IPL 2021 Final, CSK vs KKR
  • Home
  • Sports
  • Cricket
  • દશેરાના દિવસે કોનો ઘોડો દોડશે ! ધોની કે મોર્ગનનો?

દશેરાના દિવસે કોનો ઘોડો દોડશે ! ધોની કે મોર્ગનનો?

 | 8:24 am IST
  • Share

  • આઇપીએલ 2021માં આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મુકાબલો

  • ચેન્નઇના અનુભવ સામે કોલકાતાની સ્પિન ત્રિપુટીની આકરી કસોટી થશે, સાંજે 7:30 કલાકથી પ્રારંભ

  • ચેન્નઇ ત્રણ વખત અને કોલકાતા બે વખત ચેમ્પિયન બની ચૂક્યું છે, 2012ની ફાઇનલનું પુનરાવર્તન થશે

દિલ્હી સામે નાટયાત્મક વિજય મેળવનાર કોલકાતા નાઇટ રાઇડર્સ સામે શુક્રવારે રમાનારી આઇપીએલ ટી20 લીગની ફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીની જાદુઈ કેપ્ટનશિપ ચેન્નઇ સુપર કિંગ્સ માટે અભેદ સુરક્ષા કવચ સમાન સાબિત થઈ શકે છે. વિશ્વભરના ક્રિકેટ પ્રેેમીઓ દશેરાના દિવસે કેપ્ટન કૂલની આક્રમક બેટિંગની આતુરતાથી રાહ જોશે કારણ કે, ધોની સંભવિત છેલ્લી વખત પીળી જર્સીમાં રમશે. આંકડા ઉપર નજર નાખીએ તો ચેન્નઇની ટીમ 12 સિઝનમાં નવ વખત ફાઇનલમાં પહોંચી છે. જોકે તે બે સિઝન ફિક્સિંગના આક્ષેપોના કારણે સસ્પેન્ડ થઈ હતી. ચેન્નઇએ ત્રણ વખત ટાઇટલ જીત્યા છે અને પાંચ વખત ફાઇનલમાં હારી છે. બીજી તરફ કોલકાતાએ બંને વખત ટાઇટલ સુકાની ગંભીરના નેતૃત્વમાં જીત્યા હતા. ફાઇનલ સુધી પહોંચવાની કળા ચેન્નઇથી વધારે કોઈ ટીમ જાણતી નથી.

ફાઈનલમાં સ્પિનર દબાણમાં રહેશે : કોલકાતાની સ્પિન ત્રિપુટી વરુણ ચક્રવર્તી, શાકિબ અલ હસન અને સુનીલ નરૈનનો બેટ્સમેનો કેવો સામનો કરે છે તેની ઉપર ચેન્નઇનો ચોથી વખત ચેમ્પિયન બનવાનો મદાર રહેશે. ત્રણેય સ્પિનર ટૂર્નામેન્ટમાં સાતથી ઓછી સરેરાશ સાથે રન આપ્યા છે. આન્દ્રે રસેલ હેમસ્ટ્રિંગની ઈજાના કારણે હાલમાં ટીમની બહાર હોવાના કારણે શાકિબ ઓલરાઉન્ડ પ્રદર્શનથી કોલકાતાનું બેલેન્સ જાળવી રાખે છે. હરીફ ટીમનો સુકાની હોય અને ફાઇનલમાં અલગ દબાણ હોવાના કારણે આ ત્રણેય સ્પિનર્સ માટે રિધમ જાળવી રાખવાનું આસાન રહેશે નહીં.

ચેન્નઈની બેટિંગ લાઈનઅપ મજબૂત છે : ધોનીનું સરળ સ્લોગન છે કે, અનુભવ ઉપર વિશ્વાસ રાખો. ઋતુરાજ ગાયકવાડને ધોનીએ બેસ્ટ બેટ્સમેન બનવાની ટિપ્સ આપી છે જેના કારણે તે 600 કરતાં વધારે રન બનાવી ચૂક્યો છે. ધોનીએ પોતાની નેતૃત્વ ક્ષમતાના આધારે માત્ર આગામી વર્ષે જ નહીં પરંતુ ઘણા વર્ષો સુધી ટીમનો પાયો મજબૂત કરી દીધો છે. ઋતુરાજ ચેન્નઇનો આગામી સુકાની બને તો કોઈ આૃર્ય થશે નહીં. ધોની આગામી વર્ષે કે ત્યારબાદ આઇપીએલને અલવિદા કરે તેવી પૂરી સંભાવના છે. આઇપીએલને ધોની કરતાં વધારે કોઈ સમજી શક્યું નથી.

2020ની સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ ચેન્નઇએ શાનદાર પુનરાગમન કરીને વર્તમાન લીગમાં પ્લે ઓફ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બનવાની સિદ્ધિ મેળવી હતી. ચેન્નઇ પાસે અનુભવની ખોટ નથી. ધોની 40ની વય પાર કરી ચૂક્યો છે અને ડ્વેન બ્રાવો (38), ફાફ ડુ પ્લેસિસ (37), અંબાતી રાયડુ અને રોબિન ઉથપ્પા (બંને 36) તથા મોઇન અલી અને રવીન્દ્ર જાડેજા  (બંને 30 પ્લસ) ફિટનેસના મામલે અન્ય ક્રિકેટરો કરતાં પાછળ નથી. ધોનીએ આઉટ ઓફ ફોર્મ સુરેશ રૈનાને પણ પડતો મૂકીને ટીમના હિતનો નિર્ણય પણ લીધો હતો.

ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઇએ 14 મેચમાં નવ વિજય હાંસલ કરીને 18 પોઇન્ટ મેળવ્યા હતા અને ટીમ ટોપ-2માં રહી હતી. આ સ્થિતિમાં ચેન્નઇને ક્વોલિફાયર-1મા રમવાની તક મળી હતી જેના કારણે તે દિલ્હીને હરાવીને સીધી ફાઇનલમાં પહોંચી હતી. બેટ્સમેન તરીકે ધોનીએ 15 મેચની 11 ઇનિંગ્સમાં ચાર વખત અણનમ રહીને કુલ 114 રન બનાવ્યા હતા. તેનો હાઇએસ્ટ સ્કોર અણનમ 18 રનનો રહ્યો હતો. ધોનીની એવરેજ માત્ર 16.28ની તથા સ્ટ્રાઇક રેટ 106.54નો રહ્યો હતો.

કોલકાતા પાસે વર્લ્ડ કપ ચેમ્પિયન સુકાની છે જેણે મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ટીમને બદલી નાખી છે. ઘણાનું માનવું છે કે, મોર્ગનના સ્થાને આન્દ્રે રસેલને સુકાનીપદ સોંપવું જોઈએ પરંતુ ટીમ મેનેજમેન્ટે મોર્ગન ઉપરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. શરૂઆતથી જ શુભમન ગિલ પાસે જ ઇનિંગ્સની શરૂઆત કરાવી હતી અને આખરે તેણે સ્કોર નોંધાવવાનું શરૂ કરી દીધું છે. વેંકટેશ ઐયર ઉપરનો વિશ્વાસ પણ યથાર્થ સાબિત થયો છે.

મોર્ગનના નેતૃત્વમાં કોલકાતાની ટીમ નસીબના સહારે વધારે સારા રનરેટ વડે પ્લે ઓફમાં પહોંચી હતી. ટીમે 14માંથી સાત મુકાબલા જીત્યા હતા અને કુલ 14 પોઇન્ટ મેળવ્યા હતા. મોર્ગને 16 મેચની 15 ઇનિંગ્સમાં ચાર વખત અણનમ રહીને કુલ 129 રન બનાવ્યા હતા. તેનો હાઇએસ્ટ સ્કોર 47 રનનો રહ્યો હતો. મોર્ગનની સરેરાશ 11.72ની રહી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 98.47નો રહ્યો છે. કોલકાતની ટીમે યુએઇ તબક્કામાં સાતમાંથી પાંચ મુકાબલા જીતીને પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું હતું.

સુકાની તરીકે હાઇએસ્ટ રન બનાવવાના મામલે ધોની-મોર્ગન નીચલા સ્થાને

આઇપીએલમાં સુકાની તરીકે રન નોંધાવવાના મામલે લોકેશ રાહુલ ટોચના ક્રમે છે. ફાઇનલમાં પહોંચેલી બે ટીમોના સુકાની મહેન્દ્રસિંહ ધોની અને ઇયોન મોર્ગનનો બેટ દ્વારા દેખાવ સામાન્ય રહ્યો છે. નવ સુકાનીમાં ધોની કુલ 114 રન સાથે નવમા ક્રમે અને મોર્ગન 129 રન સાથે આઠમા ક્રમે છે. આ બંને સુકાનીએ ફાઇનલમાં પોતપોતાની ટીમોને જીતાડવા માટે મોટી ઇનિંગ રમવી પડશે. સુકાની તરીકે આઇપીએલ 2021માં લોકેશ રાહુલ (626) બાદ બીજા ક્રમે સંજૂ સેમસન (484) છે. ત્યારબાદ રિષભ પંત (419), વિરાટ કોહલી (405), રોહિત શર્મા (381), વોર્નર (193), કેન વિલિયમ્સન (158)નો સમાવેશ થાય છે.

પ્રત્યેક સિઝનમાં CSK  અને KKR નું પ્રદર્શન

ચેન્નઇ સુપર કિંગ્સ                           કોલકાતા નાઇટ રાઇડર્સ

2008 : બીજું                                      2008 : છઠ્ઠું

2009 : ચોથું                                      2009 : આઠમું

2010 : ચેમ્પિયન                               2010 : છઠ્ઠું

2011 : ચેમ્પિયન                                2011 : ચોથું

2012 : રનર્સ-અપ                              2012 : ચેમ્પિયન

2013 : રનર્સ-અપ                              2013 : સાતમું

2014 : ત્રીજું                                        2014 : ચેમ્પિયન

2015 : રનર્સ-અપ                              2015 : પાંચમું

2016 : સસ્પેન્ડ                                   2016 : ચોથું

2017 : સસ્પેન્ડ                                   2017 : ત્રીજું

2018 : ચેમ્પિયન                               2018 : ત્રીજું

2019 : રનર્સ-અપ                             2019 : પાંચમું

2020 : સાતમું                                   2020 : પાંચમું

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો