INX Media Case: Chidambaram Arrested After PM Modi Video Viral
  • Home
  • Featured
  • ચિદમ્બરમની ધરપકડ: PM મોદીએ કરેલા ઇશારાનો વીડિયો વાયુવેગે વાયરલ, કહ્યું હતું કે…

ચિદમ્બરમની ધરપકડ: PM મોદીએ કરેલા ઇશારાનો વીડિયો વાયુવેગે વાયરલ, કહ્યું હતું કે…

 | 9:50 am IST

સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં આરોપી પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમની બુધવાર રાત્રે તેમના જ ઘરેથી ધરપકડ કરી લેવાઇ. 27 કલાક સુધી ગુમ રહ્યા બાદ પણ પી.ચિદમ્બરમ બુધવાર રાત્રે લગભગ 8 વાગ્યે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા અને 10 મિનિટ સુધી પોતાનું નિવેદન વાંચ્યા બાદ પોતાના ઘરે પાછા ફર્યા હતા. પી.ચિદમ્બરમની ધરપકડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. લોકસભા ચૂંટણીની બરાબર પહેલાં પોતાના આ ભાષણમાં પીએમ મોદીએ ભ્રષ્ટાચારીઓને જેલ મોકલવાનું વચન આપ્યું હતું.

મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે તમારી મદદથી હું આ લોકો (ભ્રષ્ટાચારીઓ)ને જેલના દરવાજા સુધી લઇ ગયો છું. કોઇ જામીન પર છે, કોઇ હજુ ડેટ લઇ રહ્યા છે. લોકો ચક્કર કાપી રહ્યા છે પરંતુ 2014થી મહેનત કરતા-કરતા, જૂના ઓફિસરો ગયા અને નવા આવ્યા છે તો કાગળ પણ હાથ લાગવા લાગ્યા છે. બરાબર મામલો સીધી દિશમાં જઇ રહ્યો છે. 2014ની સાલથી અત્યાર સુધીમાં તેમને જેલના દરવાજા સુધી લઇ ગયો છું પરંતુ વર્ષ 2019 બાદ…(ઇશારામાં કહ્યું જેલ મોકલીશ) PM મોદીનો આ વીડિયો ભાજપના આઇટી સેલના હેડ અમિત માલવીયાએ પણ ટ્વીટ કર્યો છે.

‘મેં ભી ચોકીદાર કાર્યક્રમ’ કેમ્પેઇનનો વીડિયો

આપને જણાવી દઇએ કે પીએમ મોદીનું આ ભાષણ આ વર્ષના 31મી માર્ચનું છે જે તેમણે ‘મેં ભી ચોકીદાર કાર્યક્રમ’માં આપ્યું હતું. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 5000 ભાજપ કાર્યકર્તાઓની સાથે ટાઉન હોલ દરમ્યાન પીએમ મોદીએ આ કેમ્પેઇન શરૂ કર્યું હતું. ચિદમ્બરમની ધરપકડ બાદ વડાપ્રધાનના આ ભાષણને સોશિયલ મીડિયામાં લોકો મોટી સંખ્યામાં શેર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે INX મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમની બુધવાર રાત્રે ખૂબ જ નાટકીય રીતે ધરપકડ થઇ. સીબીઆઈ તેમને કસ્ટડીમાં લઇ જઇ CBI હેડક્વાર્ટરમાં લઇ ગઇ જ્યાં ચિદમ્બરમની સત્તાવાર રીતે ધરપકડ કરાઇ. કહેવાય છે કે તેમની સીબીઆઈના અધિકારીઓએ રાત્રે જ પૂછપરચ્છ શરૂ કરી દીધી હતી. આજે તેમને રાઉજ એવેન્યુ સ્થિત સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન