બાળ વાર્તા  : બાપ કરતાં બેટા સવાયા - Sandesh
  • Home
  • Kids Corner
  • બાળ વાર્તા  : બાપ કરતાં બેટા સવાયા

બાળ વાર્તા  : બાપ કરતાં બેટા સવાયા

 | 3:50 pm IST

એ ક હતા દલા તરવાડી. એમને એક દીકરો. નામ એનું ભગો. દલા તરવાડી ભગાને શિખામણ આપે, “દીકરા, બધે જજે પણ શિવરામની વાડીએ ના જતો.”

શિવરામ એ વશરામ ભુવાનો દીકરો હતો. દલાભાઈને રીંગણાંનું શાક બહુ ભાવે. વશરામ ભુવાએ વાડીમાં રીંગણાં વાવેલાં. તરવાડી ચોરી કરીને લાવે. એક વાર વશરામના હાથે પકડાઈ ગયા. વશરામે એમને શિયાળાની ઠંડીમાં કૂવાના ઠંડા હિમ પાણીમાં ડૂબકીઓ ખવરાવેલી. આ વાત હજી દલા તરવાડી ભૂલ્યા ન હતા.

હવે વાડી વશરામનો દીકરો શિવરામ સંભાળતો હતો. એટલે દલા તરવાડી દીકરાને ત્યાં જવાની ના પાડતા હતા. દીકરો કહે, “પણ શા માટે?” ત્યારે દલા તરવાડીએ એમના જીવનમાં બનેલી આ ઘટનાની દીકરાને વાત કરી.

“બેટા, તું એ તરફ જતો જ નહીં, જઈએ તો રીંગણાં દેખાય ને દેખાય એટલે ખાવાનું મન થાય.” તરવાડી બોલ્યા.

“ને હું ચોરી કર્યા વગર રીંગણાં લઈ આવું તો?” ભગાએ પૂછયું.

“એવું ના બને. ભગા, એવાં સપનાં ના જો.”

“બાપા, તો આજ મારે તમને રીંગણાંનું શાક ખવરાવવું” ને આટલું કહીં ભગો ઊભો થયો. એક હાથમાં લોટો ને બીજા હાથમાં સોટી લઈ નીકળ્યો. “ક્યાં જાય છે?” બાપે પૂછયું, “રીંગણાં લેવા.” ભગો બોલ્યો.

ગામ બહાર તળાવ. તળાવની સામે પાર વશરામની વાડી. ભગો વિચાર કરતો કરતો છેક તળાવની પાર પહોંચ્યો. દૂરથી વાડી દેખાઈ. વાડીએ પહોંચ્યો. વાડી ફરતે થોરની ઊંચી વાડ. ક્યાંય છીંડું ના મળે. વાડીમાં શું વાવ્યું છે એય ના દેખાય. ફરતો ફરતો ભગો વાડીની ઝાંપલી પાસે પહોંચી ગયો.

ભગાએ ઝાંપલી ખોલી. અંદર ગયો. બૂમ પાડી, “વશરામ છે કે?” કોઈ પ્રત્યુત્તર ના મળ્યો, પણ ભગાએ જોયું તો વાડીમાં રીંગણાંના છોડ હસી રહ્યા હતા ને છોડ પર સરસ મજાનાં રીંગણાં લટકતાં હતાં. એક પળ તો ભગાને થયું કે રીંગણાં ચૂંટી લઉં. પણ પછી થયું કે ના ના, એવી ચોરી ન કરાય. માલિકને પૂછયા વગર ચીજ લેવાય જ નહીં. આજ તો શિવરામભૈ રાજીખુશીથી આપે તો જ લેવાં છે.

ને ભગાભૈ બહાર આવ્યા. ઝાંપલી બંધ કરીને ઘરને રસ્તે જવા નીકળ્યા. આગળ જતાં તળાવ પાસે શિવરામ સામે મળ્યો.

શિવરામ કહે, “ગોરજી, જે શ્રી ક્રિષ્ન!”

ભગો હસીને કહે, “જે શ્રી ક્રિષ્ન. શિવરામભૈ, ખેતીવાડી કેવીક છે?”

“ઠીક મારા ભૈ, અમારે ખેડૂતને તો એક વરહ સારું આવે ને બે વરહ ખરાબ.”

“એ તો એમ જ હોય શિવરામભૈ.” ને પછી ધીરે રહી ભગો કહે, “શિવરામભૈ, જરા તમારો હાથ બતાવોને?”

“તમને હાથ જોતાં આવડે છે?”

“હાસ્તો ભૈ, ભામણનો દીકરો છું એટલે પૂજા-પાઠ ને થોડું ઘણું જ્યોતિષ જોતાં આવડે છે. આ તમારા જેવા કોક શ્રદ્ધાળુનો હાથ જોઈએ, બાકી ગમે તેનો હાથ ના જોઈએ હોં!”

આ સાંભળી શિવરામ રાજી થયો. તેણે જમણો હાથ પહેરણે ઘસીને સામે ધર્યો. ભગાએ આમતેમ ફેરવી ખાલી ખાલી હાથ જોયો ને પછી કહે, “હં… આ ભાગ્યરેખા સારી છે હોં! તમે મહેનત કરો છો એ પ્રમાણમાં બરકત રહેતી નથી. હું… આ શનિ ખાડામાં છે. એમ કરો, તમે શનિવારના ઉપવાસ કરો. હનુમાનદાદા સારું કરશે.”

શિવરામને હનુમાનદાદા પર શ્રદ્ધા ઘણી એટલે આ સાંભળી તે રાજી થયો. તેને થયું કે ભગો જાણકાર લાગે છે. તે કહે, “ગોરજી, હેંડો મારી વાડીએ.” “પણ કેમ?” “કેમ શું?” તમે મારો હાથ જોયો તો મારેય કાંક દખણા તો આપવી પડશેને? મફત હાથ ના જોવડાવાય. વાડીમાં રીંગણાં કર્યાં છે તો થોડાં લેતા જાવ.”

ભગાભૈને તો ભાવતું’તું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો. મનનો રાજીપો બહાર ન દેખાય એવું મોં કરી ભગાભૈ બોલ્યા, “શિવરામભૈ, એવું તે કંઈ હોય? આ તો તમે મારા ભૈબંધ જેવા ને તમે ભલા એટલે કીધું બાકી… એમાં કંઈ દક્ષિણા ના હોય.”

પણ શિવરામભૈ માને તોને? એ ભગાનો હાથ પરાણે ખેંચીને લઈ ગયા. શિવરામે જાતે દસ-બાર તાજાં ને મોટાં રીંગણાં તોડી ભગાના રૃમાલમાં બાંધી દીધાં, “લો ગોરજી, ઘરે જઈ શાક ને રોટલા ખાજો.”

ને રાજી થતો ભગો રીંગણાં લઈ ઘરે આવ્યો. દલા તરવાડી ઓરડામાં હજી પૂજા-પાઠ કરતા હતા. તેમની બાજુમાં ભગાએ રીંગણાંનો ઢગલો કર્યો. આ જોઈ દલાભાઈ ચમક્યા. તેઓ કહે, “અલ્યા, મારી જેમ ચોરીને લાવ્યો કે?” ભગો બોલ્યો, “ના બાપા, શિવરામે જાતે તોડીને પ્રેમથી આપ્યાં.” દલાના માન્યામાં વાત ન આવી, એટલે પછી ભગાએ હાથ જોવાની વાત કહી. દલો દીકરાની હોશિયારી પર વારી ગયા. તેઓ બોલ્યા, “બેટા, તું હવે ભામણનો દીકરો ખરો હોં!”

ભગો કહે, “એ તો કહેવત છેને કે ‘બાપ કરતાં બેટા સવાયા!'”