નિર્દોષ બાળકો જેલમાં ? - Sandesh

નિર્દોષ બાળકો જેલમાં ?

 | 1:22 am IST

રંગ-તરંગ । હેમલત્તા માધવરાવ

ગુનેગાર મા સાથે તેમના નાના  બાળકોને પણ જેલમાં રાખવામાં આવે છે, પણ તેના લીધે બાળકોનું ભલું થાય ખરું એ મોટો પ્રશ્ન છે.

ઉત્તરાખંડની આ વાત છે. કમલ લોચન શેટી અને તેની પત્ની સુજાતાને,માઓવાદીઓને ટેકો આપવાના કારણસર ૨૦૦૮ની સાલમાં પકડવામાં આવ્યા. તે વખતે સુજાતા સગર્ભા હતી, જેલવાસના ત્રીજા મહિને બેહરામપુરની હોસ્પિટલમાં તેણે બાળકીને જન્મ આપ્યો. દવાખાનેથી જેલમાં પાછા આવ્યા પછી તેમને ૬’ટ૬’ સેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. બાળકી કલાકો સુધી રડયા કરતી પણ કોઇ તેના તરફ ધ્યાન આપતું નહીં. છેવટે સુજાતાએ બળવો કર્યો, અને બાળક માટે મસાજ ઓઇલની વ્યવસ્થા કરી. પ્રોટીન- રીચ ડાયેટ આપવા માટે પણ જેલના ડોક્ટરને ભલામણ કરવી પડી. તેમની આવી લડાઉ વૃત્તિને કારણે છેલ્લા ૯ વર્ષોમાં તેમને જુદી જુદી ૪ જેલોનો જેલવાસ ભોગવવો પડયો છે. આવી પરિસ્થિતિમાં ઉછરતી બાળકીના તન-મન પર કેવી બૂરી અસર થાય તે સમજી શકાય છે. આટઆટલું ભોગવ્યા પછી તેમનો ગુનો સાબિત ન થતાં ગયે વર્ષે તેમને છોડી દેવામાં આવ્યા છે. આજે તેઓ ફ્રી છે પણ જેલવાસની માઠી અસર, ખાસ કરીને બાળકી પર થઇ છે તેના માટે જવાબદાર કોણ છે?

અત્યારે ઉત્તરાખંડની જેલોમાં એક વર્ષથી માંડી છ વર્ષ સુધીના લગભગ ૪૬ બાળકો તેમની મા સાથે જેલવાસ ભોગવી રહ્યા છે. મોટાભાગની સ્ત્રીઓ ખૂન, કિડનેપિંગ કે ડ્રગ પેડલિંગ જેવા ગુના માટે પકડાઇ છે. તેમાંની માત્ર ૯ સ્ત્રીઓના ગુના સાબિત થયેલા છે. જ્યારે બાકીની સ્ત્રીઓ અંડર ટ્રાયલ છે, એટલે કે પોલીસે તેમને પકડી છે પણ તેમનો ગુનો હજી પુરવાર થયો નથી. ખરેખર આવી મા અને તેમના બાળકોની દયા આવે છે.

આમાંની એક માને બેલ મળી છે પણ બેલ માટેના પૈસા ભરવાની તેની તાકાત નથી, અને તેમની સ્યોરિટી આપનાર પણ કોઇ નથી. મોટા ભાગની પકડાયેલી સ્ત્રીઓના ઘરવાળા તેમને અપનાવવા તૈયાર નથી થતા. સામાન્ય ગુના માટે પકડાયેલી કેટલીયે સ્ત્રીઓ તેમના બાળકો સાથે સડી રહી છે પણ તેમને છોડાવવાનો પ્રયત્ન કરનારની સંખ્યા બહુ નજીવી છે.

ખરી રીતે કાયદા પ્રમાણે બાળકોના ખાવા-પીવાની, કપડાલતાની, દવાપાણી અને શિક્ષણની જવાબદારી જેલરની છે પણ હકીકતમાં બાળકોને કેટલું મળે છે એ તો ભગવાન જ જાણે!

ઉત્તરાખંડની જેલની આ વાતના પડઘા ભારતના બીજા બધા જ રાજ્યોની જેલોમાં સાંભળવા મળે તો નવાઇ નથી, ખરેખર નિર્દોષ બાળકોનો શું ગુનો ?