ઈન્તહા... હો ગઈ મેરે પ્યાર કી...   - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ઈન્તહા… હો ગઈ મેરે પ્યાર કી…  

ઈન્તહા… હો ગઈ મેરે પ્યાર કી…  

 | 12:05 am IST

વાર્તા :- અમૃત વડિયા

રશ્મિ, તું રડ નહીં, હું તારો મિત્ર છું. તારા માટે તું કહે તે કરવા તૈયાર છું. પણ તું કંઈ કહે તો ખબર પડેને? વિક્રમે તેની ખાસ મિત્ર રશ્મિની પીઠ થપથપાવતાં ચિંતાતુર સ્વરે કહ્યું. એને સમજ નહોતી પડતી કે એવી શું સમસ્યા સર્જાઈ છે કે રશ્મિએ એને ફોન કરીને મળવા બોલાવ્યો અને પછી કંઈ કહ્યા વિના ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી હતી. એણે ફરી રશ્મિને સાંત્વના આપતાં કહ્યું, તું એકવાર મને કહી તો જો. તું આમ રડે છે એટલે જરૂર કંઈક મોટી મુશ્કેલીમાં આવી ગઈ લાગે છે.

વિક્રમ, તને કહેવાની હિંમત ચાલતી નથી ! વિક્રમ… વિક્રમ… તું મને બચાવ. કહી એ ફરી રડી પડી અને પછી બોલી. વિક્રમ, મેં તને ક્યારેય એક વાત નથી કરી તે કહ્યા વિના છૂટકો નથી. આપણે કોલેજમાં હતાં ત્યારે જ મારે મારા એપાર્ટમેન્ટમાં રહેતા રોશન સાથે લવ થઈ ગયો હતો. અમે બચપણના મિત્રો હતા. એ દહેરાદૂન ભણવા ગયો અને વચ્ચે વેકેશનમાં આવતો ત્યારે અમે ખૂબ જ હરતાંફરતાં અને ગળાડૂબ લવ કરતાં. ગયા વર્ષે એને અમેરિકામાં એક કંપનીમાં સારી જોબ મળતા તે ગયો છે અને હવે કહે છે કે એ થોડાં વર્ષ પછી જ ઈન્ડિયા આવશે. મેં એને અમારા લવની વાત કરી અને મેરેજ વિશે કહ્યું તો એ કહે કે એ શક્ય જ નથી. આપણા વચ્ચે મેરેજની ક્યાં વાત જ થઈ છે ? મેં એવું કોઈ કમિટમેન્ટ નથી આપ્યું ! મને ખૂબ આઘાત લાગ્યો. મેં એને કહ્યું કે હું તારા બાળકની મા બનવાની છું. તું અહીંથી અમેરિકા ગયો એ પહેલાં આપણે હોટલમાં સાથે રાત ગાળી હતી, એ ભૂલી ગયો ? મારી આ વાત સાંભળી એણે ખડખડાટ હસતાં હસતાં કહ્યું હતું કે યુ મેડ ગર્લ. આવું તો ચાલ્યા જ કરે. તું ઈન્ડિયન મૂવીનો સીન ન કર. મૈં તેરે બચ્ચે કી માં હોનેવાલી હૂં ! મેં એને સમજાવ્યું કે આ કંઈ ફિલ્મી કહાની નથી, હકીકત છે. ત્યારે એણે મને હેલ વિથ યુ. તારે જે કરવું હોય તે કર. હું ક્યારેય તારી સાથે મેરેજ કરવાનો નથી ! બોલ, વિક્રમ હવે હું શું કરું ? કહી એ વિક્રમના ખભે માથું મૂકી રડવા માંડી. વિક્રમે એને આલિંગનમાં લેતાં કહ્યું, રશ્મિ, તું ચિંતા ન કર. હું છુંને ? આખરે હું તારો ફ્રેન્ડ છું, પરંતુ તને ખબર નથી કે હકીકતમાં હું તને લવ કરુ છું. તું એ નાલાયક રોશનને ભૂલી જા. હું તારી સાથે મેરેજ કરીશ. આઈ પ્રોમિસ યુ બસ !

એ કઈ રીતે શક્ય બનવાનું? મારા પેટમાં રોશનનું બાળક છે. રશ્મિ વિક્રમના આલિંગનમાંથી છૂટ દૂર થતાં બોલી !

કંઈ નહીં ? તું ઈચ્છે તો એબોર્શન કરાવી નાંખીશું અને તું ઈચ્છે તો તું એને જન્મ પણ આપી શકીશ. મને કોઈ વાંધો નહીં હોય. વિક્રમે રશ્મિને વિશ્વાસ આપતાં કહ્યું.

ઓહ માય ગોડ…તું બીજાના બાળકને અપનાવીશ? તું બીજાની બની ગયેલી યુવતીને સ્વીકારીશ? ના…ના…વિક્રમ એ શક્ય જ નથી. તું ભલે કહે પણ મને એ મંજૂર નથી, કહેતાં રશ્મિ ફરી રડી પડી.

જો રશ્મિ, એ સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. એ બાળકને તું મેરેજ કર્યા વિના જન્મ આપી શકીશ ખરી ? તારે એ માટે એ બાળકનો પિતા બનાવવો જ પડશે અને તે માટે હું તૈયાર છું. તું જ કહે આથી વધુ હું શું કરું. વિક્રમે દર્દીલા અવાજે કહ્યું.

આ ખાતર હું તારું જીવન નથી બગાડવા માંગતી. હું એબોર્શન જ કરાવી નાખું બસ ! રશ્મિએ કહ્યું.

રશ્મિ, મારા માટે તો તું કહે એ બધું મંજૂર છે. તું મારો લવ છે. બસ, એ મને મળતો હોય તો હું કંઈ પણ કરવા તૈયાર છું. તારે એબોર્શન ન કરાવવું હોય તો આપણે મંડપથી મેરેજ કરી લઈએ. બોલ, તું જ દિવસ નક્કી કરી લે. આપણે સાદાઈથી આર્યસમાજમાં જ મેરેજ કરીશું બરાબર…?

થેંક્યુ વિક્રમ થેંક્યુ… હું ઘરે મારા ફેમિલીને વાત કરી લઉં, તેઓ ના નહીં પાડે અને ના પાડશે તો હું ખરી હકીકત જણાવીશ, એટલે પછી તૈયાર થયા વિના છૂટકો જ નહીં રહે, બરોબરને ?

હા બરાબર રશ્મિ. થેંક્યુ…થેંક્યુ. ચાલ, હું તને મારી બાઈક પર તારા ઘરે મૂકી જાઉં. પછી હું પણ ફેમિલીને વાત કરીને તૈયારી કરવા માંડું. વિક્રમે ઉત્સાહ સાથે ઊભા થતાં કહ્યું, પરંતુ તરત જ એનો હાથ પકડીને એને પોતાની પાસે બેસાડતા રશ્મિ બોલી. વિક્રમ, આઈ લવ યુ. આઈ લવ યુ. આજે હું એટલી ખુશ છું કે વાત ન પૂછ. બસ, તારા ખોળામાં સૂઈને મૃત્યુ પામવાનું મન થાય છે, કહી એ એને વળગીને ચૂમવા માંડી.

અરે રશ્મિ, થોડી ધીરજ રાખ. આપણે ખૂબ લવ કરીશું. વિક્રમે કહ્યું.

વિક્રમ, મને મારો લવ મળી ગયો. કોઈ રોશનબોશન નથી અને હું કોઈ બાળકની માતા થવાની નથી !

એટલે…? તેં આ બધું કહ્યું તે ખોટું હતું ? વિક્રમે આૃર્ય વ્યક્ત કરતાં કહ્યું.

હા, મારે તો એ જ જાણવું હતું કે મારો ખાસ ફ્રેન્ડ મને લવ કરે છે કે નહીં? ને લવ કરે છે તો કેટલો ? રશ્મિએ એને ફરી આલિંગન આપતાં કહ્યું.

એના એ શબ્દો સાંભળી વિક્રમે એને કપાળ પર કિસ કરતાં કહ્યું. મને મારો લવ મળી ગયો. આઈ લવ યુ…આઈ લવ યુ…!

(તસવીર પ્રતીકાત્મક છે)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન