સોનુ જાલનની પ્રોપર્ટી જાણીને થઇ જશે આંખો પહોળી... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સોનુ જાલનની પ્રોપર્ટી જાણીને થઇ જશે આંખો પહોળી…

સોનુ જાલનની પ્રોપર્ટી જાણીને થઇ જશે આંખો પહોળી…

 | 12:22 pm IST

થાણે એન્ટિ એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ IPL બેટિંગ કેસમાં પકડેલા જાણીતા બુકી સોનુ જાલન ઉર્ફ સોનુ મલાડની ગુનાખોરીની જિંદગીમાં પણ અનેક ટ્વિસ્ટ અને ટર્ન છે. એક જમાનામાં ફૂટપાથ પર સીમકાર્ડ વેચનાર સોનુ જાલન ત્યાર બાદ ખાચા કાર્ડ વેચતો થઈ ગયો હતો. અને એમાંથી થનારી અઢળક આવકનો આદી થઈ તેણે તેમાંથી જ ગુનેગારીના વિશ્વના એક પછી એક પગથિયા ચડતો ગયો. હાલ એ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ અડંરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો ખાસ સાગરીત મનાય છે. કાળા ધંધાની કાળી કમાણીમાંથી તેણે દુબઈમાં પણ બંગલો લીધો છે અને હાલ તે રૂપિયા 700 કરોડનો આસામી હોવાનું કહેવાય છે.

મલાડમાં બહુ જ સામાન્ય પરિવારમાં જન્મેલો સોનુ યોગન્દ્ર જાલને પહેલાં વિદેશથી આવતી કારક્લિપનો ધંધો કર્યો હતો, પણ તેમાં આગળ જતા ખોટ ખાધી એથી એ પછી તેણે મલાડમાં જ ફૂટપાથ પર સીમકાર્ડ વેચવાનું શરૂ કર્યું હતું, પણ એમાં તેને આડી લાઇન મળી ગઈ હતી. તે ખાચાકાર્ડ વેચતો થઈ ગયોે હતો. ખાચાકાર્ડ એ એવા કાર્ડ રહેતા કે જે ખાસ કરીને કાળાબજારિયાઓ અને ગુનાખોરી વિશ્વના લોકો વાપરતા. એ કાર્ડ ઓફિશિયલી બંધ થઈ ગયા હોય, પણ સિસ્ટમ નેટવર્કમાં ચાલુ હોય એટલે તેના પરથી કોલ કરી પણ શકાય અને આવી પણ શકે પણ તેનોે રેકોર્ડ ન હોય. એથી એ ખાચા કાર્ડ મેળવવા બે નંબરિયાઓ અનેક ગણા વધુ રૂપિયા ચૂકવતા. આમ ખાચાકાર્ડના ધંધામાં સોનુને અઢળક કમાણી થવા માંડી હતી. એટલું જ નહીં તે આ રીતે બે નંબરિયાઓના અને ગુનાખોરી ધરાવતા લોકોના સંપર્કમાં આવવા માંડયો હતો.

એક વાર એ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાળસકરના સાણસામાં આવી ગયો. તેણે ત્યાર પછી અંધારી આલમની માહિતી વિજય સાળસકરને આપવા માંડી અને એ રીતે એ પોલીસ ખબરી બની ગયો. એ વખતે ગુંડા અજય મિશ્રાની હત્યા થઈ હતી. સોનુએ સાલસકરને હત્યા સંદર્ભે માહિતી આપી અને એ સાક્ષી બની ગયો. એ જ સમય દરમિયાન એ અન્ય પોલીસ અધિકારીઓ પોટે અને ચૌગુલેના સંપર્કમાં પણ આવ્યો અને તેમને પણ માહિતી આપવા માંડયો, આમ અંધારી આલમ અને પોલીસ બંને સાથે તેનો ઘરોબો વધતો ગયો.

સટ્ટાબાજીમાં ચેલો ગુરુને અતિક્રમી ગયો
સોનુ એ પછી મલાડના બુકી પ્રીતેશ મલાડનાં સંપર્કમાં આવ્યો અને બહુ જલ્દી સટ્ટાબાજી શીખી ગયો અને બેટિંગ લેતો થઈ ગયો. ગુરુ પ્રીતેશ મલાડ સાથે મળી મેચ ફિક્સિંગમાં પણ તેણે હાથ અજમાવ્યો અને તેમાં પણ સફળ થયો. એક વખત એવો આવ્યો કે તે પ્રીતેશ કરતા વધુ પાવરફુલ થઈ ગયો. પ્રીતેશ સાથે ઝઘડો થતાં એ તેનાથી અલગ થઈ ગયો અને અન્ય બુકીઓ રાજેશ સાંઈ, રમેશ સોની અને જતિન ગોરેગાંવકર સાથે ધંધો કરવા માંડયોે. મેચ ફિક્સિંગ કરીને તે લાખોમાં આળોટતો થઈ ગયો અને બેટિંગની દુનિયામાં સોનુ મલાડ તરીકે કુખ્યાત થઈ ગયો.

કાળી કમાણીના પૈસા સૂરા અને સુંદરી પાછળ ઉડાડવા માંડયા
દાળ- ભાતમાં સાકર નાખીને ખાવાનો શોખીન સોનુના ગજવા સાંજ પડે રૂપિયાથી ફાટફાટ થવા માંડતા. એથી એ ત્યાર બાદ સૂરા અને સુંદરીના રવાડે ચડયો. દારૂ અને બારગર્લ પર રૂપિયાની છોળો ઉડાડવા માંડયો. અંધેરીના નાઇટ લવર્સ બારમાં એ અવારનવાર જતો અને ત્યાંજ તેને બારડાન્સર સિમરન સાથે પ્રેમ થઈ ગયો. તેણે સિમરન સાથે લગ્ન કર્યા અને તેનાંથી તેને બે દીકરીઓ પણ છે. સિમરનની એક મોબાઇલ વેચનાર સાથે દોસ્તી હતી જે તેને ખટકવા લાગી. આગળ જતા તેઓ છૂટા પડી ગયા અને એ મોબાઇલ વિક્રેતાની પણ હત્યા થઈ ગઈ. પોલીસને શક હતો કે એ હત્યા પાછળ સોનુનો હાથ હોઈ શકે પણ સોનુ સામે કોઈ પુરાવા નહોતા મળ્યા એટલે બચી ગયો. હાલમાં જ તેણે ગોરેગાવ દીંડોશીની વેસ્ટ ઇન હોટેલમાં તેની દીકરીના બર્થડેની ભવ્ય પાર્ટી આપી હતી. જેમાં બોલિવૂડ,પ્રશાસન,ક્રિકેટ અને બિલ્ડર લોબીના અનેક નાનામોટા લોકોએ હાજરી આપી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે બેટિંગ લેવાનું ચાલુ કર્યું
સટ્ટાબાજી સાથે સાથે તે પોલીસને અંડરવર્લ્ડની પણ ખબર આપતો રહેતો અને તેમની સાથે પણ સંબંધ જાળવતો. તેની આપેલી માહિતીના આધારે પોલીસે અનેક જગ્યાએ છાપા માર્યા હતા. તે એન્ટિ નાર્કોટિક સેલના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં હતો. ડ્ર્ગ્સના કન્સાઇન્મેન્ટ પકડાવી દેવામાં પણ એ મહત્ત્વની ભૂમિકા ભજવતો. તેને અમદાવાદના બુકી જેકે અમદાવાદની કેટલીક માહિતી મળી. એ માહિતી તેણે પોલીસને આપી દેતાં પોલીસે જેકે સામે મોટી કાર્યવાહી કરી હતી. જોકે એ પછી જેકે સાથે તેણે દોસ્તી કરી લીધી હતી. એટલું જ નહીં એની સાથે મળી મેચ ફિક્સિંગ કરવા માંડયા હતા. તેણે જેકે સાથે ઇન્ટરનેશનલ લેવલ પર સટ્ટો લેવાનું ચાલુ કરી બેટિંગની દુનિયાનું મોટું માથું બની ગયો. બેટિંગની વિગતો માટે ડાયરી મેન્ટેઇન કરતો થઈ ગયો, એ ડાયરીમાં કોડવર્ડ સાથે વિગતો લખાયેલી રહેતી.

મેચ ફિક્સ કરવામાં કાબેલ
સોનુ જાલને ભારત સહિત શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સાથે અનેક દેશોમાં મેચ ફિક્સ કરવા માંડી. દિલ્હીમાં જ્યારે અગ્રવાલ રેસિડેન્સિમાં છાપા પડયા ત્યારે ફરી એકવાર સોનુ પોલીસતરફી સાક્ષી બની ગયો. તેણે આ કમાણીમાંથી હવે એનું ફલક વિસ્તાર્યુ તેણે ઓસ્ટ્રેલિયામાં હોટેલ ખોલી. દાઉદ સાથે પણ રિયલ એસ્ટેટમાં રૂપિયા રોકવા માંડયા. મુંબઈના બિલ્ડરના છોકરા પાસે દુબઈમાં આલીશાન બંગલો બનાવડાવ્યો. કાંદિવલીમાં પણ એક રિયલ એસ્ટેટના મોટા પ્રોજેક્ટમાં તેણે નાણાં રોક્યા છે. તે અનેક બેનામી સંપત્તિઓ ધરાવે છે. તેણે અનેક બાબતો તેની ડાયરીમાં લખી રાખી છે, પણ એ માટે કોડવર્ડનું તાળું પણ રાખ્યું છે. પોલીસ હાલ એ કોડવર્ડ ખોલવાનો પ્રયાસ કરી રહી છે.

અરબાઝ ખાન અને પરાગ સંઘવીને પ્રાઇમ વિટનેસ બનાવાશે
થાણે પોલીસ હવે આ કેસમાં ફિલ્મ એક્ટર અરબાઝ ખાન અને નિર્માતા દિગ્દર્શક પરાગ સંઘવીને આ કેસમાં પ્રાઇમ વિટનેસ બનાવે એવી શક્યતા છે. બંને જણ મેજિસ્ટ્રેટ સામે તેમના સ્ટેટમેન્ટ આપે એવી શક્યતા છે. બંનેએ પોલીસ પૂછપરછમાં એમ કહ્યું છે કે તેઓ બુકી સોનુ જાલનને સારી રીતે ઓળખે છે, પણ તેના ધંધા સાથે તેમને કાંઈ લેવા દેવા નથી. પરાગ સંઘવીએ એમ કહ્યું છે કે પાંચ વર્ષ પહેલાં જૂહુની એક હોટેલમાં તેની ઓળખ થઈ હતી પણ જ્યારે તેને સોનુના બેટિંગના ધંધા વિશે જાણ થઈ ત્યારે તેણે તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા.

કોડવર્ડમાં થતી વાતચીત
સોનુએ તેની પૂછપરછમાં એક બિલ્ડરનું નામ પણ આપ્યું છે. જેની સાથે તેના ઘણા આર્થિક વ્યવહાર હતા. સોનુના ફોનમાંથી ઘણી વીડિયો ક્લિપ મળી છે. એક ક્લિપમાં એ બેટિંગ સંદર્ભે કોલકાતા જુનિયરના નામનો ઉલ્લેખ કરતો જોવા મળે છે. જ્યારે અન્ય એક ક્લિપમાં એ કોર્ડવર્ડમાં કહે છે કે એ 6 ટ્રક દિરહામની જગ્યાએ 8 ટ્રક દિરહામ (યુએઇનું ચલણ)આપશે. બીજી એક ક્લિપમાં એ કહે છે બુર્જ ખલિફા ખરીદી લો અને તેનું નામ બુર્જ સોનુફા કરી દો. બીજી એક ક્લિપમાં કહે છે નાણાંની 60 ટ્રક મોકલાવી રહ્યો છું કુવૈતમાં વહેંચી દેજો. પોલીસ તેની આ કોડ લેન્ગ્વેજ સમજવાનો પ્રયાસ કરી રહી છે.