IPL can be played in October-November if the T૨૦ World Cup stops: BCCI
  • Home
  • Sports
  • Cricket
  • BCCI તરફથી મોટા સમાચાર, T-20 વર્લ્ડકપ સ્થગિત થાય તો જાણો IPLનું ક્યારે રમાડવામાં આવશે કે નહીં

BCCI તરફથી મોટા સમાચાર, T-20 વર્લ્ડકપ સ્થગિત થાય તો જાણો IPLનું ક્યારે રમાડવામાં આવશે કે નહીં

 | 7:30 am IST

કોરોના વાઇરસના કારણે આઇપીએલ ૨૦૨૦ની સિઝનને ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે અને હજુ પણ તેને રમાડવાની સંભાવના નહિવત્ છે. જોકે એક વિકલ્પ એ છે કે જો આઇસીસી ચાલુ વર્ષના અંત ભાગમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપને સ્થગિત કરે તો બીસીસીઆઇ ઓક્ટોબર તથા નવેમ્બરમાં પોતાની ટી૨૦ લીગને રમાડી શકે છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓક્ટોબર તથા નવેમ્બરમાં આઇપીએલ રમાડવાના વિકલ્પ અંગે વિચારણા થઈ રહી છે પરંતુ જો ટી૨૦ વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવે તો જ આ શક્ય બની શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે પ્રત્યેક દેશે પોતાની સરહદો બંધ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ છ મહિના માટે પોતાને લોકડાઉન કરી દીધું છે. આ કારણથી સ્થિતિ બદલાઈ શકે છે. ગ્રેટ બ્રિટન પણ ઓસ્ટ્રેલિયાના પગલે ચાલી શકે છે. હવે ભારત સરકાર ઇન્ટરનેશનલ સરહદ બંધ રાખવા અંગે કયા પ્રકારનો નિર્ણય લે છે તે અમારે સમજવાની જરૂર છે. આ સ્થિતિમાં તો ઓક્ટોબર અને નવેમ્બર જ સુરક્ષિત સમય લાગી રહ્યો છે પરંતુ આ સમયમાં આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે.

જો આઇસીસી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ટી૨૦ વર્લ્ડ કપ અંગે નિર્ણય લે તો આ વિકલ્પ અંગે બોર્ડ વિચારી શકે છે. જો માનવામાં આવે કે તમામ દેશોએ અત્યારથી છ મહિના સુધી લોકડાઉન કરી દીધું છે તો તે ઓક્ટોબરમાં પૂરું થઈ જશે પરંતુ આ માટે કોરોના વાઇરસને રોકવો જરૂરી છે અને સ્થિતિ કાબૂમાં આવવી જરૂરી છે.

આઇસીસીને પણ ઘણી મુશ્કેલીઓ નડી શકે છે 

ટી૨૦ વર્લ્ડ કપને સ્થગિત કરવો તે આઇસીસી માટે માથાના દુખાવા સમાન બની રહેશે કારણ કે આ વર્લ્ડ કપને ૨૦૨૧માં યોજી શકાય તેમ નથી કારણ કે આગામી વર્ષે ભારત આ ફોર્મેટના વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. તેથી તેને સીધો ૨૦૨૨માં રમાડવો પડે તેમ છે. બીજી બાબત એ છે કે બ્રોડકાસ્ટર પણ એક જ વર્ષમાં ટૂંકા ગાળામાં બે વખત ટી૨૦ વર્લ્ડ કપની ટેલિકાસ્ટ કરવા માગતી નથી. આઇસીસી અંગે કોઈ ચર્ચા થઈ હોવાની બાબતનો ઇનકાર કરીને અધિકારીએ ઉમેર્યું હતું કે અત્યારે તો કોઈ પણ અટકળ કરી શકાતી નથી પરંતુ આઇપીએલ શક્ય બને તો ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાડવા અંગે આઇસીસીને સંકેત આપવામાં આવ્યો છે.

IPL ના રમાય તો ફ્રેન્ચાઇઝી નાણાં આપશે નહીં, ડોમેસ્ટિક ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાશે

કોરોના વાઇરસના કારણે જો બીસીસીઆઇ તેની આઇપીએલ ટી૨૦ લીગ સ્થગિત કરી દેશે તો સૌથી વધારે નુકસાન ભારતના ડોમેસ્ટિક ખેલાડીઓને થશે કારણ કે જો ટૂર્નામેન્ટ જ નહીં રમાય તો ફ્રેન્ચાઇઝી ટીમો તેના ખેલાડીઓને સેલેરી આપશે નહીં. આઇપીએલ ફ્રેન્ચાઇઝીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ટી૨૦ લીગનું પેમેન્ટ એવી રીતે થાય છે કે ટૂર્નામેન્ટ શરૂ થવાના એક સપ્તાહ પહેલાં ૧૫ ટકાની રકમ આપી દેવામાં આવે છે.

ટૂર્નામેન્ટ દરમિયાન ૬૫ ટકા રકમ આપવામાં આવે છે અને બાકીની ૨૦ ટકા રકમ ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ નિર્ધારિત સમયમાં આપી દેવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે બીસીસીઆઇના ચોક્કસ નિર્દેશ છે અને કોઈ પણ ખેલાડીને અત્યાર સુધી કશું આપવામાં આવ્યું નથી.

ઇન્ડિયન ક્રિકેટર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક મલ્હોત્રાએ કબૂલાત કરી હતી કે આઇપીએલની એક સિઝન રદ થાય તો આર્થિક અસર મોટી પડી શકે છે. આ સ્થિતિમાં ઘરઆંગણાના ખેલાડીઓને પણ સેલેરી કાપનો સામનો કરવો પડશે. એક અન્ય ફ્રેન્ચાઇઝીના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે મહામારી અંગે ખેલાડીઓની સેલેરીનો વીમો લેવામાં આવતો નથી. અમને વીમા કંપની પાસે કોઈ રકમ મળશે નહીં કારણ કે મહામારી વીમાની શરતોમાં સામેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન