભ થશે. આ મંજૂરીને પગલે વિદેશમાં પડેલાં કાળા નાણાંને દેશમાં લાવવા મોદી સરકારને મદદ મળશે.

સ્વિસ ફેડરલ કાઉન્સિલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં ઓટોમેટિક ઇન્ફર્મેશન શેરિંગ પ્રોટોકોલનો અમલ શરૂ થશે અને ડેટાના પ્રથમ સેટનું ૨૦૧૯માં આદાનપ્રદાન થશે. કાઉન્સિલે આ તારીખોની જાહેરાત કરી છે અને તેના અમલ માટે રેફરન્ડમની આવશ્યકતા નહીં રહે. વર્ષ ૨૦૧૯માં માહિતી આપલે કરવાની શરૂઆત કરતાં પહેલાં કાઉન્સિલ તે બાબતની ચકાસણી કરશે કે ભારત અને અન્ય દેશો જ્યુડિશિયલ ગોપનીયતા અને ડેટા સિક્યોરિટીના માપદંડો જાળવે છે કે નહીં.