IPL અંગેના મારી પાસે શબ્દો જ નથી : ગાંગુલી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL અંગેના મારી પાસે શબ્દો જ નથી : ગાંગુલી

IPL અંગેના મારી પાસે શબ્દો જ નથી : ગાંગુલી

 | 2:17 am IST

। નવી દિલ્હી ।

કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે ૨૧ દિવસની લોકડાઉનની પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ઉપર આઇપીએલ ૨૦૨૦ની સિઝનને રદ કરવાનું દબાણ વધી ગયું છે. પૂરા દેશમાં લોકડાઉનની સ્થિતિ છે અને મંગળવારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ દ્વારા ટોક્યો ગેમ્સને સ્થગિત કરવાની થયેલી જાહેરાત બાદ બીસીસીઆઇ શા માટે આઇપીએલને સ્થગિત કરી દેવાની જાહેરાત કરતું નથી તે ચર્ચાનો મુદ્દો બન્યો છે. બીસીસીઆઇએ ચાલુ મહિનાની શરૂઆતમાં આઇપીએલને ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી હતી અને કહ્યું હતું કે પરિસ્થિતિ સુધરશે ત્યારે જ ટૂર્નામેન્ટ રમાડવામાં આવશે.

બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે દેશમાં ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અત્યારે મારી પાસે આઇપીએલના આયોજન અંગે કશું કહેવા જેવું નથી. અત્યારે હું કશું કહી શકું તેમ નથી. અમે જ્યારે લીગને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં કોઈ ફરક પડયો નથી. જોકે અત્યારે સ્થિતિ વધારે ગંભીર બની છે. છેલ્લા ૧૦ દિવસમાં કોઈ ફરક પડયો નથી. પરિસ્થિતિ યથાવત્ છે અને અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી.

કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયા આઇપીએલને ચાલુ વર્ષે સ્થગિત કરવાના મામલે વધારે સ્પષ્ટ જણાય છે. વાડિયાએ જણાવ્યું હતું કે બીસીસીઆઇએ હકીકતમાં આઇપીએલને હવે સ્થગિત કરવા માટે વિચારણા કરવી જોઈએ. એક મેજર લીગના આયોજનના સ્વરૂપે અમારે વધારે જવાબદારીથી કામ કરવાની જરૂર છે. ચાલુ વર્ષે આઇપીએલ ના યોજાય તો કોઈ ફરક પડતો નથી. મે મહિના સુધીમાં જો સ્થિતિમાં સુધારો થાય તો પણ અમારી પાસે કેટલો સમય છે તે મોટો પ્રશ્ન છે. તે સમયે શું વિદેશી ખેલાડીઓને ભારતમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે મોટો પ્રશ્નાર્થ છે.

ઓલિમ્પિક રદ થઈ શકે તો આઈપીએલ કેમ નહીં ?

મંગળવારે બીસીસીઆઇ અને ફ્રેન્ચાઇઝીના માલિકો વચ્ચેની ટેલિકોન્ફરન્સ મિટિંગ રદ કરવામાં આવી હતી. એવું લાગી રહ્યું છે કે બીસીસીઆઇને દેશમાં સ્થિતિ સુધરી જશે તેવી આશા છે અને આ કારણથી તે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતું નથી. આ મામલા સાથે જોડાયેલા બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરી શકાય તો આઇપીએલ તો તેની સામે ઘણી નાની લીગ છે. સરકાર પણ હજુ વિદેશીઓને વિઝા આપવા અંગે વિચારી રહ્યું નથી તો અમારે પણ ચોક્કસ નિર્ણય લેવાની જરૂર છે. ૨૧ દિવસના લોકડાઉન બાદ પણ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે તે લગભગ અસંભવ છે. લોકડાઉન રદ કરાયા બાદ પણ ૧૪મી એપ્રિલ પછી પણ ઘણા પ્રતિબંધો જારી રહેશે અને આ સ્થિતિમાં લીગ રદ ના કરવી તે મોટી મૂર્ખતા સમાન રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન