ઇરાન ટ્રમ્પના ભારત-પ્રશાંતસાગર વ્યૂહને વેરવિખેર કરી શકે છે - Sandesh
  • Home
  • Columnist
  • ઇરાન ટ્રમ્પના ભારત-પ્રશાંતસાગર વ્યૂહને વેરવિખેર કરી શકે છે

ઇરાન ટ્રમ્પના ભારત-પ્રશાંતસાગર વ્યૂહને વેરવિખેર કરી શકે છે

 | 2:19 am IST

ઓવર વ્યૂ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટીકાકારો તેમની વિદેશનીતિની હંમેશાં આલોચના કરતા રહે છે. અમેરિકી સત્તાનો ઉદઘોષ કરવા અમેરિકા હંમેશાં પોતાની સૈન્ય તાકાતને થોડો સમય કામે લગાડવા પર પસંદગી ઉતારતું આવ્યું છે, જ્યારે ટ્રમ્પ તેને બદલે આર્થિક ગિયર બદલીને કામ ચલાવતા જોવા મળ્યા છે. તેમના આલોચકો આ વાતે તેમની ટીકા કરતા રહે છે. પરંતુ ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ખતમ કરવાના આદેશ આપીને ટ્રમ્પે પોતાના ટીકાકારોને ક્લીન બોલ્ડ કરી દીધા છે. જનરલ સુલેમાની દેશના બીજા ક્રમના સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા.

ઇરાન આમ તો ભારતનું પાડોશી છે. ૧૯૪૭ સુધી ભારત અને ઇરાન એક જ સરહદ ધરાવતા હતા, પરંતુ નવા વર્ષના આરંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવો ચીલો શરૂ કર્યો ત્યારે ઇરાન તેમના માનસમાં નહોતું. વડા પ્રધાન મોદીએ ઉપખંડમાં શાંતિ અને સમૃદ્ધિના મુદ્દે ચર્ચા કરવા નૂતન વર્ષના પ્રથમ દિવસે વિરોધભાવ ધરાવતા પાકિસ્તાન અને ચીન એમ બે દેશને બાદ કરતા બાકીના તમામ પાડોશી દેશોના નેતાઓને ફોન કર્યો હતો.

મોદીએ પાકિસ્તાન અને ચીનને બાકાત રાખવાની ઘટના આમ તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબની નહોતી. પરંતુ બંને દેશો વચ્ચેની સાઠગાંઠને કારણે પ્રાદેશિક શાંતિ પર તોળાતા રહેતા જોખમને પ્રકાશમાં લાવવા કદાચ તેમની બાદબાકી કરવામાં આવી હતી. આમ તો ચીન પોતે ભારત-પ્રશાંત સાગરના પ્રદેશો સુધી કાયદા અને ધારધોરણોને પડકારતું રહે છે. પરંતુ સુલેમાનીની હત્યાને પગલે ઇરાન-અમેરિકા વચ્ચે સર્જાયેલી તંગદિલી ભારતના સુરક્ષા હિતો અને ઇરાનના અખાતના માર્ગે થતી તેલ અને ગેસ ખરીદીઓને પણ પ્રભાવિત કરી શકે છે.

આ મુદ્દે જરા વ્યાપક રીતે કરવામાં આવે તો સુલેમાનીની હત્યાને પગલે અમેરિકા અને ઇરાન વચ્ચે સર્જાનારી સંઘર્ષભરી સ્થિતિ અમેરિકાને તેના ભારત-પ્રશાંત સાગર પ્રદશના વ્યૂહાત્મક લક્ષ્યાંકોથી ચલિત પણ કરી શકે છે. સુલેમાનીની હત્યાને પગલે ઇરાન વળતો જવાબ આપવા પોતાની તમામ તાકાતનો ઉપયોગ કરીને પશ્ચિમ એશિયામાં સક્રિય બની શકે છે. અમેરિકા-ઇરાન વચ્ચેનો સંઘર્ષ આપોઆપ ચીનને વ્યૂહાત્મક એડવાન્ટેજની સ્થિતિમાં મૂકી દેશે. બે વર્ષ પહેલાં ટ્રમ્પ વહીવટીતંત્રે ‘મુક્ત અને ખુલ્લા ભારત-પ્રશાંંત’ના વ્યૂહ સાથે આગેકૂચ કરી ત્યારે ભારતને અનેક આશા બંધાણી હતી. એવું લાગતું હતું કે તે હિલચાલ બરાક ઓબામાના ‘પિવોટ ટુ એશિયા’ વ્યૂહને પૂરક હતી. જોકે ઓબામાના વ્યૂહો નક્કર પગલાં નહોતાં લઇ શક્યાં.

ચીનની વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાઓને વળતા જવાબરૂપે જ અમેરિકાએ ઇન્ડો-પેસિફિક જેવા વિશાળ ફલક પર મીટ માંડી હતી. ચીને દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ ટાપુઓ પર સૈન્ય મથકો ઊભા કરીને હિંદ મહાસાગર અને પશ્ચિમ પ્રશાંત સાગર પર ધ્યાન કેન્દ્રિત કરતાં અમેરિકાએ તેના વળતા જવાબરૂપે ઇન્ડો-પેસિફિક પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ટ્રમ્પ વહીવટીતંત્રને હજી પોતાની એફ.ઓ.આઇ.પી. નીતિને વ્યૂહાત્મક ઢોળ ચઢાવવાનો બાકી છે. ટોક્યોની જેમ અમેરિકી વહીવટીતંત્ર હજી એફ.ઓ.આઇ.પી. નીતિ કોઇ વ્યૂહાત્મક નીતિ હોવાનું કહી નથી રહ્યું. સુલેમાની હત્યા પછી કદાચ એવું બની શકે કે ઓબામાની પિવોટ એશિયા નીતિની જેમ જ ટ્રમ્પ વહીવટીતંત્રની એફ.ઓ.આઇ.પી. નીતિ કદાચ ગતિ પકડવામાં નિષ્ફળ જશે. ઇરાન સાથેની તંગદિલી અમેરિકાને તેની એફ.ઓ.આઇ.પી. નીતિને વાસ્તવિકતાનો ઓપ આપવા નહીં દે આ નીતિ માત્ર શબ્દો સુધી જ સીમિત બની રહેશે.  ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન પ્રતિની અમેરિકી નીતિઓમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. ચીનના વિસ્તારવાદ સામે અમેરિકી નેતૃત્વ વિશ્વસનીય પડકાર ઊભો કરવા પ્રતિબદ્ધ બને તે જરૂરી છે, પરંતુ સાથોસાથ અન્ય લોકશાહી દેશોની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની છે. આ સંદર્ભમાં આસામમાં સર્જાયેલી અશંતિને પગલે શિન્જો અબેએ પોતાની ભારત મુલાકાતને મુલતવી રાખી તે બાબત ચીનને ખુશ કરશે. ગુવાહાટીમાં યોજાનારી મોદી-અબે શિખર અને તે પછી બંને નેતાઓ દ્વારા મણિપુર ખાતે ઊભા થયેલા પીસ મ્યુઝિયમની લેવાનારી મુલાકાત તે બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાની ઇમ્પિરિયલ આર્મી અને મિત્ર દેશોની સેના વચ્ચે ઇમ્ફાલમાં થયેલા યુદ્ધની તવારીખની યાદ તાજી કરશે. તે રાહે પૂર્વોત્તર પ્રદેશ બાકીના એશિયા સાથે ભારતને કઇ રીતે સાંકળે છે તે પણ ઉજાગર થશે.  આસામ હિંસા ટૂંકાગાળા માટે જ સામે આવી પરંતુ તેને કારણે ચિંતામાં મુકાઇ ગયેલી જાપાની કંપનીઓ ભારતના પૂર્વોત્તર પ્રદેશમાં રોકાણ કરવાથી દૂર રહેવા લાગી. ચીનને આ બાબત પણ ખુશ કરી શકે છે. ચીન નથી ઇચ્છતું કે તે પ્રદેશમાં કોઇ વિદેશ રોકાણ થાય. આ સ્થિતિમાં વિશ્વની લોકશાહી સત્તાઓ દ્વિપક્ષીય કે ત્રિપક્ષીય સહભાગિતા ઊભી કરે તો જ આવનારા વર્ષોમાં ફ્રી એન્ડ ઓપન ઇન્ડો – પેસિફિકનું સપનું સાકાર થઇ શકે તેમ છે. અમેરિકી વિદેશ નીતિ મુસ્લિમ વિશ્વમાં ફરી જકડાઇ ના જાય તો જ આવું સંભવ બની શકે તેમ છે. ટ્રમ્પના બે પુરોગામી પ્રમુખોએ ઔઇસ્લામિક વિશ્વમાં હસ્તક્ષેપ કર્યા સાથે જ ચીનની તાકાતનો ઉદય થયો હતો. હવે ઇરાનની સામે પડીને ટ્રમ્પ પણ કદાચ ચીન પરનું દબાણ ઘટાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;