ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે ૪૦,૦૦૦ અને નિફ્ટીએ ૧૨,૦૦૦ની સપાટી કુદાવી - Sandesh
  • Home
  • Business
  • ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે ૪૦,૦૦૦ અને નિફ્ટીએ ૧૨,૦૦૦ની સપાટી કુદાવી

ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે ૪૦,૦૦૦ અને નિફ્ટીએ ૧૨,૦૦૦ની સપાટી કુદાવી

 | 3:01 am IST

। મુંબઈ ।

સકારાત્મક વૈશ્વિક સંકેતોને પરિણામે શેરબજારમાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા મથાળે બંધ થયા હતા. શેરબજાર સતત ત્રીજા સત્રમાં વધ્યું હતું. બેંક અને મેટલ શેર્સ શેરબજારને આગળ લઇ જવામાં સહાયરૂપ રહ્યા હતા. દિવસના કામકાજ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે ૪૦,૦૦૦ અને ૧૨,૦૦૦ની સપાટી ફરીથી કૂદાવી હતી. જોકે, દિવસના કામકાજના અંતે આ સપાટી જાળવી શકાઇ ન હતી.  દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૬૫.૯૪ પોઇન્ટ વધી ૩૯,૯૫૦.૪૬ અને નિફ્ટી ૪૨.૯૦ પોઇન્ટ વધી ૧૧,૯૬૫.૬૦ ઉપર બંધ થયા હતા.

ઓટો, બેંક, એનર્જી, મેટલ,આઇટી અને ઇન્ફ્રા કંપનીઓના શેર્સમાં ખરીદી જોવા મળી હતી  

નિફ્ટીમાં યસ બેંક, ઓએનજીસી, તાતા મોટર્સ, ઝી એન્ટરટેઇનમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેંક વધ્યા હતા જ્યારે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, સન ફાર્મા, એમ એન્ડ એમ, ડો.રેડ્ડીઝ લેબ અને ટેક મહિન્દ્રા ઘટયા હતા.

રૂ.૯૮,૦૦૦ કરોડના જાહેર નાણાંની કહેવાતી ઉચાપત બદલ કંપની સામે કાનૂની કાર્યવાહીના અહેવાલ બાદ ઇન્ડિયા બુલ્સ હાઉસિંગનો શેર એક તબક્કે ૮ ટકા ઘટયો હતો. જેટ એરવેઝને નાણાકીય મુશ્કેલીમાંથી ઉગારવામાં હિંદુજા ગ્રુપ અને એતિહાદ એરવેઝ આગળ વધશે નહીં. આથી, જેટ એરવેઝનો શેર ૧૩ ટકા ઘટયો હતો. કંપનીના પ્રમોટરે ગીરવે મૂકેલા શેર્સ છોડાવી લીધા હોવાના અહેવાલે સ્ટરલાઇટ ટેક્નોલોજીનો શેર એક તબક્કે ૧૧ ટકા વધ્યો હતો.

નેટ એપ અને સિસ્કો સાથે વૈશ્વિક પાર્ટનરશીપની જાહેરાત બાદ ઝેન્સાર ટેકનોલોજીનો શેર ૮ ટકા વધ્યો હતો. જેએસડબલ્યૂ સ્ટીલનું મેમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન ૪ ટકા વધીને ૧૪.૫૩ લાખ ટન થયું હતું.

હેવીવેઇટ ટોરપીડોઇસ્ટ પૂરા પાડવા રૂ.૧,૧૮૭.૮૨ કરોડના કોન્ટ્રાક્ટ ઉપર ભારત ડાયનામિક્સે હસ્તાક્ષર કર્યા હતા. ગોલ્ડમેન સાશ દ્વારા ગ્રેડ ઘટાડવામાં આવતા સન ફાર્માનો શેર એક તબક્કે ૪ ટકા ઘટીને રૂ.૩૮૩.૮૫ થયો હતો.

બેન્કના શેર્સમાં ઉછાળો

પીએસયુ બેન્ક નિફ્ટી ૧.૯૨ ટકા વધ્યો હતો. કેનેરા બેન્ક, અલ્હાબાદ બેન્ક, બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક અને ઇન્ડિયન બેન્ક ૩.૮૯ ટકા વધ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્ક રૂ.૩૮.૯૫ વધી રૂ.૧૫૯૦.૬૦, કોટક મહિન્દ્રા બેન્ક રૂ.૫.૧૦ વધી રૂ.૧૫૦૭.૭૦, એચડીએફસી બેન્ક રૂ.૬.૭૫ વધી રૂ.૨૪૪૯.૩૫ અને યસ બેન્ક રૂ.૩.૮૦ વધી રૂ.૧૩૯.૩૦ ઉપર બંધ થયા હતા.

ફાર્મા કંપનીઓના શેર્સ નરમ

નિફ્ટી ફાર્મામાં ૧૦માંથી ૮ કંપનીઓના શેર્સમાં ઘટાડો જોવાયો હતો. સન ફાર્મા અને કેડિલા હેલ્થકેરના શેર્સમાં અનુક્રમે ૩.૭૭ ટકા અને ૧.૬૨ ટકાનો ઘટાડો થયો હતો.

ક્રૂડ તેલના ભાવમાં તેજી

સંગીન ફાઇનાન્શિઅલ માર્કેટ અને ઓપેક તથા સાથી રાષ્ટ્રો દ્વારા ક્રૂડ તેલના ઓછા ઉત્પાદનને જાળવી રાખવાના નિર્ધારને પગલે ક્રૂડ તેલના ભાવ મંગળવારે વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૨૭ સેન્ટ વધીને ૬૨.૫૬ ડોલર અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ વાયદો એક બેરલે ૪૯ સેન્ટ વધીને ૫૨.૭૫ ડોલરનો ભાવ થયો હતો.

ઈંટનો જવાબ પથ્થર

વેપાર તંગદિલી વધારવા અમેરિકા આગ્રહ રાખશે તો ચીન ઇંટનો જવાબ પથ્થરથી આપશે, એમ ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન