NIFTY 9,984.80 -32.15  |  SENSEX 31,833.99 +-90.42  |  USD 65.1400 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતનો વિજય કુલભૂષણને બચાવી શકશે?

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતનો વિજય કુલભૂષણને બચાવી શકશે?

 | 2:48 am IST

સાંપ્રત

આખરે, આંતરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતનો વિજય થયો છે. પાકિસ્તાન સામેના આ પહેલા તબક્કાના વિજયને આખા દેશે વધાવી લીધો છે. હવે બધાને કુલભૂષણ જાધવ પાકિસ્તાની જેલમાંથી છૂટીને હેમખેમ ભારત આવે એ દિવસની આશા છે. આ વિજયના ઘણા સૂચિતાર્થ છે. બિટવીન ધ લાઇન્સ ઘણું કહેવાયું છે. પાકિસ્તાનને મોટી લપડાક પડી છે, પરંતુ પાકિસ્તાને તંગડી ઊંચી રાખી છે, તેથી ભારતના આ વિજયનો હરખ કેટલો કરવો એ થોભીને વિચારવું પડશે.

કેસ શું છે ?

ભારતની નૌસેનાના નિવૃત્ત અફસર કુલભૂષણ જાધવ ઇરાનમાં બિઝનેસ કરવા માટે ગયા હતા, ત્યારે તેમનું ત્યાંથી અપહરણ કરાયું હતું. ભારતના દાવા પ્રમાણે આઇએસે તેનું અપહરણ કરીને તેની બલૂચિસ્તાનમાં ભારતીય જાસૂસ તરીકે ધરપકડ દેખાડી હતી. પાકિસ્તાનની સુરક્ષા માટે તેની પ્રવૃત્તિ જોખમી ઠરાવીને કેસ મિલિટરી કોર્ટમાં ચલાવાયો અને તેમાં ફાંસીની સજા કરાઈ છે. ભારતે એ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયો અને ત્યાં પ્રાયમાફેસીમાં ભારતની દલીલ માન્ય રાખીને અદાલતે ચુકાદા સુધી ફંસીની સજા નહીં કરવા માટે સ્ટે આપ્યો છે. જો કે પાકિસ્તાન તેની નફ્ફ્ટાઇ છોડતો નથી. આ કેસના સત્યાર્થોને સ્વીકારી લેવાને બદલે પાકિસ્તાને તેને માનવાનો ઇનકાર કરી દીધો છે.

અદાલતનો ચુકાદો શું છે ?

આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસે ત્રણ મહત્ત્વનાં તારણો કાઢયાં છે  ૧. કેસનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી કુલભૂષણને ફાંસીની સજા થવી ન જોઇએ.૨.પાકિસ્તાને રાજનાયિક મદદ આપવી જોઇએ અને ૩.પાકિસ્તાને જે જાસૂસ હોવા સહિતના જે આક્ષેપો કર્યા હતા, તે અદાલતે સ્વીકાર્યા નથી.

પાકિસ્તાનને શો ફટકો પડશે ?

પાકિસ્તાને અદાલતમાં આ કેસ ચાલશે, ત્યારે તેના આક્ષેપો પુરવાર કરવા પડશે. ખાસ કરીને બલૂચિસ્તાનમાં કુલભૂષણ જાસૂસી કરતો હતો અને ત્યાંથી જ પકડ્યો હોવાના પુરાવા, તે પાકિસ્તાન માટે ખતરારૂપ હતો એ પુરાવા રજૂ કરવા પડશે. એમ તો રાજનાયિક મદદ પણ મળે એ માટે પણ પગલાં ભરવા પડશે. અત્યારે તો આ તમામ મુદ્દે પાકિસ્તાન હકારાત્મક રીતે વર્તશે કે કેમ એ અંગે શંકા છે. આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો તેને માટે બાધ્ય નથી, એવું પ્રાથમિક પ્રતિભાવમાં જણાવી દીધું છે. વળી આ પ્રતિભાવ પણ પાકિસ્તાનની સરકારે નહીં પણ તેના લશ્કરી યંત્રણા તરફથી અપાયો છે, મતલબ કે આંતરરાષ્ટ્રીય કાયદા સાથે પાકિસ્તાનને કશું લાગતુંવળગતું નથી, એવી નફ્ફ્ટાઇ તેણે દેખાડી છે. આ કેસમાં પાકિસ્તાન અદાલતને માન્ય નહીં રાખે તો મામલો રાષ્ટ્રસંઘમાં જશે અને ત્યાં વીટો પાવર ખરો પાવર દેખાડશે.

ભારતનો વિજય કયો ?

આઇસીજેના આજના તારણથી ભારતનો અદાલતી વિજય જરૂર થયો છે, પરંતુ આ પ્રકારના ચુકાદા ફ્કત અદાલતી લડાઇના રહેતા નથી, તેથી રાજકીય લડાઇ પણ સમાંતરે લડાતી રહે છે. અહીં આ લડાઇના વિજય પછી અદાલતનાં તારણને માન્ય નહીં રાખીને પાકિસ્તાન રાષ્ટ્રસંઘમાં જાય તો ભારતને શો ફયદો થાય? આજના તારણથી નૈતિક રીતે ભારત જીતી ગયો છે, પણ અસલી ચુકાદા માટે દિલ્હી ઘણું જ દૂર છે.

હવે શું ?

હજુ તો અદાલતમાં સુનાવણી થશે પછી અસલી ચુકાદો આવશે. આ કાંઇ આખરી ચુકાદો નથી. પાકિસ્તાન માટે આ ચુકાદાનો ઇનકાર કરવો એ સહજ બનશે, તેને માટે નહાવા નીચોવવાનું કશું જ રહેતું નથી, તેથી એ નૈતિકતા દેખાડે એ જરૂરી નથી. પાકિસ્તાન એ જ માર્ગે જ જવાનો છે, ત્યારે રાષ્ટ્રસંઘના મંચ ઉપર ચીન તો તેની પડખે જ રહેવાનો છે, તેથી ફરીવાર પાકિસ્તાન અને ચીનની સાઠગાંઠ વીટો પાવરથી વધુ મજબૂત બનશે. આ સંજોગોમાં એમ મનાય છે કે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા કાયમી સભ્યો ભારતની પડખે રહેશે. જો કે એક વાત યાદ રાખવી પડશે કે એક જમાનામાં પેરુગ્વે સામેના આવા જ કેસમાં અમેરિકાએ આઇસીજેના ચુકાદાની ઐસી કી તૈસી કરી નાંખી હતી, તે ભારતની પડખે રહે એમાં કેટલી નૈતિકતા ગણાશે.

કુલભૂષણનું ભાવી શું ?

કુલભૂષણને પાકિસ્તાનની લશ્કરી કોર્ટે ફાંસીની સજા ફ્ટકારી છે, પરંતુ અત્યાર સુધી ભારતે ૧૬ વખત રાજનાયિકને મળવા દેવા માટે વિનંતી કરી હતી, પણ તે પાકિસ્તાને માન્ય રાખી ન હતી. અદાલતે  એ વાતને પણ ગંભીરતાથી લીધી છે. આ કેસ ચલાવવા માટે જે ચુકાદો આપ્યો છે, તેના પાયામાં આ મુદ્દો રહ્યો છે. આમ છતાં કુલભૂષણના કેસમાં એટલું જરૂર કહી શકાય કે તે જીવત છે કે કેમ તેની પણ આપણને જાણ નથી અને જીવિત હશે તો પણ તેને બચાવી શકાશે કે કેમ એ ચોક્કસ કહી શકાય એમ નથી. અમેરિકાએ જાતે જ એક કેસમાં આઇસીજેના ચુકાદા પછી તરત ફાંસી આપી દીધી હતી, એવી અવળચંડાઇ પાકિસ્તાન કરે તો પણ નવાઇ પામવા જેવું નથી.

ભારત માટે વીન વીન સ્થિતિ

પાકિસ્તાને પહેલા પ્રતિભાવમાં તો પોતાની નાગદડાઇ દેખાડી દીધી છે, તે પરથી તે રાષ્ટ્રસંઘના દ્વારે જશે એ ચોક્કસ લાગે છે, ત્યાં ચીનના સથવારે વીટો પાવર વાપરીને પાકિસ્તાન નૈતિકતાને નેવે મૂકશે, પરંતુ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પછડાટ પામશે એ નક્કી. જો પાકિસ્તાન આઇસીજેને માન્ય રાખશે, તો પણ તેને માટે પછડાટ છે અને માન્ય નહીં રાખે તો પણ પછડાટ છે. દુનિયામાં બળિયાના બે ભાગ જેવી સ્થિતિ છે, ત્યારે ભારત માટે આ વિજય વાસ્તવિક વિજય બની રહે એ માટે હજુ ઘણો સમય જાય એમ તો છે જ.

તો શું ?

ભારતીય વિદેશમંત્રી સુષમા સ્વરાજ કહી ચૂક્યા છે કે કુલભૂષણને બચાવવા માટે ભારત બધા જ પ્રયત્ન કરી શકશે. યુદ્ધ કરી દેવા સુધીની વાતો તેમણે કહી છે. જે રીતે કાશ્મીરમાં હવે મોદી સરકાર નિર્ણાયક તબક્કામાં આવી છે, એ જોતાં ભારત સરકાર પાકિસ્તાન સામે કોઇ  મિની વોર કે સર્જિકલ સ્ટ્રાઇક જેવાં પગલાં ભરી શકે એવા સંજોગો છે. જ્યોતિષીઓ પણ આવનારા દોઢ બે મહિનામાં યુદ્ધ થાય એવા સંજોગો જોઇ રહ્યા છે, ત્યારે શું ભારત પાકિસ્તાનનો ઘડો લાડવો કરી નાખવાં જેવા પગલાં ભરશે, એ તો સમય જ કહેશે.

;