નોકરી કરતા લોકો માટે ખુશ ખબર, EPF પર ૮.૬૫ ટકા વ્યાજદરને મંજૂરી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નોકરી કરતા લોકો માટે ખુશ ખબર, EPF પર ૮.૬૫ ટકા વ્યાજદરને મંજૂરી

નોકરી કરતા લોકો માટે ખુશ ખબર, EPF પર ૮.૬૫ ટકા વ્યાજદરને મંજૂરી

 | 8:43 am IST

શ્રમપ્રધાન બંદારૂ દત્તાત્રેયે જણાવ્યું છે કે નાણામંત્રાલયે વર્ષ ૨૦૧૬-૧૭ માટે ઈપીએફ થાપણો પર ૮.૬૫ ટકાના વ્યાજદરને મંજૂરી આપી દીધી છે. શ્રમપ્રધાને નિવેદન આપતાં જ ઔપચારિક ક્ષેત્રના કામદારોમાં પ્રવર્તી રહેલી શંકાઓનો અંત આવી ગયો છે. કામદારોમાં શંકા પ્રવર્તી રહી હતી કે ગયા વર્ષે ઈપીએફઓ ટ્રસ્ટી દ્વારા મંજૂર થયા તેના ઓછા દરે વ્યાજદર મળશે. નાણામંત્રાલયે મંજૂરી આપતાં ઈપીએફઓ માટે પોતાના ચાર કરોડ ખાતાધારકોનાં નિવૃત્તિભંડોળમાં ૮.૬૫ ટકાને દરે વ્યાજ જમા કરાવવાનો માર્ગ મોકળો થયો છે.

નેશનલ સેફ્ટી એવોર્ડ સમારંભમાં ભાગ લઈ રહેલા શ્રમપ્રધાને જણાવ્યું હતું કે નાણામંત્રાલય તરફથી સત્તાવાર પત્ર મળતાં જ શ્રમમંત્રાલય જાહેરનામું બહાર પાડીને ચાર કરોડ ખાતાધારકોનાં ખાતામાં વ્યાજ જમા કરાવશે.

શ્રમપ્રધાને વધુ જણાવ્યું હતું કે વેરામુક્ત ગ્રેજ્યુઇટીની મર્યાદા બમણી કરીને રૂપિયા ૨૦ લાખ કરવા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટમાં સુધારો કરવા ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માટે ખરડો રજૂ કરવામાં આવશે.

ઈપીએફઓ ટ્રસ્ટીઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે ૮.૬૫ ટકા વ્યાજદર આપવા ભલામણ કરી હતી, પરંતુ નાણામંત્રાલય શ્રમમંત્રાલયને આગ્રહ કરી રહ્યું હતું કે ઈપીએફ વ્યાજદરને બચત યોજનાના વ્યાજદરને બરોબર લાવવામાં આવે.

અગાઉ નાણામંત્રાલયે ૮.૬૫ વ્યાજદરની ચુકવણી કરતાં ભંડોળમાં ખાધની સ્થિતિ ના સર્જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. દત્તાત્રેયે તે તબક્કે જવાબ આપ્યો હતો કે ઈપીએફઓ પાસે વ્યાજદરની ચુકવણી કરવા રૂપિયા ૧૫૮ કરોડનું વધારાનું ભંડોળ પડેલું છે. તેમણે નાણાપંચને ૮.૬૫ ટકા વ્યાજદર માટે આગ્રહ કર્યો હતો અને આખરે તે ભલામણ સ્વીકારાઈ છે.