ઇન્ટરપોલ દ્વારા નીરવ મોદીની બહેનને રેડ કોર્નર નોટિસ - Sandesh
  • Home
  • India
  • ઇન્ટરપોલ દ્વારા નીરવ મોદીની બહેનને રેડ કોર્નર નોટિસ

ઇન્ટરપોલ દ્વારા નીરવ મોદીની બહેનને રેડ કોર્નર નોટિસ

 | 12:40 am IST

નવી દિલ્હી :

ભારતમાંથી પીએનબી કૌભાંડ કર્યા પછી ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીનાં બહેન પૂર્વી મોદી સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બજાવવામાં આવી છે. પૂર્વી મોદી બેલ્જિયમની નાગરિક છે પણ તેણે પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં છેતરપિંડી કરીને એકઠી કરેલી રકમનું મની લોન્ડરિંગ કર્યાનો તેના પર ઈડીએ આરોપ લગાવ્યો છે. ઈડીએ તેની પહેલી ચાર્જશીટમાં જ પૂર્વી મોદીનું નામ સામેલ કર્યું હતું. ઇન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટ તરીકે કામ કરતી નોટિસમાં ૪૪ વર્ષનાં પૂર્વી દીપક મોદીની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવા માગણી કરવામાં આવી છે. ઈડીની વિનંતીને આધારે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ બજાવાઈ છે. ઇન્ટરપોલની નોટિસમાં જણાવ્યા મુજબ પૂર્વી મોદી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષા બોલવાનું જાણે છે અને બેલ્જિયમના નાગરિક છે. રેડ કોર્નર નોટિસ બજાવ્યા પછી વિશ્વના ૧૯૨ દેશમાંથી આરોપીને પકડવાનું ફરમાન કરાય છે. નીરવ મોદીના યુએસબિઝનેસના સાથી મિહિર ભણસાળી સામે થોડા દિવસ પહેલાં આવી રેડ કોર્નર નોટિસ બજાવાઈ હતી.

નીરવ મોદી કૌભાંડ પછી પીએનબીએ પાંચ મહિનામાં રેકોર્ડ ૧૧,૩૭૮ કરોડ રૂ. રિકવર કર્યા

નીરવ મોદી કૌભાંડમાં પાઠ શીખ્યા પછી પંજાબ નેશનલ બેન્ક દ્વારા ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા પાંચ મહિનામાં ડિફોલ્ટર્સ પાસેથી રેકોર્ડ બ્રેક રૂ. ૧૧,૩૭૮ કરોડની રકમ વસૂલ કરી છે. જે છેલ્લા બે વર્ષની તેની કુલ રિકવરી કરતાં ઘણી વધારે છે. ગયા વર્ષે જંગી ખોટ કર્યા પછી આરબીઆઈનાં વોચલિસ્ટથી બચવા અને ફરી નફો કરતી થવા માટે બેન્ક દ્વારા શકમંદ લેણદારો પાસેથી લોનની રકમ વસૂલ કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બેન્કે ૨૦૧૭-૧૮માં રૂ. ૫,૬૧૮ કરોડની અને તેની અગાઉના વર્ષે રૂ. ૫,૬૪૩ કરોડની રકમ ડિફોલ્ટર્સ પાસેથી વસૂલ કરી હતી. બેન્કે ૩,૦૦૦થી વધુ કર્મચારીઓને કામે લગાડયા હતા. તેણે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડ દ્વારા તાતાની ભૂષણ સ્ટીલ પાસેથી રૂ. ૩,૦૮૧ કરોડ, ઇલેક્ટ્રોસ્ટીલ પાસેથી રૂ. ૩૩૫ કરોડ અને મોનેટ ઈસ્પાત પાસેથી રૂ. ૧૧૦ કરોડ વસૂલ કર્યા હતા.

ભાગેડુ મેહુલ ચોક્સીની સફાઈ, મારી પાસે આપવા જેવું કશું નથી

ભાગેડુ હીરાના વેપારી અને એન્ટિગુઆ એન્ડ બાર્બુડામાં નાગરિકતા લેનાર મેહુલ ચોક્સીએ પોતાના પહેલા જાહેર ઇન્ટરવ્યૂમાં સફાઈ મારી હતી કે સરકાર દ્વારા પીએનબી કૌભાંડમાં મને રાજકીય કારણોથી બલીનો બકરો બનાવાયો છે, મેં કશું ખોટું કર્યું નથી અને મારી પાસે આપવા જેવું કશું નથી, તેના નવા દેશની સરકાર તેના નાગરિકનું તમામ રીતે રક્ષણ કરશે તેવો વિશ્વાસ તેણે વ્યક્ત કર્યો હતો. ભારત સરકાર યુકેમાંથી અન્ય ગુનેગારોને ભારતમાં લાવવામાં નિષ્ફળ જતાં મને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. આખા કૌભાંડમાં બેન્કના અધિકારીઓની ભૂલ છે અને તેઓ કૌભાંડ માટે જવાબદાર છે. પંજાબ નેશનલ બેન્કને તમે બાકી લોન ચૂકવવા માગો છો કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં મેહુલ ચોકસીએ કહ્યું કે, મારી બ્રાન્ડવેલ્યૂ શૂન્ય થઈ ગઈ છે. મારી તમામ સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે. હું એક પૈસો ચૂકવવાની સ્થિતિમાં નથી. તે લોકો મારી સંપત્તિ વેચીને જેને જે ચૂકવવાનું હોય તે ચૂકવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન