આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિને ભારત : વિકાસ, વાસ્તવિકતા - Sandesh
 • Home
 • Columnist
 • આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિને ભારત : વિકાસ, વાસ્તવિકતા

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિને ભારત : વિકાસ, વાસ્તવિકતા

 | 1:56 am IST

સામયિક : પ્રભાકર ખમાર

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. ૮ સપ્ટેમ્બર, ૧૯૬૮માં પહેલી વાર તહેરાનમાં વિશ્વના શિક્ષણમંત્રીઓની પરિષદ મળી હતી. એમાં વિશ્વની સાક્ષરતાની સ્થિતિ વિશે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો. કેટલાક દેશોમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હતું, આથી સમગ્ર વિશ્વમાંથી નિરક્ષરતા નાબૂદી માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા. એમાં નક્કી કરવામાં આવ્યું કે, પ્રતિવર્ષ ૮ સપ્ટેમ્બરને સંપૂર્ણ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના રૂપમાં મનાવવામાં આવે.

સાક્ષરતાનું તાત્પર્ય એ છે કે, લખવું, વાંચવું અને સમજવું. સાક્ષરતા મનુષ્યના વિકાસ અને ક્ષમતાને સક્ષમ બનાવવાની પ્રાથમિક-બુનિયાદી આવશ્યકતા છે. વિકાસશીલ દેશોમાં શિક્ષણ અને આરોગ્ય સંબંધિત વિષયોને પ્રાધાન્ય આપવામાં આવે છે. દેશની પ્રગતિ-વિકાસમાં આ બે મુદ્દાઓ મહત્ત્વના હોય છે.

યુનેસ્કોએ વિશ્વમાં સાક્ષરતાપ્રવૃત્તિને વેગ અને પ્રોત્સાહન આપવા અનેક કદમ ઉઠાવ્યાં છે. એમાં અનુદાનથી માંડી સાક્ષરતા પુરસ્કારનો સમાવેશ થાય છે. ભારતમાં નિરક્ષરતા નાબૂદી માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના આંકડાઓના હિસાબે ભારતમાં ૧૯૯૩થી ૨૦૦૨ સુધીમાં હાયર સેકન્ડરી સ્કૂલોમાં લગભગ પંચોતેર ટકાની વૃદ્ધિ થઈ છે. દેશમાં આશરે ૨૧ હજારથી વધુ હાયર સેકન્ડરી સ્કૂલો છે. ૧૬ હજાર કોલેજો છે. ૩૦૦ જેટલી યુનિવર્સિટીઓ છે. ૨૦૦૧ની વસતીગણતરી અનુસાર ભારતમાં ૬૪.૮ ટકા લોકો સાક્ષર હતાં.

આમ છતાં આઝાદીની ૭૧ વર્ષની મજલ પછી દેશની શૈક્ષણિક પરિસ્થિતિ ઉપર નજર નાખીએ તો દેશની ૨૫ ટકા વસતી ક્યારેય સ્કૂલનાં પગથિયાં ચડી નથી, એટલે કે શિક્ષણથી સંપૂર્ણ વંચિત છે. આ સંદર્ભમાં દેશની સાક્ષરતાની પરિસ્થિતિનું આંકડાકીય અવલોકન શૈક્ષણિક વિકાસની વાસ્તવિકતાનું સાચું દર્શન કરાવે છે. આવો, કેટલીક હકીકતો અને તથ્ય-તારણો દ્વારા એનું આચમન કરીએ.

આંકડાઓને જ બોલવા દઈએ

 • ૨૦૦૧માં અલગ અલગ સ્તરની શિક્ષણસંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૨ કરોડ ૯૦ લાખ હતી, જે ૨૦૧૧માં વધીને ૩૧ કરોડ ૬૦ લાખ થઈ ગઈ. આ સમય દરમિયાન વસતી ૧૮ ટકા વધી. એનો અર્થ એ થયો કે, વસતીની તુલનામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે.
 • સર્વશિક્ષા અભિયાન જેવી યોજનાઓને પરિણામે ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન ૧૫થી ૧૯ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધુ વધારો નોંધાયો છે. દસ વર્ષ પહેલાં આ વયજૂથના ૪ કરોડ ૪૦ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ સંસ્થાઓમાં ભણતા હતા. ૨૦૧૧માં ૭૩ ટકાના વધારા સાથે આ સંખ્યા ૭ કરોડ ૬૦ લાખની થઈ છે, એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન પ્રત્યે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રસ વધ્યો છે.
 • દેશમાં સ્કૂલે જતા ૫-૧૭ વયજૂથના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૨૪ કરોડ ૬૭ લાખની છે, જેમાંથી ૧૯ ટકા માત્ર પાંચ દક્ષિણ ભારતનાં રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ, તામિલનાડુ અને કર્ણાટકના છે. કેરળમાં સૌથી વધુ ૮૮.૬૮ ટકા, તામિલનાડુમાં ૮૫.૮૬ ટકા, આંધ્ર પ્રદેશમાં ૭૯.૯૬ ટકા અને કર્ણાટકમાં ૭૬.૮૫ ટકા બાળકો સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં છે. અન્ય રાજ્યોમાં પણ સ્કૂલે જતા વિદ્યાર્થીઓની સરેરાશ વધી છે, પરંતુ દક્ષિણ ભારતનાં રાજ્યોની સરખામણીમાં તે પાછળ છે.
 • શૈક્ષણિક સ્તરે સરકારના વિવિધ પ્રયાસો છતાં પણ સાત વર્ષ સુધીની ઉંમરનાં ૪૮ લાખ બાળકો ક્યારેય સ્કૂલે ગયાં નથી. ૧૩ વર્ષ સુધીની ઉંમરનાં બાળકોની બાબતે આ સરેરાશ ૭ ટકા છે, એટલે કે પ્રાઇમરી સ્તરે આ સમસ્યા વધુ ગંભીર છે.
 • સરકારી આંકડાઓ પણ એવો નિર્દેશ કરે છે કે દેશની લગભગ ૨૫ ટકા વસતી ક્યારેય સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ અર્થે ગઈ નથી, જેમાં લગભગ ત્રણ ચતુર્થાંશની ઉંમર ૨૫ વર્ષથી વધુ છે. એનો સ્પષ્ટ અર્થ એ થાય કે ભવિષ્યમાં પણ આ વયજૂથનાં લોકો અભ્યાસ કરવાનાં નથી, કારણ કે પ્રૌઢશિક્ષણ જેવી પ્રવૃત્તિઓ હવે મંદ પડી છે. સાક્ષરતાની ગણતરીમાં તેઓનો સમાવેશ થવો શક્ય નથી.
 • કેરળમાં ૧૫-૧૯ વયજૂથની ઉંમરના ૮૩ ટકા વિદ્યાર્થીઓ શિક્ષણસંસ્થાઓમાં એનરોલ્ડ છે, પરંતુ ઓડિશામાં આ આંકડો માત્ર ૪૩ ટકા છે. પ. બંગાળમાં ૫૩ ટકા અને ગુજરાતમાં ૫૧ ટકા છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને તામિલનાડુમાં આર્થિક વિકસ સાથે શિક્ષણના સ્તરમાં પણ સારી પ્રગતિ થઈ છે, જ્યારે છત્તીસગઢની ૩૬ ટકા વસતી હજુ શિક્ષણસંસ્થાઓના સંપર્કમાં આવી નથી.
 • પ્રોફેશનલ અને વોકેશનલ કોર્સિસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, પરંતુ નેશનલ એમ્પ્લોયમેન્ટિબિલિટીના રિપોર્ટ પ્રમાણે ડિગ્રી પૂરી કરનારા ૧૮ ટકા એન્જિનિયર જ નોકરીને લાયક હોય છે. સામાન્ય ગ્રેજ્યુએટની તો વાત જ ક્યાં કરવી.
 • નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે દેશના ઉત્તર ભાગમાં ૧૫ ટકા અને દક્ષિણ ભાગમાં ૧૩ ટકા વસતી માટે સ્થાનિક સ્તરે ઉચ્ચ શિક્ષણસંસ્થાઓની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ પૂર્વોત્તરમાં માત્ર ૬ ટકા લોકોને જ આ સુવિધા ઉપલબ્ધ છે.
 • એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશનના રિપોર્ટ અનુસાર શિક્ષણસંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ લર્નિગનું સ્તર સતત નબળું થઈ રહ્યું છે. પાંચમા ધોરણ સુધી ભણતા ૪૭ ટકા વિદ્યાર્થીઓ જ સાતમા ધોરણ સુધી ભણી શકે છે.
 • ટાઇમ્સ હાયર એજ્યુકેશન ગ્લોબલ રેકિંગ્સના એડિટર ફિલ બેટીના જણાવ્યા અનુસાર ૨૦૧૫ની સ્થિતિએ વિશ્વની શ્રેષ્ઠતમ ૨૦૦ યુનિ.માં ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી. બ્રિટનની જગવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રથમ, અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વિતીય સ્થાને છે. ચીનની પાંચ યુનિવર્સિટીઓ ટોપ ૨૦૦માં સામેલ છે.
 • સાતમા ઓલ ઈન્ડિયા સ્કૂલ એજ્યુકેશન સરવે વર્ષ ૨૦૦૭ અનુસાર પ્રાથમિક શાળાઓમાં ૨૧ ટકા શિક્ષકો તાલીમબદ્ધ નથી, જ્યારે માધ્યમિક શાળાઓમાં ૧૩ ટકા શિક્ષકો તાલીમ વિનાના છે.
 • કેન્દ્ર સરકારના માનવસ્રોત વિકાસમંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા શૈક્ષણિક વિકાસ ઇન્ડેક્સ વર્ષ ૨૦૦૭ પ્રમાણે દેશમાં એકથી પાંચ ધોરણનાં બાળકોમાં શાળા છોડી જવાનો સરેરાશ દર ૩૧.૪૭ ટકા છે.
 • વિશ્વ બેન્ક અને હાર્વર્ડ યુનિવર્સિટીના ૨૦૦૪નાં એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં ૨૫ ટકા શિક્ષકો શાળામાં હાજર જ થતા નથી. આ વ્યાપક સર્વેક્ષણમાં દેશનાં ૨૦ રાજ્યોની ૩,૭૦૦ પ્રાથમિક શાળાઓને સામેલ કરવામાં આવી હતી.
 • સરકારી થિન્કટેન્ક ગણાતા નેશનલ યુનિવર્સિટી ફોર એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ માહિતી પ્રમાણે વર્ષ ૨૦૦૭માં દેશની ૧૧,૨૪,૦૧૩ શાળાઓમાં માત્ર એક જ ક્લાસરૂમ હતો. આ સરવેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશની આશરે ૧.૨૯ ટકા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવનાર કોઈ શિક્ષક જ નહોતા, જ્યારે અન્ય ૧૬.૫૮ ટકા શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક ઉપલબ્ધ હતા.
 • છેલ્લે માત્ર ગુજરાતની વાત કરીને સમાપન કરીએ તો ગુજરાત હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ વર્ષ ૨૦૦૪ અનુસાર ગુજરાતમાં દર ૧૦૦ બાળકે ૪૯ બાળકોનું શૈક્ષણિક સ્તર નિર્ધારિત માપદંડો કરતાં અડધું જ હોવાનું ફલિત થયું છે. વિકાસની ગુલબાંગો વચ્ચે આ છે ગ્લોબલ ગુજરાતની વાસ્તવિકતા.
 • આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિને ઉપરોક્ત હકીકતો સ્પષ્ટ દર્શાવે છે કે, ભારતની શિક્ષણપદ્ધતિ બીબાઢાળ અને ચીલાચાલુ છે. સાચા માનવવિકાસનાં શિક્ષણને બદલે પરીક્ષાલક્ષી અને નોકરીલક્ષી શિક્ષણપદ્ધતિ બની ગઈ છે.

નોંધ : સરકારી રિપોર્ટો, શૈક્ષણિક વિષય સાથે સંકળાયેલી સંસ્થાઓની ઉપલબ્ધ માહિતી તેમજ અખબારી અહેવાલો, રિસર્ચ સરવે કરતી ઇન્સ્ટિટયૂટોનાં સંશોધનો અનુસાર આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન