આઈપીએલ આજે ઇન્સ્ટન્ટ ક્રિકેટનું વટવૃક્ષ બની ચૂક્યું છે  - Sandesh
  • Home
  • Columnist
  • આઈપીએલ આજે ઇન્સ્ટન્ટ ક્રિકેટનું વટવૃક્ષ બની ચૂક્યું છે 

આઈપીએલ આજે ઇન્સ્ટન્ટ ક્રિકેટનું વટવૃક્ષ બની ચૂક્યું છે 

 | 2:58 am IST

પ્રાસંગિક :  રમેશ દવે

ઈન્ડિયન પ્રીમિયર લિગ (IPL)ની ૧૨મી સિઝન રવિવારે રંગેચંગે પૂરી થઈ. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની ફાઇનલ કોઈનું પણ બ્લડપ્રેશર અને હાર્ટ બિટ વધારે તેવી હતી. અંગ્રેજીમાં આવી રોમાંચક અને થ્રિલિંગ ગેમને નેલ બાઇટિંગ ફિનીશ કહેવાય છે. કોઈને મલિંગાએ છેલ્લો બોલ નાંખ્યો ત્યાં સુધી મેચના પરિણામની ખબર નહોતી. ટી૨૦ ક્રિકેટની એ જ તો મજા છે. દરેક ઓવરનો દરેક બોલ અને પ્રત્યેક શોટ તમારી ઉત્તેજના વધારતા જાય અને મેચની છેલ્લી ઓવર નખાય ત્યાં સુધી તો તમે નખ કરડતા થઈ ગયા હો. બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઈન્ડિયા (BCCI)એ ઝાકમઝાળ મનોરંજન,  ઉત્તેજના (એક્સાઇટમેન્ટ)ના ત્રણ ઉદ્દેશ નજર સમક્ષ રાખીને જ આ ટી૨૦ ટૂર્નામેન્ટ શરૂ કરી હતી. કહેવું પડે કે આઈપીએલ એના આરંભથી આજ સુધીના ૧૨ વર્ષમાં એના ત્રણેય મુખ્ય ઉદ્દેશમાં ખરી ઊતરી છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે પોતાની કોલમમાં લખ્યું છે કે આઈપીએલ દર વર્ષે વધુ સારી અને મોટી ટૂર્નામેન્ટ બનતી જાય છે. એમાંય આ વખતની આઈપીએલની ૧૨મી સિઝન અત્યાર સુધીની બેસ્ટ ટૂર્નામેન્ટ હતી. આવું કહેવા માટે ગાવસકર પાસે કારણ છે. આ વર્ષની આઈપીએલમાં કેટલીક મેચો ૩૯મી ઓવરમાં અને ઘણી બધી મેચો છેલ્લી ૪૦મી ઓવરમાં અને છેલ્લા બોલે પૂરી થઈ હતી. ક્રિકેટપ્રેમીઓ એક ટૂર્નામેન્ટ પાસેથી આથી વધુ શું અપેક્ષા રાખી શકે? તમને દરેક બોલે સીટ પરથી ઊભા કરી દે એ જ સાચી ઇન્સ્ટન્ટ ક્રિકેટ છે. વાચકમિત્રોએ ટીવી પર જોયું હશે કે વીઆઈપી પેવેલિયનમાં ક્રિકેટરોની પત્નીના ચહેરા ઉપર પણ મેચ દરમિયાન એક્સાઇટમેન્ટ અને નર્વસનેસ સતત આવ-જા કરતી હતી. ઇવન કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પણ એમાંથી બાકાત નહોતી.

નવાઈની વાત એ છે કે ઇર્ષ્યા, આક્રોશ અને દ્વેષ જેવી નેગેટિવ લાગણીઓથી શરૂ થયેલી ટૂર્નામેન્ટ આજે ૧૦૦ ટકા પોઝિટિવ રિઝલ્ટ આપી રહી છે. ઝી ટીવીના સુભાષ ચન્દ્રએ લગભગ ૧૩ વર્ષ પહેલાં કપિલ દેવને પોતાના પાલામાં લઈને ઈન્ડિયન ક્રિકેટ લિગ (આઈસીએલ) શરૂ કરી હતી. આઈસીએલ ટી-૨૦ના ફોર્મેટમાં રમાવાની હતી અને એમાં જોડાવા ક્રિકેટરોને મોટી રકમ ઓફર કરાતી હતી. એટલે એક પછી એક સ્ટાર ક્રિકેટર આઈસીએલમાં જોડાવા લાગ્યા હતા. એ જોઈને બીસીસીઆઈના શરદ પવાર અને એન. શ્રી નિવાસન જેવા કર્તાહર્તાઓના પેટમાં ફાળ પડી હતી. એમને પોતાનો ગરાસ લૂંટાતો દેખાયો અને એમણે રાતોરાત આઈસીએલને ટક્કર આપે એવી ટૂર્નામેન્ટ શરૂ કરવાનું નક્કી કરી લીધું. એમાંથી આઈપીએલનો જન્મ થયો. બીજા શબ્દોમાં કહીએ તો આઈપીએલ આઈસીએલની નકલ હતી અને અસલ કરતાં નકલ એકદમ હિટ થઈ ગઈ. જ્યારે મૂળ ટૂર્નામેન્ટને બહુ ટૂંકા ગાળામાં તાળાં લાગી ગયા હતા. એમ કહેવાય છે કે આવેશ અને દ્વેષ સાથે શરૂ થયેુલં સાહસ કદી સફળ ન થાય. એટલા માટે કે એમાં પૂરેપૂરો નેગેટિવ ભાવ હોય. કહેવું પડે કે આઈપીએલએ ઉક્ત માન્યતાને ખોટી પાડી છે.  આઈપીએલને ટૂંકા ગાળામાં જ ધારી સફળતા મળતા ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવા દેશો પણ ઇન્સ્ટન્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપ યોજવા લલચાયા છે. ભારતમાં મહિલા ક્રિકેટરોની ટી-૨૦ ટૂર્નામેન્ટ પણ રમાતી થઈ છે. એ ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક, મુંબઈ અને હવે સૌરાષ્ટ્રમાં પણ જુદા જુદા નામે ટી-૨૦ ટૂર્નામેન્ટ્સ રમાઈ રહી છે. પરંતુ એ પૈકી કોઈને આઈપીએલ જેટલું મહત્ત્વ નથી મળ્યું. આજે દુનિયા આખીમાં આપીએલના નામના સિક્કા પડે છે. બીજું, એના જેટલી ઝાકમઝાળ અને ગ્લેમર પણ બીજી કોઈ ક્રિકેટ લીગના ફાળે નથી આવતી. ટૂંકમાં, આઈપીએલ ઇન્સ્ટન્ટ ક્રિકેટનું વટવૃક્ષ બની ચૂક્યું છે. આજે વિશ્વનો કોઈ એવો મોટો ક્રિકેટર નથી જે આઈપીએલમાં રમવાની ઓફર ઠુકરાવે. એમાં પૈસાની સાથે પ્રેસ્ટિજ પણ મળે છે. એટલે જ શાહરુખ ખાન, જુહી ચાવલા, નીતા મુકેશ અંબાણી, પ્રીટી ઝિન્ટા, નેસ વાડિયા, વિજય માલ્યા અને

એન. શ્રીનિવાસન જેવા મોટા નામોમાંથી કોઈએ આઈપીએલની ફ્રેન્ચાઇઝીમાંથી પોતાનો હિસ્સો વેચી નાંખી બહાર પડવાનું કદી વિચાર્યું નથી. જોવાની વાત એ છે કે પ્રેમીઓમાંથી વેરીઓ બનેલા પ્રીટી ઝિન્ટા અને નેસ વાડિયા આજે પણ કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિકો છે. આઈપીએલના સંચાલન બાબતમાં જ આ બંને લવબર્ડ્સ વચ્ચે વિખવાદ થયો હતો. એમાંથી મામલો પહેલાં પોલીસ સ્ટેશને અને પછી કોર્ટમાં ગયો હતો. બંને વચ્ચેની કડવાશમાં કશું બાકી નહોતું રહ્યું અને છતાં ફ્રેન્ચાઈસીમાંથી બંનેમાંથી કોઈ ખસ્યું નહીં.  આઈપીએલમાં પહેલી વાર ફ્રેન્ચાઇઝીઓ માટે નેશનલ ઇન્ટરનેશનલ ક્રિકેટરોનું ઓક્શન (લિલામી) યોજાયું ત્યારે એવી સારી એવી ટીકા થઈ અને મજાક પણ ઉડાવાઈ. ક્રિકેટ સમીક્ષકોએ તો ત્યાં સુધી કહ્યું કે ક્રિકેટરો હવે બિકાઉ બની ગયા છે અને આ ગેમ હવે વેપાર બની ગઈ છે. ક્રિકેટ બોર્ડ ઉપર પણ સારા એવા માછલાં ધોવાયા હતા. બાર વર્ષ પછી આજે એમાંનું કાંઈ જોવા નથી મળતું. સફળતા ભલભલાના મોઢા બંધ કરી દે છે. નથિંગ સકસિડ્સ લાઇક સક્સેસ. એકલી સફળતા તમામ ટીકાઓનો જવાબ બની રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન