બુદ્ધિ અને બાલિશતાની જુગલબંદી! - Sandesh

બુદ્ધિ અને બાલિશતાની જુગલબંદી!

 | 2:16 am IST

ક્લાસિક : દીપક સોલિયા

એકાદ અઠવાડિયા પહેલા જ પ્રિન્સ પર છરી વડે હુમલો કરનાર રોગોઝિન અડધી રાતે બગીચામાં એકલા બેઠેલા પ્રિન્સની બાજુમાં આવીને બેઠો. અલબત્ત, પોતે કરેલા હુમલા બદલ રોગોઝિનને કોઈ અફ્સોસ નહોતો. એ તો હજુ પણ ‘આરોપી’ને બદલે ‘ફ્રિયાદી’ની જ ભૂમિકામાં હતો. એની સીધીસાદી ફ્રિયાદ એ હતી કે એની પ્રેમિકા નાસ્તિ એના (રોગોઝિન) કરતાં પ્રિન્સને વધુ ચાહતી હતી. નાસ્તિ અસલમાં રોગોઝિનને વધુ ચાહે છે કે પ્રિન્સને એ મામલે બંને રકીબો-હરીફે વચ્ચે થોડી વાતો થયા બાદ પ્રિન્સ ધીમેથી બબડયો, ‘નાસ્તિ… નાસ્તિ પાગલ થઈ ચૂકી છે.’

‘એ કંઈ ગાંડી-બાંડી નથી થઈ.’ રોગોઝિને વાંધો ઉઠાવ્યોઃ ‘એની અક્કલ બરાબર કામ કરી રહી છે. એ ગાંડી હોય એવું તારા સિવાય કોઈને પણ નથી લાગી રહ્યું. એ પેલીને જે પત્રો લખી રહી છે એમાં ક્યાંય ગાંડપણ નથી ડોકાતું…’

‘પત્રો? પેલીને? કોણ પત્રો લખે છે?’

‘કેમ? તને ખબર નથી?’

‘ના.’

‘નાસ્તિ અગલાયાને પત્રો લખે છે.’

આ સાંભળીને પ્રિન્સનું મગજ થોડી પળ માટે  બહેર મારી ગયું.

***

વાત જાણે એમ હતી કે પ્રિન્સ પોતાની જ જાણબહાર અગલાયાના પ્રેમમાં પડી ચૂક્યો હતો.

નાસ્તિ પ્રત્યે પ્રિન્સ જે લાગણી અનુભવી રહ્યો હતો એ ફ્ક્ત દયા અને કરુણાપ્રેરિત કાળજીની લાગણી હતી. બાકી, એક પુરુષ એક સ્ત્રી તરફ આકર્ષણની જે લાગણી અનુભવે એવી લાગણી પ્રિન્સને અગલાયા પ્રત્યે થઈ રહી હતી. પ્રિન્સની આ લાગણી પ્રિન્સને પોતાને સમજાય એ પહેલાં નાસ્તિને સમજાઈ ચૂકી હતી. માટે, નાસ્તિ એવું ઇચ્છતી હતી કે પ્રિન્સ અને અગલાયા પરણી જાય તો સારું. પ્રિન્સ સુખી થાય એ વાતે નાસ્તિ જે રીતે ચિંતિત હતી એ જોઈને રોગોઝિનને ચોખ્ખું સમજાઈ રહ્યું હતું કે નાસ્તિ બેઝિકલી તો પ્રિન્સના જ પ્રેમમાં છે. એ ઉપરાંત, બગીચાના બાંકડે પ્રિન્સ સાથેની મુલાકાતમાં થયેલી વાતો પરથી રોગોઝિનને એ પણ સમજાયું કે નાસ્તિ ભલે પ્રિન્સના પ્રેમમાં હોય, પણ પ્રિન્સ પોતે અગલાયાના પ્રેમમાં છે.

તો, પછી થયું એવું કે રોગોઝિન પ્રિન્સને મળ્યો ત્યાર પછીની સવારે સાત વાગ્યે અગલાયા ઘરમાં કોઈને ખબર ન પડે એ રીતે પ્રિન્સને મળવા માટે બગીચામાં આવવાની હતી. એણે પ્રિન્સને ચિઠ્ઠી દ્વારા મિલનના સ્થળ-સમયની માહિતી આપી રાખી હતી.

અગલાયા અને પ્રિન્સ ક્યારેય એકાંતમાં નિરાંતે મળ્યા નહોતા. આવામાં, અગલાયા સાથે શાંતિથી બેસીને વાત કરવામાં અને ખાસ તો અગલાયા પોતાના (પ્રિન્સ) વિશે શું વિચારે છે એ જાણવામાં પ્રિન્સને ભારે રસ હતો. અગલાયા સાથેની મુલાકાત બાબતે પ્રિન્સ ઠીક ઠીક ઉત્તેજિત હતો.

છતાં, સવારના સાતને બદલે મિલન-સ્થાને ઘણો વહેલો પહોંચેલો પ્રિન્સ અગલાયાની રાહ જોતાં જોતાં ઝોકે ચડયો. તંદ્રાવસ્થામાં એને જાતજાતના સપનાં દેખાયાં. પછી એણે જોયું કે એક સ્ત્રી એની પાસે આવી. એ સ્ત્રીને પ્રિન્સ બરાબર ઓળખતો હતો, પરંતુ એનો ચહેરો સાવ બદલાઈ ગયેલો હતો. આ એ જ સ્ત્રી (નાસ્તિ) હતી એ વાત પ્રિન્સ સ્વીકારી શકતો નહોતો. એ સ્ત્રી અત્યંત ડરેલી લાગતી હતી. જાણે હમણાં જ, થોડી મિનિટો પહેલાં એના હાથે કોઈ ખતરનાક ગુનો થઈ ગયો એવો ભાવ એ સ્ત્રીના ચહેરા પર હતો. એ સ્ત્રીએ પોતાના હોઠ પર આંગળી મૂકીને પ્રિન્સને ચૂપ રહેવા આગ્રહભરી વિનંતી કરી અને પછી ઇશારા વડે એણે પ્રિન્સને પોતાની સાથે આવવા કહ્યું. પ્રિન્સને ડર લાગ્યો કે એ સ્ત્રી એને એવું કશુંક દેખાડવા જઈ રહી હતી જે જોયા બાદ એની (પ્રિન્સની) આખી જિંદગી કાયમને માટે બદલાઈ જવાની હતી. સ્ત્રી આગળ ચાલી. પ્રિન્સ એની પાછળ ચાલ્યો. સ્ત્રી પ્રિન્સને બગીચામાં થોડે દૂર કશુંક (જાણે લાશ?) દેખાડવા માગતી હતી. પ્રિન્સ એ સ્ત્રીની પાછળ થોડું જ ચાલ્યો

ત્યાં એને નિર્દોષ, ખિલખિલાટ હાસ્યનો અવાજ સંભળાયો. કોઈએ એના હાથ પર હાથ મૂક્યો. પ્રિન્સે મજબૂતીથી એ હાથ પકડી લીધો.

પ્રિન્સ જાગી ગયો. સામે અગલાયા ઊભી રહી હતી. એ જોરથી હસી રહી હતી. એ હસતાં હસતાં બોલી, ‘તું ઊંઘી ગયો હતો.’

‘હેં? હં… ઓહ… અહીં તારા સિવાય બીજું કોઈ નહોતું? એક સ્ત્રી…’

‘અહીં બીજી કોઈ સ્ત્રી આવેલી?’

‘ના, એ સપનું હતું. એકદમ વિચિત્ર સપનું. છોડ… બેસ, બેસ.’

પ્રિન્સે હાથ પકડીને અગલાયાને બેસાડી. અગલાયા કશું બોલવાને બદલે ચૂપચાપ પ્રિન્સને જોતી રહી. પ્રિન્સ પણ અગલાયાને જોતો રહ્યો, પરંતુ એવું લાગી રહ્યું હતું જાણે એ અગલાયાની આરપાર કશુંક બીજું જ જોઈ રહ્યો હતો.

‘સપનામાં તું કોને જોઈ રહ્યો હતો? એ સ્ત્રી કોણ હતી?’

‘એ… એ… તું એને ઓળખે છે.’

‘હું સમજું છું. હું બધું જ સમજું છું. તો… સપનામાં તેં શું જોયું? એ શું કરતી હતી? જોકે, એ જે કરતી હોય તે… એમાં મારે શું? છોડ એ બધું. હું અહીં એક દરખાસ્ત લઈને આવી છું. મારી દરખાસ્ત એવી છે કે તું મારો દોસ્ત બન.’

પ્રિન્સ ગૂંચવાઈ ગયો. એ કશું બોલી ન શક્યો.

‘અચ્છા, તો તું મારો દોસ્ત નથી બનવા માગતો?’

‘ના, ના. એવું નથી. તારા દોસ્ત બનવાનું તો મને ગમે જ, પણ એ માટે આવી કોઈ દરખાસ્ત મૂકવી… એની કોઈ જરૂર નથી.’

‘અચ્છા, તો જેમ ઘરમાં બધા મને ડોબી માને છે એમ તું પણ મને ડોબી માને છે.’

‘ના, જરાય નહીં. મેં ક્યારેય એવું નથી વિચાર્યું. તું… તું તો ઘણી બુદ્ધિશાળી છે.’

‘અચ્છા, જો… મારે તને ખાસ તો એ કહેવું છે કે મેં તારા જેટલો પ્રમાણિક અને સાચો માણસ આજ સુધી જોયો નથી. લોકો ભલે કહે કે તું… તારું મગજ… તું મગજનો રોગી છે એવું લોકો કહે છે, પણ મેં નક્કી કરી લીધું છે કે તારું એક મગજ ભલે રોગગ્રસ્ત હોય, પણ તારું બીજું મગજ, જે વધારે મહત્ત્વનું મગજ છે, એ બહુ સારું છે. મને લાગે છે કે મગજ બે પ્રકારનાં હોય. એક મહત્ત્વનું (શુભ વિચારો કરનારું) અને બીજું ઓછું મહત્ત્વનું (અશુભ વિચારો કરનારું). મારી વાત સાચી છે કે ખોટી?’

‘હશે… કદાચ તું કહે છે એમ, મગજના બે પ્રકાર હશે.’

‘જો પ્રિન્સ, મેં નક્કી કરી લીધું છે કે મારે ઘરેથી ભાગી જવું છે, કારણ કે એ લોકો મને નાનકડી બચ્ચી ગણે છે. વીસ વર્ષથી હું મારા ઘરમાં જાણે બોટલમાં પૂરાયેલી હોઉં અને બોટલની ઉપર બુચ મારી દીધું હોય એવી ગુંગળામણ મને થાય છે. હવે મેં નક્કી કરી લીધું છે કે હું ભાગી જઈશ. હું તારી સાથે ભાગી જઈશ. આપણે આખી દુનિયા જોઈશું. હું તો ક્યારેય ઘરની બહાર નીકળી જ નથી. મારું ભણતર પણ ઘરની અંદર જ થયું છે. પણ હવે મારે બહાર નીકળવું છે. મારે એક નવી સામાજિક ઓળખ મેળવવી છે. હું શિક્ષિકા બનવા માગું છું. હું બહુ બધું વાંચું છું. હું બાળકોને ભણાવીશ. અગાઉ તું અમારા ઘરે આવેલો ત્યારે તારી વાતો પરથી મને સમજાયું કે તને પણ બાળકો સાથે પનારો પાડવાનું બહુ ગમે છે. તો, આપણા બેયની જોડી સરસ રહેશે. આપણે છોકરાંવને ભણાવીશું. તેં પણ બહુ બધું વાંચ્યું હશે. સાચું ને?’

‘ના રે ના. મેં તો કંઈ નથી વાંચ્યું.’

‘ઓહ, તો મને કેમ એવું લાગ્યું કે… ઓકે, છોડ, એટલું નક્કી રાખીએ કે તું મને માર્ગદર્શન આપીશ, કારણ કે મેં નક્કી કર્યું છે કે તું મને માર્ગદર્શન આપશે.’

‘અગલાયા, તું જરા વિચિત્ર વાતો કરી રહી છે.’

‘અચ્છા, તને પણ એવું લાગી રહ્યું છે ને કે હું સાવ નાદાન છોકરી છું? પણ ના, એવું નથી. હું બધું સમજું છું. મને બધી ખબર છે. મને ખબર છે કે તું મોસ્કોથી પેલી ભયંકર સ્ત્રી (નાસ્તિ) સાથે ભાગી ગયેલો અને એક મહિના સુધી તું એની સાથે રહેલો.’

પ્રિન્સ ચોંક્યો. (ક્રમશઃ)

(દોસ્તોયેવસ્કીકૃત ‘ધ ઇડિયટ’ની શ્રેણી)