Investing in the government's scheme will provide tax-free interest
  • Home
  • Business
  • સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી મળશે કરમુક્ત વ્યાજ તથા IT કપાતના લાભો

સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી મળશે કરમુક્ત વ્યાજ તથા IT કપાતના લાભો

 | 12:17 am IST

સ્ત્રી સંતાન (Girl Child)ના કલ્યાણ માટે ‘સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ યોજના’ (SSY)નો પ્રારંભ ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ કરવામાં આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ યોજના અંતર્ગત કુટુંબની નાની દીકરીઓના લાભાર્થે આ વિશિષ્ટ રોકાણ સુવિધાના સંદર્ભમાં, આકર્ષક વ્યાજ તેમજ આવકવેરા કપાત તથા કરમુક્તિના અનેરા લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું હોઇ, તે ‘પબ્લિક પ્રોવિડન્ટ ફંડ’ યોજનાની જેમ જ અત્યંત લોકપ્રિય રોકાણ પુરવાર થાય તેમ છે !

  • દીકરીના જન્મથી તે દસ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધીમાં તેના નામે SSYનું ખાતું ખોલાવી શકાય છે. SSYનું ખાતું સ્ત્રી સંતાનના માતા કે પિતા અથવા કાનૂની વાલી દ્વારા ખોલી શકાય છે.
  • SSY ખાતામાં નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા રૂ. ૧,૦૦૦ અને વધુમાં વધુ રૂ. ૧,૫૦,૦૦૦નું રોકાણ કરી શકાશે.
  • SSY ખાતામાં ખાતું ખોલાવ્યાથી શરૂ કરીને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધી રોકાણ કરી શકાય. ત્યાર બાદ આ ખાતામાં જમા રકમ ઉપર પાકતી મુદત સુધી વર્ષોવર્ષ વ્યાજ મળવાનું ચાલુ રહે.
  • SSY ખાતાની પાકતી મુદત (maturity period), આ ખાતું ખોલાવ્યાની તારીખથી ૨૧ વર્ષની રહેશે. અલબત્ત, ૧૮ વર્ષની ઉંમર બાદ દીકરીના લગ્ન થાય તે સમયે (૨૧ વર્ષની નિયત મુદત અગાઉ પણ) ખાતું બંધ કરીને સંપૂર્ણ જમા રકમ ઉપાડી શકાય.
  • દીકરીની ૧૮ વર્ષની ઉંમર બાદ ઉચ્ચ શિક્ષણના હેતુસર અગાઉના નાણાકીય વર્ષના અંતે SSY ખાતામાં જમા બાકીના ૫૦% રકમનો ઉપાડ કરવાની સગવડ મળી શકશે.
  • વ્યક્તિની વધુમાં વધુ બે દીકરીઓ માટે SSYના ખાતા ખોલાવી શકાય. અલબત્ત, બીજા જન્મ સમયે જોડકી દીકરીઓ જન્મી હોય તેવા કેસમાં અથવા પ્રથમ જન્મ વખતે જ ત્રણ દીકરીઓ સાથે જન્મી હોય તેવા કેસમાં ત્રણ દીકરીઓ માટે આ ખાતાનો લાભ મળી શકશે.
  • SSYમાં રોકાણ માટેના ખાતા PPFના રોકાણની સમકક્ષ, કોઈ પણ પોસ્ટ ઓફિસ તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો તથા ખાનગી ક્ષેત્રની બેન્કો પૈકી Axis તેમજ ICICI બેન્કમાં પણ ખોલાવી શકાય છે.

SSY ખાતા પર વ્યાજ તેમજ આવકવેરા રાહતો:

નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે SSY ખાતામાં જમા રોકાણો ઉપર વાર્ષિક ૯.૨૦% ચક્રવૃદ્ધિ વ્યાજનો દર નિયત કરાયો હતો. ૧લી એપ્રિલ, ૨૦૧૬થી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા મુજબ, પ્રત્યેક નાણાકીય વર્ષ માટે SSY સહિતની નાની બચત યોજનાઓના વાર્ષિક વ્યાજના દર, ત્રિમાસિક ધોરણે જાહેર કરવામાં આવે છે. તે અનુસાર ૧ ઓક્ટોબર, ૨૦૧૯ના Quarter માટે ૮.૪૦%નો વ્યાજનો દર જાહેર કરાયો છે. PPFના ૭.૯૦%ના વ્યાજના દરની સરખામણીમાં SSYનો ૮.૪૦%નો વ્યાજનો દર આકર્ષક ગણી શકાય.

SSYમાં રોકાણનાં બે સૌથી મોટાં આકર્ષણ તેના વ્યાજની સંપૂર્ણ કરમુક્તિ તેમજ આવા રોકાણ સંબંધી મળી શકતી કપાતના લાભો છે. આવકવેરાના કાયદાની કલમ ૧૦(૧૧એ) હેઠળ SSYના વ્યાજને સંપૂર્ણ કરમુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત SSYમાં કરાતાં રોકાણનો કલમ ૮૦સી હેઠળ રૂ. ૧,૫૦,૦૦૦ની મર્યાદામાં મળી શકતી કપાતની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

PPF તેમજ SSY બંને ખાતાં ખોલાવી શકાય?

જો કુટુંબમાં પિતા અને માતા બંને કરપાત્ર આવક ધરાવતા હોય અને તેમને એક દીકરી હોય તો તેવા કેસમાં તેઓ દીકરીના નામે PPF તેમજ SSY એમ બંને ખાતા ખોલાવીને એક ખાતામાં પિતા રૂ. ૧,૫૦,૦૦૦ અને બીજા ખાતામાં માતા રૂ. ૧,૫૦,૦૦૦ના રોકાણો કરીને કલમ ૮૦સી હેઠળ આવકવેરા કપાત તેમજ બચતના લાભો લેવાનું આયોજન કરી શકે.

કલમ ૮૦સીના રોકાણ થઇ ચૂક્યા હોય અને તેનો લાભ મળી શકે તેમ ન હોય તેવા કેસમાં પણ દીકરીઓ માટે SSYના ખાતા ખોલાવીને તેમના માટે મૂડી ઉપાર્જનનું સુંદર આયોજન કરી શકાય.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રૂ. ૭૨ લાખની મૂડી ઉપાર્જનનું આયોજન !

પોતાના દીકરી સંતાન માટે મૂડી ઉપાર્જન (Capital Formation)ના હેતુસર સુકન્યા સમૃદ્ધિ રોકાણ યોજના દ્વારા ઉપયોગી આયોજન કેવી રીતે થઇ શકે, તેનો ખ્યાલ નીચે જણાવેલા દૃષ્ટાંત પરથી આવી શકશે.

દૃષ્ટાંત : એક કરદાતા જેની કરપાત્ર આવક રૂ. દસ લાખથી વધુ છે (જે આવકવેરાના ૩૧.૨૦%ના મહત્તમ દરે આવકવેરો ભરવાને પાત્ર છે), તે એક સુકન્યાના પિતા બને છે. બાળકીના જન્મની સાથે જ કરદાતા તેની દીકરીના નામે SSYનું અલગ ખાતું ખોલાવે છે અને પ્રતિ વર્ષ આ ખાતામાં રૂ. ૧,૫૦,૦૦૦નું રોકાણનું આયોજન કરે છે. SSYના નિયમો અનુસાર આ ખાતામાં ચૌદ વર્ષ માટે નિયમિત રોકાણ કરી આ ખાતું પાકવાની એકવીસ વર્ષની મુદત સુધી તેને ધારણ કરવામાં આવે તો કરદાતાને નીચે જણાવેલા લાભો મળી શકે :

બક્ષિસવેરાની કોઇ જવાબદારી નહીં :

પ્રતિ વર્ષ પિતા તરફથી દીકરીના SSY ખાતામાં રોકાણ સ્વરૂપે કરાતી બક્ષિસની રકમ ઉપર બક્ષિસવેરાની કોઇ જવાબદારી ઉપસ્થિત થાય નહીં, કારણ કે બક્ષિસવેરાનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બક્ષિસને આવક ગણવાની કલમ ૫૬ હેઠળની વિશિષ્ટ જોગવાઇના સંદર્ભમાં માતા કે પિતા દ્વારા પોતાના સંતાનને કરાતી બક્ષિસને મુક્તિ આપવામાં આવી છે.

રૂ. ૧,૫૦,૦૦૦ના રોકાણ સામે આવકવેરામાં રૂ. ૪૬,૮૦૦ની ઉપયોગી બચત । આવકવેરાના કાયદાની કલમ ૮૦સી હેઠળ SSYમાં રોકાણ સંબંધી આવકવેરા કપાતનો લાભ મળતો હોઇ, આ દૃષ્ટાંતમાં કરદાતાએ પોતાની દીકરીના SSY ખાતામાં કુલ રૂ. ૧,૫૦,૦૦૦ના કરેલ રોકાણના સંદર્ભમાં ૩૧.૨૦%ના દરે આવકવેરા બચત ગણતાં તેને રૂ. ૪૬,૮૦૦ની આવકવેરામાં ઉપયોગી બચતનો લાભ મળે. આમ આવકવેરા બચતનો લાભ ગણતાં કરદાતાનું પ્રતિ વર્ષ ચોખ્ખું રોકાણ રૂ. ૧,૦૩,૨૦૦ (રૂ. ૧,૫૦,૦૦૦ – રૂ. ૪૬,૮૦૦) થાય.

આવકવેરાની ક્લબિંગ પ્રોવિઝન્સની જોગવાઇઓ નડે નહીં । પોતાના સગીર સંતાનને કરવામાં આવેલી બક્ષિસની રકમ તેમજ તેમાંથી ઉદ્ભવતી આવક, આવકવેરાના કાયદા હેઠળના ‘ક્લબિંગ પ્રોવિઝન્સ’ અનુસાર કરદાતાની કુલ આવકની ગણતરીમાં ઉમેરવાની રહે છે, પરંતુ SSYના ખાતાનુંરોકાણ તેમજ તેના ઉપર ૮.૫૦%ના દરે પ્રતિ વર્ષ મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ, આવકવેરાના કાયદા હેઠળ કોઇ પણ મર્યાદા સિવાય સંપૂર્ણપણે કરમુક્ત હોઇ, આ જોગવાઇઓનો કોઇ વિક્ષેપ નડે નહીં. આ દૃષ્ટાંતમાં કોઇ પણ પ્રકારના વેરાની જવાબદારી સિવાય SSYના ખાતામાં નાણાંની અભિવૃદ્ધિ થતી જ રહે.

એકવીસ વર્ષે દીકરીની કુલ ૭૨ લાખની મૂડી :

ઉપરોક્ત દૃષ્ટાંતમાં જણાવ્યા અનુસાર બાળકના SSY ખાતામાં પ્રતિ વર્ષ રૂ. ૧,૫૦,૦૦૦ જમા કરવામાં આવે તો એકવીસ વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત રૂ. ૭૨ લાખની મૂડી SSYના ખાતામાં જમા થઇ જાય. ઉપર જણાવ્યા મુજબ રૂ. ૪૬,૮૦૦ના આવકવેરા બચતને લક્ષમાં લેતાં પ્રતિ વર્ષ રૂ. ૧,૦૩,૨૦૦નું ચોખ્ખું રોકાણ કરીને એકવીસ વર્ષને અંતે કોણ પણ પ્રકારના વેરાની જવાબદારી વગર દીકરી માટે રૂ. ૭૨ લાખની મૂડી SSYના આયોજન દ્વારા ઊભી કરી શકાય.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વ્યાજનો અસરકારક દર ઘણો વધુ !

૮.૪૦%નું વ્યાજ મેળવતા SSYના ખાતા ઉપર કલમ ૧૦(૧૧એ)ની સંપૂર્ણ કરમુક્તિ તેમજ કલમ ૮૦સી હેઠળની કપાતના બેવડા લાભોને લક્ષમાં લેવામાં આવે તો રૂ. ૧,૫૦,૦૦૦ના રોકાણ ઉપર વ્યાજનો અસરકારક દર ઘણો વધુ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન