IPL2020, Delhi vs Chennai, Sharjah, Delhi Capitals won by 5 wkts
  • Home
  • Sports
  • Cricket
  • શિખર ધવનની IPL કરિયરમાં પહેલી સદી, CSK સામે DCનો 5 વિકેટે શાનદાર વિજય

શિખર ધવનની IPL કરિયરમાં પહેલી સદી, CSK સામે DCનો 5 વિકેટે શાનદાર વિજય

 | 7:07 pm IST

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL2020)ની 13મી સીઝનની 34મી મેચ શારજાહ ખાતે રમાઈ. જે દિલ્હી કેપિટલ્સ(DC) અને ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK) વચ્ચે રમાઈ. ટોસની વાત કરીએ તો ધોનીની ટીમ સીએસકેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા. ત્યારે દિલ્હીએ પણ શિખર ધવન અને અક્ષર પટેલની ધમાકેદાર બેટિંગના મદદથી 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા અને મેચ 5 વિકેટથી જીતી.

ફાફ ડુ પ્લેસીસે અડધી સદી ફટકારી:

ટોસ જીતી પહેલા બેટિંગ કરતા સીએસકેની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા છે. સીએસકેની શરૂઆત સારી ન થઈ. ઓપનર બેટ્સમેન સેમ કુરેન ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ભેગો થયો. પરંતુ ત્યાર બાદ ફાફ ડુ પ્લેસિસે અને શેન વોટ્સને સારું પ્રદર્શન કર્યું. બંને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ. શેન વોટ્સેન 28 બોલમાં 36 રન બનાવી આઉટ થયો. તેણે ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા. વોટસનની વિકેટ નોર્તજે એ લીધી.

રાયડુ અને જાડેજા વચ્ચે 50 રનની ભાગીદારી:

ત્યાર બાદ ફાફ ડુ પ્લેસિસની વિકેટ પડી. તેણે અડધી સદી ફટકારતા 47 બોલમાં 58 રન બનાવ્યા. જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. ત્યાર પછી કેપ્ટન ધોની તરીકે સીએસકેને ચોથો ઝટકો લાગ્યો. ધોનીએ એકવાર ફરી ફેન્સને નિરાશ કર્યા. તે માત્ર 3 રન બનાવી પેવેલિયન ભેગો થયો. જ્યારે અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 50 રનની ભાગીદારી થઈ. રાયડુએ 25 બોલમાં 45 રન બનાવ્યા. જેમાં 1 ચોગ્ગો અને 4 છગ્ગા સામેલ છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ માત્ર 13 બોલમાં 33 રન ફટકાર્યા. જેમાં 6 છગ્ગા સામેલ છે. રાયડુ અને જાડેજા અંત સુધી અણનમ રહ્યા. આમ, સીએસકેએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા.

એનરિચ નોર્તજેએ 2, દેશપાંડે અને રબાડાએ 1-1 વિકેટ લીધી:

દિલ્હીની બોલિંગની વાત કરીએ તો એનરિચ નોર્તજેએ 4 ઓવરમાં 44 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે તુષાર દેશપાંડેએ 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી. આ સિવાય કગિસો રબાડાએ 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ ઝડપી. રબાડાએ 1 ઓવર મેડન પણ નાંખી હતી. જ્યારે અક્ષર પટેલે પણ સારી બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા. જોકે, તે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો. દિલ્હીને મેચ જીતવા 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

દિલ્હીની ખરાબ શરૂઆત, પૃથ્વી શો ઇનિંગની બીજી જ બોલે આઉટ થયો:

180 રનના લક્ષ્યનો પીછો કરતી દિલ્હી કેપિટલ્સ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. પૃથ્વી શો એકવાર ફરી ફેલ રહ્યો. તે ઇનિંગની બીજી જ બોલે ખાતું ખોલ્યા વગર આઉટ થયો. પૃથ્વીની વિકેટ દીપક ચહરે લીધી. ત્યાર બાદ માત્ર 26 રનના સ્કોર પર દિલ્હીને બીજો ઝટકો લાગ્યો. આજિંક્ય રહાણે 8 રન બનાવી પેવેલિયન ભેગો થયો. તેની વિકેટ પણ ચહરે લીધી. ત્યાર બાદ શ્રેયસ અય્યર અને શિખર ધવન વચ્ચે 68 રનની ભાગીદારી થઈ. અય્યર 23 બોલમાં 23 રન બનાવી બ્રાવોની બોલ પર કેચ આઉટ થયો.

શિખર ધવનની શાનદાર પહેલી સદી, અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ:

ત્યાર બાદ માર્કસ સ્ટોઇનિસની વિકેટ પડી તે 14 બોલમાં 24 રન બનાવી આઉટ થયો. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. જ્યારે એલેક્સ કેરીએ 4 રન જ બનાવ્યા અને તે સેમ કુરેનની બોલ પર કેચ આઉટ થયો. ત્યાર બાદ અક્ષર પટેલે વિસ્ફોટક બેટિંગ કરી 3 છગ્ગાની મદદથી માત્ર 5 બોલમાં 21 રન ફટકાર્યા. શિખર ધવનની વાત કરીએ તો તેણે આજે જબરદસ્ત બેટિંગ પ્રદર્શન કર્યું. તેણે આઈપીએલ કરિયરની પહેલી સદી ફટકારી. ધવને 58 બોલમાં 101 રન બનાવ્યા. જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. ધવન અને અક્ષર પટેલ અંત સુધી અણનમ રહ્યા. આમ, દિલ્હીએ 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા અને મેચ 5 વિકેટે પોતાના નામે કરી.

દિપક ચાહરે 2, સેમ કુરેન, ઠાકુર અને બ્રાવોએ 1-1 વિકેટ લીધી:

સીએસકેના બોલર્સની વાત કરીએ તો આજે દિપક ચાહરે સારી બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી. ચાહરે એક ઓવર મેડન પણ કાઢી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી અને ડ્વેન બ્રાવોએ પણ 3 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ ઝડપી. આ સિવાય અન્ય કોઈ બોલર વિકેટ લેવામાં સફળ ન થયો. પોઇન્ટ ટેબલની વાત કરીએ તો આ મેચ બાદ દિલ્હી કેપ્ટિલ ટેબલમાં ટોચ પર છે. જ્યારે ધોનીની સીએસકે ટીમ 6 ક્રમાંકે આવી છે.

પ્લેઇંગ ઇલેવન:

CSK ટીમ:

મહેન્દ્રસિંહ ધોની(C&WK), અંબાતી રાયડુ, ફાફ ડુ પ્લેસીસ, શેન વોટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવિદ્ર જાડેજા, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, સેમ ક્યુરેન, કર્ણ શર્મા.

DC ટીમ:

શ્રેયસ અય્યર(કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, કગીસો રબાડા, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, એનરિક નાર્તજે, એલેક્સ કેરી(વિકેટકીપર), તુષાર દેશપાંડે, માર્કસ સ્ટોઇનિસ

આ વીડિયો પણ જુઓ: અબડાસા બેઠકને લઇ ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન