ઇન્ફોસિસ-HDFCની આગેવાનીએ શેરબજારમાં તેજી - Sandesh
  • Home
  • Business
  • ઇન્ફોસિસ-HDFCની આગેવાનીએ શેરબજારમાં તેજી

ઇન્ફોસિસ-HDFCની આગેવાનીએ શેરબજારમાં તેજી

 | 4:15 am IST

મુંબઇ, તા.૧૧

શેરબજારની શરૂઆત આજે સાવચેતીભરી થઇ હતી. જોકે, ત્યારબાદ બજારે વેગ પકડયો હતો અને એક તબક્કે સેન્સેક્સ ૩૪૫૫૮.૮૮ પોઇન્ટ ઉપર પહોંચ્યો હતો. ધૂમ ખરીદીને પગલે નિફ્ટી ૧૦૬૬૪.૬૦ પોઇન્ટની સપાટીને સ્પર્શ્યો હતો. દિવસના કામકાજને અંતે સેન્સેક્સ ૭૦.૪૨ પોઇન્ટ વધી ૩૪૫૦૩.૪૯ અને નિફ્ટી ૧૯ પોઇન્ટ વધી ૧૦૬૫૧.૨૦ પોઇન્ટ ઉપર બંધ રહ્યા હતા. એચડીએફસી અને ઇન્ફોસિસે બજારને આગળ વધારવામાં આગેવાની લીધી હતી.  ઇન્ફોસિસના ત્રિમાસિક ગાળાના પરિણામની આવતીકાલે જાહેરાત થવાની છે અને તેને પગલે શેરના ભાવમાં ૨.૨ ટકાનો વધારો જોવાયો હતો.

ઇન્ફોસિસમાં ૨.૫૫, ભારતી એરટેલમાં ૧.૬, કોટક બેન્કમાં ૧.૫૧, યસ બેન્કમાં ૧.૫૫ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૧.૦૫ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ઇન્ડસ ઇન્ડ બેન્કમાં ૧.૮૫, વિપ્રોમાં ૧.૦૬, આઇસીઆઇસીઆઇ બેન્કમાં ૦.૮૨, કોલ ઈન્ડિયામાં ૦.૮૧ અને હીરો મોટો કોર્પમાં ૦.૭૩ ટકા ઘટાડો થયો હતો.

જય કોર્પ લિમિટેડના શેરના ભાવમાં ૧૦ ટકાનો વધારો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વ્યક્તિગત ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ નવી મુંબઇ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં જય કોર્પનો ૨૪ ટકા હિસ્સો ખરીદવા વાટાઘાટ કરી રહી છે એવા અહેવાલને પરિણામે શેરનો ભાવ વધીને રૂ.૨૧૪.૧૦ થયો હતો.

દીપ ઇન્ડસ્ટ્રીઝના ભાવમાં ૪.૪ ટકાનો વધારો જોવાયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના ત્રિમાસિક ગાળામાં વ્યાજની ચોખ્ખી આવક એનેલિસ્ટોની અપેક્ષા કરતાં ઓછી આવતાં શેરનો ભાવ રૂ. ૩૩.૪૦ ઘટીને રૂ. ૧૭૦૦ થયો હતો. નવેમ્બરમાં ૪૩ લાખ ગ્રાહકોનો ઉમેરો થવા સાથે ભારતી એરટેલનો ભાવ ૧૫ ટકા વધી રૂ.૫૧૫.૯૦ થયો હતો. એચડીએફસીમાં ૦.૯, એચડીએફસી બેન્કમાં ૦.૫, કોટક મહિન્દ્રા બેન્કમાં ૧.૫ અને ઇન્ડિયા બુલ હાઉસમાં ૨ ટકા વધ્યા હતા. ઇન્ડિયા નિપ્પોન ઇલેક્ટ્રીકલ્સના શેરના ઇન્ટ્રાડે કામકાજમાં ૧૦ ટકાનો વધારો જોવાયો હતો. ઇક્વિટી શેરનું પેટા વિભાજન કરવા વિચારણા માટે કંપનીના બોર્ડની બેઠક ૨૯ જાન્યુઆરીએ મળશે. મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે ૩૧મી ડિસેમ્બરે પૂરા થતા ત્રિમાસિક ગાળાના પરિણામોની સમીક્ષા કરવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક ૨૫ જાન્યુઆરીએ મળશે. એક રોકાણકારે શેર દીઠ રૂ.૧૯૭.૧૫ અને ઇક્વિટી ફંડે પાંચ લાખ શેર્સ (શેર દીઠ રૂ.૧૯૭.૯૫)ના ભાવે ખરીદતા સોમ ડીસ્ટીલરીઝ એન્ડ બ્રૂઅરીઝના શેરનો ભાવ વધીને રૂ.૨૪૮.૫૦ થયો હતો. યુનાઇટેડ બ્રૂઅરીઝના ભાવમાં ૬ ટકાનો વધારો થયો હતો. શેરનો ભાવ રૂ.૩૯.૬૦ વધી રૂ. ૧૧૭૦ થયો હતો.  મુંબઇ પોર્ટ ટ્રસ્ટ સાથે એક સમજૂતીને પરિણામે કોચીન શીપયાર્ડનો ભાવ રૂ.૨૩.૧૦ વધી રૂ. ૫૫૭.૦૫ થયો હતો. બેન્ક ઓફ ઇંડિયાએ જણાવ્યું હતું કે ભંડોળ માટે વિચારણા કરવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક ૨૦ જાન્યુઆરીએ મળશે.

જી.ઈ. પાવરનો ભાવ એક દાયકાની સર્વોચ્ચ સપાટીએ

નવયુગ એન્જિનીઅરીંગ કંપની તરફથી રૂ.૮૨૦ કરોડના ઓર્ડરને પરિણામે જીઇ પાવરનો ભાવ એક દાયકાની સર્વોચ્ચ સપાટીએ (રૂ.૮૭૬.૦૫) પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીને આ ચોથો મોટો ઓર્ડર મળ્યો છે.

;