ચપટીમાં રોકાણકારોના રૂ. 5 લાખ કરોડ સ્વાહા, આ રહ્યા કારણો - Sandesh
  • Home
  • Business
  • ચપટીમાં રોકાણકારોના રૂ. 5 લાખ કરોડ સ્વાહા, આ રહ્યા કારણો

ચપટીમાં રોકાણકારોના રૂ. 5 લાખ કરોડ સ્વાહા, આ રહ્યા કારણો

 | 3:15 pm IST

ભારતીય શેર બજારમાંથી આજે મંગળવારે  ક્ષણભરમાં જ રૂ. પ લાખ કરોડની ગેમ થઈ ગઈ છે. બજાર ખુલતાં જ સેન્સેક્ષમાં 1,274 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું અને રોકાણકારોનું બિહામણુ સપનું વાસ્તિવક બન્યું હતું. બજારમાં ફરી સુધારો જોવા મળ્યો હતો, પરંતુ દલાલ સ્ટ્રીટ માટે મંગળવારને બ્લેક ટ્યુસ ડે કરતાં ઓછો આંકી શકાય તેમ નથી.  સેન્સેક્સ મોટા ધબકડા સાથે 33,482ની સપાટીના તળીયે બેસી ગયું હતું. નિફટીમાં પણ 350 પોઈન્ટનુ ગાબડું પડ્યું હતું.  હવે પ્રશ્ન એ થાય છે કે આજે મંગળવારે એવું શું થયું કે બજારને પગે પડી જવાની ફરજ પડી ?

અમેરિકાના શેર બજારોમાં સોમવારે સાંજે ત્રણ વાગ્યા પછી ઝડપથી ગાબડા પડવાની શરૂઆત થઈ હતી. સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને નફો રળી લેવાની વૃત્તિને લીધે શેરોની ધડાધડ વેચવાલી આ માટે મુખ્યત્વ જવાબદાર હતી.

પીએનપી પરિબાસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્ટમેનટ ઓફિસર રિતેશ જૈને જણાવ્યું હતું કે અમેરિકી શેર બજારોના કડાકા પર ભારતીય બજારની બારીક નજર છે. અમેરિકી ફેડરલ રિઝર્વનું આકરું વલણ, મોંઘવારીનો ડર અને બોન્ડ યીલ્ડની ગતિવિધિને લીધે અમેરિકી વોલિટિલિટી ઈન્ડેક્સ VIX માં ઉછાળો આવ્યો હતો. બજારમાં નફાનું સ્થાન ફફડાટે લીધું હતું. આ ફફડાટ કૂણું પડતાં થોડા દિવસો પસાર થઈ જાય તેમ છે. અત્યાર સુધી તો થોભો અને રાહ જોવાની સ્થિતિ પ્રવર્તે છે.

અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકે જિરોમ પોવેલે હોદ્દો સંભાળતાં જ બજાર ઊંધા માથે પટકાયું છે. બ્રિટન સરકારના પૂર્વ વાણિજ્ય સચિવ જિમ ઓ`નીલે જણાવ્યું હતું કે અમેરિકા આગળ વધી રહ્યું છે અને મધ્યસ્થ બેન્કે નાણાં નીતિને બજારના અંદાજો કરતાં વધારે ઝડપથી આકરી બનાવવાની જરૂર છે. અમેરિકી ફેડરલ રિઝર્વના વિદાય લેતાં ચેરમેન જેનેટ યેલને પણ આર્થિક નીતિની સમીક્ષામાં જણાવ્યું હતું કે આ વર્ષે ફુગાવામાં વાર્ષિક ધોરણે વધારો થવાની શક્યતા છે.

અમેરિકી બોન્ડ યીલ્ડ

વૈશ્વિક સ્તરે બોન્ડમાં ઉછાળો આવી રહ્યો છે. સોવરન બોન્ડ જોખમમુક્ત મનાય છે. બોન્ડની કિંમતમાં વદારો થાય તો ઈક્વિટી રોકાણકારો માટેની તકોમાં પણ વધારો થશે. ભારતના સદર્ભમાં 10 વર્ષના બોન્ડની યીલ્ડ જુલાઈ 2017ના 6.3 ટકાથી વધી વાર્ષિક 7.6 ટકાએ પહોંચી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક મંગળવારે શરૂ થશે  અને બુધવારે તેના  નિર્ણયની જાણ થશે. નાણાકીય વર્ષ 2018ની આ છઠ્ઠી દ્વીમાસિક મોનીટરી પોલીસીની બેઠક હશે. આ બેઠકમાં રાજકોષિય ખાધ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સરકારે રાજકોષિય ખાદ્યના ટાર્ગેટને 3.2 ટકાથી વધારી 3.5 ટકા કર્યો છે. ડિસેમ્બરમાં છૂટક ફુગાવો  17 મહિનાની સર્વોચ્ચ સપાટીએ 5.21 ટકાએ પહોચી ગયો  છે.