IPL2020, RRvsRCB, Royal Challengers Bangalore won by 7 wkts
  • Home
  • Sports
  • Cricket
  • કોહલી, ડી વિલિયર્સની વિસ્ફોટક બેટિંગ, રાજસ્થાન રોયલ્સ સામે RCBનો 7 વિકેટે દમદાર વિજય

કોહલી, ડી વિલિયર્સની વિસ્ફોટક બેટિંગ, રાજસ્થાન રોયલ્સ સામે RCBનો 7 વિકેટે દમદાર વિજય

 | 4:08 pm IST

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL2020)ની 13મી સીઝનની 33મી મેચ દુબઈ ખાતે રમાઈ. જે રાજસ્થાન રોયલ્સ(RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) વચ્ચે રમાઈ. ટોસની વાત કરીએ તો રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોટિંગ કરવા નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા છે. જ્યારે 178 રનના લક્ષ્યનો પીછો કરતા આરસીબીનું બેટિંગ પ્રદર્શન જબરદસ્ત રહ્યું. પડિક્કલ, કોહલી અને ડી વિલિયર્સની બેટિંગના કારણે આરસીબીએ 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા અને મેચ 7 વિકેટે જીતી. 

રોબિન ઉથપ્પાએ રાજસ્થાન માટે કરી ઓપનિંગ:

આજની મેચમાં રાજસ્થાનને મોટો ફેરફાર કર્યો. ટીમ માટે બેટીંગની શરૂઆત મીડિયમ ઓર્ડરમાં બેટિંગ કરતા ખેલાડી રોબિન ઉથપ્પાએ કરી. તે બેન સ્ટોક્સ સાથે ઓપનિંગ કરવા ક્રીઝ પર આવ્યો. બંને વચ્ચે 50 રનની ભાગીદારી થઈ. રાજસ્થાનની પહેલી વિકેટ બેન સ્ટોક્સ તરીકે પડી. તેણે 19 બોલમાં 15 રન બનાવ્યા. જ્યારે રોબિન ઉથપ્પા 41 રનની શાનદાર ઇનિંગ રમી આઉટ થયો. તેણે 22 બોલમાં 41 રન બનાવ્યા. ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. જોકે, રોબિન ઉથપ્પા અડધી સદી ચૂક્યો છે.

 સ્મિથ અને બટલર વચ્ચે 58 રનની ભાગીદારી:

સંજૂ સેમસન પણ માત્ર 9 રન બનાવી પેવેલિયન ભેગો થયો છે. તેની વિકેટ ચહલે લીધી. જ્યારે રોબિન ઉથપ્પાને પણ યુઝવેન્દ્ર ચહલે આઉટ કર્યો. બેન સ્ટોકની વિકેટ ક્રિસ મોરિસે લીધી. ત્યાર બાદ કેપ્ટન સ્ટિવન સ્મિથ અને જોસ બટલર વચ્ચે 58 રનની સારી ભાગીદારી થઈ. જોસ બટલર 25 બોલમાં 24 રન બનાવી આઉટ થયો. તેને ક્રિસ મોરિસે આઉટ કર્યો. જ્યારે સ્ટિવન સ્મિથે અડધી સદી પૂરી કરી. તે 36 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 57 રન બનાવી આઉટ થયો. સ્મિથને પણ મોરિસે જ આઉટ કર્યો. ત્યાર બાદ રાહુલ તેવતિયા(19*) અંત સુધી અણનમ રહ્યો. જ્યારે જોફ્રા આર્ચર(2) ઇનિંગની છેલ્લી બોલે આઉટ થયો. આમ, રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા.

ક્રિસ મોરિસે 4 વિકેટ ઝડપી, ચહલના ખાતામાં 2 વિકેટ:

આરસીબીના બોલર્સની વાત કરીએ તો આજે ક્રિસ મોરિસે ઝંઝાવાતી બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી. આ સિવાય અન્ય કોઈ બોલર વિકેટ લેવામાં સફળ ન થયો. આરસીબીને મેચ જીતવા 178 રનનો ટાર્ગેટ મળ્યો છે.

કેપ્ટન કોહલી અને પડિક્કલ વચ્ચે 79 રનની ભાગીદારી:

રાજસ્થાન તરફથી મળેલા 178 રનના ટાર્ગેટનો પીછો કરતા આરસીબીનું બેટિંગ પ્રદર્શન આજે જબરદસ્ત રહ્યું. કેપ્ટન કોહલી અને એબી ડી વિલિયર્સની ધમાકેદાર બેટિંગના કારણે ટીમે આ મેચ 7 વિકેટથી જીતી. આરસીબીની ઇનિંગની વાત કરીએ તો પહેલી વિકેટ એરોન ફિંચ તરીકે પડી. તે 14 રન બનાવી આઉટ થયો. ત્યાર બાદ દેવદત્ત પડિક્કલ 37 બોલમાં 35 રન બનાવી આઉટ થયો. ફિંચને શ્રેયસ ગોપાલ અને પડિક્કલને રાહુલ તેવતિયાએ આઉટ કર્યા.

ડી વિલિયર્સની વિસ્ફોટક બેટિંગ:

ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ પડી. તેણે 32 બોલરમાં 43 રન બનાવ્યા. કોહલીએ ઇનિંગમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકાર્યા. કોહલી અને પડિક્કલ વચ્ચે 79 રનની ભાગીદારી થઈ. કોહલીની વિકેટ પડ્યા બાદ ડી વિલિયર્સે ધમાકેદાર બેટિંગ શરૂ કરી. તેણે 22 બોલમાં 55 રન બનાવ્યા અને અડધી સદી પૂરી કરી. ડી વિલિયર્સ મેચના અંતે અણનમ રહ્યો. ડી વિલિયર્સે ઇનિંગમાં 6 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. જ્યારે ગુરકીરતસિંહ માન 19 રન બનાવ્યા નાબાદ રહ્યો. આમ, આરસીબીએ 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા.

રાજસ્થાનની બોલિંગ ફેલ રહી:

રાજસ્થાનની બોલિંગની વાત કરીએ તો આજે તેવતિયા સિવાય લગભગ તમામ બોલર્સની આરસીબીના બેટ્સમેનોએ ધોલાઈ કરી. રાહુલ તેવતિયાએ 4 ઓવરમાં 7.50ની એવરેજથી રન આપ્યા અને 1 વિકેટ પણ લીધી. તેવતિયા સિવાય શ્રેયસ ગોપાલ અને કાર્તિક ત્યાગીએ 1-1 વિકેટ લીધી. જ્યારે સ્ટાર બોલર જોફ્રા આર્ચરે આજે ફેન્સને નિરાશ કર્યા. તેણે 3.8 ઓવરમાં 10.40ની સરેરાશથી 38 રન આપ્યા. જ્યારે જયદેવ ઉનાડકટે 4 ઓવરમાં 46 રન આપ્યા. પોઇન્ટ ટેબલની વાત કરીએ તો આ મેચ બાદ આરસીબી ત્રીજા ક્રમાંકે આવ્યું છે. જ્યારે રાજસ્થાનની ટીમ 8માં ક્રમાંકે પટકાઈ છે.

પ્લેઇંગ ઇલેવન:

RR ટીમ:
બેન સ્ટોક્સ, જોસ બટલર(વિકેટકીપર), સ્ટીવ સ્મિથ(કેપ્ટન), સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાયન પરાગ, રાહુલ તેવાતીયા, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનાડકટ, કાર્તિક ત્યાગી.

RCB ટીમ:
એરોન ફિંચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી(કેપ્ટન), એબી ડી વિલિયર્સ(વિકેટકીપર), ગુરકીરતસિંહ માન, વોશિંગ્ટન સુંદર, ક્રિસ મોરિસ, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ

આ વીડિયો પણ જુઓ: સુરતમાં હીરા ઉદ્યોગ લોકડાઉન બાદ ફરીથી પાટે ચઢ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન