નિર્દોષ અને ભોળા પશુ-પંખી જાસૂસી કરે? - Sandesh

નિર્દોષ અને ભોળા પશુ-પંખી જાસૂસી કરે?

 | 1:47 am IST

થોડા વખત પહેલાં સાઉદી આરબે પોલીસેે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનું જાસૂસ માનીને એક ગીધની ધરપકડ કરી હતી. આ વાંચીને તમને હસવું આવતું હોય તો જાણી લો કે જંતુઓ, ખિસકોલી, પક્ષીઓ અને કૂતરાઓ ૫ાસે ખરેખર જાસૂસી કરાવવામાં આવે છે. એ માટે એ પ્રાણી, પંખી, જંતુ વગેરેને પાળવામાં આવે છે અને નિષ્ણાતો એમને ખાસ રીતે વર્તવાની તાલીમ આપે છે. પછી એ જીવ દુશ્મન વિસ્તારમાં જઈને એને શીખવ્યા પ્રમાણ કામ કરતું રહે છે. એને તો ખબર જ નથી હોતી કે એ જાસૂસી કરે છે. પણ સામેના દેશના સલામતી એજન્ટોની નજર પડી જાય તો એને પકડી લે છે. તેવા ઘણા કિસ્સા છે જેમાં ભારત સહિતના સંખ્યાબંધ દેશોએ પ્રાણીઓ અને પક્ષીઓ જાસૂસ તરીકે પકડાયા છે. આપણે ત્યાં કચ્છમાં સવાર વગરના એક ઊંટને જાસૂસી બદલ પકડીને કેદ રાખવામાં આવ્યું હતું.

બિલાડીની જાસૂસી

૨૦૦૯માં રાજકીય નેતા જ્યોર્જ ઓસ્બોર્નની એક બિલાડી હતી. જેનું નામ ફ્રીયા હતું. ફ્રીયા અચાનક ગાયબ થઇ ગઇ. થોડા વર્ષો પછી ઓસ્બોર્ન નાણામંત્રી બન્યા જેના કારણે તેમણે નાણામંત્રીની ઓફિસમાં જવાનું થયું. જે પીએમ ઓફિસની બાજુમાં હતી. નાણામંત્રી બન્યા તેના થોડા દિવસ પછી અચાનક તેમને એક ફોન આવ્યો અને કોઈએ જણાવ્યું કે તમારી બિલાડી મળી ગઇ છે. ઓસ્બોર્ન ખુશ થઇ ગયા. અમુક સમય પછી ઓફિસના કેટલાક લોકોએ નોધ્યું કે, ઓસ્બોર્નની બિલાડી ફ્રીયા રોજ સરકારી બિલ્ડિંગની અંદર અવર જવર કરતી રહેતી હતી, જ્યાં બધા મહત્ત્વના કાગળો પડયા રહેતા હતા. સિક્રેટ ર્સિવસના એજન્ટોએ જણાવ્યું કે સર ફ્રીયાનું આ વર્તન શંકાસ્પદ છે. શક્ય છે કે વિદેશી સત્તાએ તેને પકડીને તાલીમ આપીને પાછી મોકલાવી હોય. આથી જ્યોર્જ ઓસ્બોર્ને કચવાતા મને ૨૦૧૪માં ફ્રીયાને કેન્ટ પરિવાર સાથે રહેવા માટે મોકલી દીધી હતી.

પક્ષીઓની જાસૂસી

જો ટ્રેનિંગ આપવામાં આવે તો પક્ષીઓ પણ જેમ્સ બોન્ડની જેમ જાસૂસી કરતાં શીખી જાય છે. પૂર્વીય યુરોપિયન રાજ્યમાં સાંકડા રસ્તે આવેલા બિલ્ડિંગનાં એક એપાર્ટમેન્ટની બારી પર બેઠેલો કાગડો જોવા મળ્યો હતો. તે બારીમાં ભૂખરા કલરની સ્લેટ મૂકીને ઊડી ગયો. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ સ્લેટ અમેરિકાના સીઆઇએના હેડક્વાર્ટરની ટેક્નિકલ લેબોરેટરીમાંથી આવી હતી. આ સ્લેટ એક ઇલેક્ટ્રીક ટ્રાન્સમીટર હતી. જેમાં બધી વાતો રેકોર્ડ થઇ જતી હતી અને સીધી ટ્રાન્સમીટ થઈ અન્ય જગ્યાએ સાંભળી પણ શકાતી હતી.

કબૂતર જાસૂસી માટે ફેવરિટ

કબૂતરનો જાસૂસ તરીકે વધુ ઉપયોગ કરવામાંં આવ્યો છે. કબૂતરને ટ્રેનિંગ આપવી સરળ છે. તે કોઈપણ વાત ઝડપથી શીખી જાય છે. એટલે શરૂઆતમાં કબૂતરોને માઈક્રોફોન, ટ્રાન્સમીટર, રેડિયો સિગ્નલર વગેરે લગાવીને વિવિધ જગ્યાએ મોકલવામાં આવતા હતા. વર્ષો સુધી કબૂતરોનો જાસૂસીમાં સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવતો રહ્યો. પછી આ વાત જગજાહેર થઈ જતાં હવે કબૂતરો જાસૂસી માટે હોટ ફેવરિટ નથી રહ્યા.

ડોલ્ફિન પાસે જાસૂસી કરાવી!

હમાસમાં ઇઝરાયલના પેલેસ્ટાઇન ગ્રૂપે ૨૦૧૫માં ગાઝાના દરિયામાંથી એક ડોલ્ફિનને વિચિત્ર વર્તન કરતી જોઈને પકડી પાડી. તેની ઉપર જાસૂસી ઉપકરણો લગાવ્યા હતા. એમનો આરોપ હતો કે આ કામ ઈઝરાયલનું છે. જોકે ઇઝરાયલે એની ના પાડી દીધી હતી. ડોલ્ફિન જળચરોમાં સૌથી બુદ્ધિશાળી હોય છે. એને તાલીમ આપવી સહેલી છે. એટલે એનો જાસૂસીમાં બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે.