Unintentionally Shot Down Ukrainian Passenger Plane Jetliner Because Of Human Error :Iran
  • Home
  • Featured
  • 176 લોકો ભરેલા વિમાનને તોડી પાડ્યાને લઈને ઈરાને કર્યો સનસની ખુલાસો, દુનિયા સ્તબ્ધ

176 લોકો ભરેલા વિમાનને તોડી પાડ્યાને લઈને ઈરાને કર્યો સનસની ખુલાસો, દુનિયા સ્તબ્ધ

 | 10:53 am IST

તેહરાનથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ તોડી પાડવામાં આવેલા યૂક્રેનના પેસેન્જર વિમાનની જવાબદારી ઈરાને લીધી છે. ઈરાનની સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ઈરાનની મિસાઈલોએ જ ભૂલથી વિમાનને નિશાન બનાવ્યું હતું. આ અકસ્માતમાં 176 નિર્દોષ લોકોના મોત થયા છે.

મૃતકોમાં સૌથી વધારે કેનેડા અને ઈરાનના નાગરિકો હતા. અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પહેલાથી જ ઈરાને જ વિમાન તોડી પાડ્યુ હોવાનું કહ્યું હતું.

ઈરાને આજે સ્વિકાર્યુ છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી હતી. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવિય ભૂલ ગણાવવામાં આવી છે. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બંને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું, પરંતુ શનિવારે સવારે ઈરાની સરકારે ભૂલ સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં 176 લોકોના મોત થયા હતા.

ટ્રુડો અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનના દાવા પછી સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ વાયરલ થયો હતો. તેમાં યુક્રેનના વિમાનને મિસાઈલથી અથડાયા પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયેલું પણ જોવા મળ્યું હતું. વિમાન બોઈંગ 737-800 ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ ઈમામ ખોમેની એરપોર્ટથી થોડે દૂર તેનો કાટમાળ જોવા મલ્યો હતો. મૃતકોમાં 63 કેનેડાના નાગરિકો અને તે સિવાય 82 ઈરાની, 11 યુક્રેનના, 10 સ્વિડિશ અને જર્મની-બ્રિટનના 3-3 નાગરિકોના મોત થયા છે.

અમેરિકાએ રશિયા પર મઢ્યો આરોપ

આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઓફિસર્સ સાથે બેઠકમાં શંકા વ્યક્ત કરી હતી કે યુક્રેનનું બોઈંગ-737 ઈરાની મિસાઈલ સાથે અથડાવાના કારણે પડ્યું છે. બેઠકમાં અધિકારીઓએ કહ્યું છે કે, ઈરાને ભૂલથી પેસેન્જર વિમાન પર રશિયામાં બનેલી મિસાઈલથી હુમલો કર્યો છે.

અમેરિકા અને કેનેડાએ અગાઉ જ કહી દીધુ હતું કે ઈરાનની મિસાઈલથી તૂટ્યું વિમાન

અમેરિકા બાદ કેનેડાએ પણ યુક્રેનના મુસાફર વિમાન ક્રેશ અકસ્માતમાં ઈરાનનો હાથ હોવાની વાત કરી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે અનેક ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈરાનના મિસાઈલ એટેકથી જ યુક્રેનનું વિમાન ક્રેશ થયું છે. તેમણે એમ પણ કહ્યું કે આ ઈરાન દ્વારા ‘અજાણતા થયેલી ભૂલ’ જણાઈ રહી છે. અત્રે જણાવવાનું કે તેહરાન નજીક બુધવારે થયેલા વિમાન અકસ્માતમાં 176 લોકોના મોત થયા હતાં. જેમાં કેનેડાના 63 નાગરિકો પણ માર્યા ગયા હતાં. આ બાજુ ઈરાને વિમાન પર મિસાઈલ એટેકના દાવાને ફગાવતા કેનેડાને ઈન્ટેલિજન્સ રિપોર્ટ શેર કરવાનું જણાવ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : વડોદરામાં ઓક્સિજન કંપનીના સંચાલકો હજુ ઘટના સ્થળે નથી આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન