વૈશ્વિક સમસ્યાનો ઉપાય છે ગાંધીવાદ - Sandesh
  • Home
  • Columnist
  • વૈશ્વિક સમસ્યાનો ઉપાય છે ગાંધીવાદ

વૈશ્વિક સમસ્યાનો ઉપાય છે ગાંધીવાદ

 | 2:05 am IST

બર્નિંગ ઈશ્યૂ

વર્ષ ૧૯૯૬માં યુનેસ્કો દ્વારા આયોજિત એક સંમેલનમાં વિશ્વ સમક્ષની સમસ્યાઓ પર ઊંડી ચર્ચા વિચારણાને અંતે એ વાત સામે આવી કે તમામ દેશો પ્રગતિ અને વિકાસની સાચી સમજને પામવા ઝઝૂમી રહ્યા છે. આમેય વિશ્વમાં એવો કોઇ દેશ નથી કે જેની સામે આર્થિક સમસ્યા જેવો કોઇ મુદ્દો ના હોય. તેવી જ રીતે તમામ દેશો કોઇને કોઇ પ્રકારના નૈતિક સંકટનો સામનો કરી રહ્યા છે. વીતેલા ૫૦ વર્ષમાં ઘણુંબધું બદલાઇ ગયું છે. વૈશ્વિક સમસ્યાઓના નિર્ધારણ અને તેના સમાધાનની પ્રાથમિકતાને અલગ અલગ રૂપે જોવામાં આવે છે અને સમજવામાં આવે છે. પરંતુ ઉપરોક્ત ત્રણેય મુદ્દાનો નિકાલ થઇ ગયો હોય તેવું ઉદાહરણ આપતો દેશ એકપણ નથી.

આજના સંદર્ભમાં જળવાયુ પરિવર્તન અને તેની સાથે સંકળાયેલા અનેક મુદ્દા સમસ્યા બનીને સામે આવી રહ્યા છે. જળ અને વાયુની અલગ અલગ સ્થિતિ પણ વિકટ હોય છે. મનુષ્ય અને પ્રકૃતિના સંબંધ સતત છિન્નભિન્ન થઇ રહ્યા છે. સુધરવાના ઉપાય અપૂરતા છે. વિકસિત દેશો સહયોગ આપવા આનાકાની કરી રહ્યા છે. તેની સાથે જ હિંસા, યુદ્ધ, આતંક, બિનસલામતી, અવિશ્વાસ કરોડો લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. મનુષ્ય અને પ્રકૃતિના પારસ્પરિક સંબંધ તહસનહસ થઇ રહ્યા છે. દરેક ચર્ચામાં સમસ્યાની યાદી લંબાતી જ જતી હતી. આપણી સમક્ષ એ પણ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ૨૧મી સદીના બે દાયકા વીત્યા પછી પણ ભૌતિકવાદ તરફની દોડમાં ઘટાડો નથી થયો. પરિણામસ્વરૂપ અનેક દેશ હિંસા અને હથિયારોના ખડકલાને વિકાસ અને પ્રગતિનો પર્યાય માનતો જાય છે અને તેને વધારવામાં જ લાગેલો રહે છે.

આ સમયે વિશ્વમાં સામાજિક સહયોગની ભાવના પણ બદલાઇ રહી છે. યુરોપના અનેક દેશો કે જે દેશો એક જાતિ, ધર્મ અને ભાષાથી સદીઓથી પરિચિત છે, આજે મોટા પરિવર્તનો તરફ આગળ વધી રહ્યા છે. વસતી, સંસ્કૃતિ, ભાષા, રંગ, ધર્મ વગેરેની સરેરાશ ઝડપથી બદલાઇ રહી છે. જ્યાં વિવિધતાનો સ્વીકાર ના હોય ત્યાં અવિશ્વાસ, આશંકા અને હિંસા સતત વધતાં રહે છે. અપેક્ષા તો એવી હતી કે હજારો વર્ષની દરેક પ્રકારના વૈવિધ્યના વ્યવહારિક સ્વીકારના બહોળા અનુભવના આધારે ભારત દ્વિધાથી ભરેલા રાહ પર વિશ્વને આંગળી ચીંધશે. સંખ્યાબંધ પ્રબુદ્ધો ભારત તરફની આ આ અપેક્ષાને વિશ્વ સમક્ષ મૂકતા આવ્યા છે. ભારતની આ સંસ્કૃતિને ઉંડાણથી સમજનારા આર્નોલ્ડ ટોયનબીએ આ અપેક્ષાને નીચેના શબ્દોમાં વર્ણવી હતી – ‘એ વાત સ્પષ્ટ છે કે પાશ્ચાયાતે જે અધ્યાયની શરૂઆત કરી હતી, તેનું સમાપન ભારતીયતા કરશે. માનવજાતિ સામેની આ ખતરનાક ક્ષણોમાં માનવજાતિની મુક્તિ માટે કોઇ રસ્તો હોય તો તે ભારતીય છે. ચક્રવર્તી અશોક અને મહાત્મા ગાંધીનો અહિંસાનો સિદ્ધાંત અને રામકૃષ્ણ પરમહંસના ધાર્મિક સહિષ્ણુતાનો ઉપદેશ જ માનવજાતિને બચાવી શકશે. અહીં આપણી પાસે એવી એક મનોવૃત્તિ કે ભાવના છે કે જે માનવજાતિ એક પરિવારના રૂપમાં વિકસિત થાય તેમાં સહાયક રહે. અણુયુદ્ધ જેવા સંજોગોમાં આ જ એક વિકલ્પ છે.’

મહાત્મા ગાંધી વિશ્વ ફલક પર ઊભર્યા પછી આ વિચારને સમગ્ર વિશ્વમાં સરાહના તો મળી, પરંતુ તેને અપનાવવાનું સાહસ માર્ટિન લ્યૂથર કિંગ કે નેલ્સન માંડેલા જેવા લોકો જ કરી શક્યા. ભારતની સંસ્કૃતિમાં જે સર્વશ્રેષ્ઠ હતું, અદ્વિતીય હતું તેને ઓળખીને ગાંધીએ રોજબરોજના જીવન વ્યવહારમાં તેનું નિર્વહન કર્યું. તેમણે લોકોને એકસંપ થઇને માત્ર ભારતીય બનીને રાષ્ટ્રીય સંઘર્ષમાં સામેલ થવા આહ્વાન કર્યું. ભારતનું દુર્ભાગ્ય એ રહ્યું કે ગાંધીજી સામાજિક સદ્ભાવ અને સાંપ્રદાયિક એકતાના જે મંત્ર શીખવાડી ગયા હતા તેને સ્વતંત્રતા મેળવ્યા પછી રાજકારણીઓએ અવગણી દીધા. ગાંધી તરફનું દેશનું સન્માન વાસ્તવિક અને વ્યાવહારિક હોત તો ફેબ્રુઆરી ૨૦૨૦ના અંતિમ સપ્તાહમાં થયેલી લૂંટ, હિંસા સંભવ હતી ? સંચાર માધ્યમો તેના કારણોની હંમેશાં ચર્ચા કરતા રહેશે. રાજનેતા પોતાના પક્ષીય સ્વાર્થોથી ઉપર ઊઠીને આગળ નહીં વધે અને એકબીજા પરના આક્ષેપ પ્રત્યારોપણમાં ખોવાયેલા રહેશે, ભારતનો સંપૂર્ણ સમાજ અને પ્રબુદ્ધ લોકો આગળ નહીં આવે ત્યાં સુધી દેશ પોતાના સાતા રાહ, પોતાની ક્ષમતા અને વૈશ્વિક જવાબદારીઓને નહીં સમજી શકે. તેનું નુકસાન સમગ્ર વિશ્વે ભોગવવું પડશે.

ભારત શું એવા રાષ્ટ્રપતિના સિદ્ધાંતોને નજરઅંદાજ કરશે કે જેમનું મૃત્યુ થતાં ફ્રાન્સના જાણીતા સમાજવાદી નેતા લિઓન બ્લૂમે કહ્યું હતું કે, ‘મેં તેમને કદી જોયા નથી, ના તેમના દેશ ગયો છું, ના તેમની ભાષા જાણું છું, તેમ છતાં મને લાગે છે કે મારા સ્નેહીજન મારાથી વિખૂટા પડી ગયા. સમગ્ર વિશ્વ દુઃખમાં ડૂબી ગયું છે.’ આઇન્સ્ટાઇને લખ્યું હતું કે, ‘ગાંધી જેવી સ્વીકાર્યતા, જનસાધારણનો પ્રેમ અને શ્રદ્ધા માત્ર નૈતિક ઉચ્ચ આચચરણથી જ પ્રાપ્ત થઇ શકે. ભારતના તમામ બાળકોએ પોતાના સંવેદનશીલ વર્ષોમાં જ આ તમામ હકીકતો ના જાણવી જોઇએ? આપણે શિક્ષણમાં નૈતિકતા અને ચરિત્રનિર્માણને યોગ્ય સ્થાન કેમ ના આપ્યું તે વિચારવાલાયક બાબત છે.’ વિશ્વમાં આજે વિકસિત દેશો જ નહીં પણ ગરીબ, ભૂખમરા અને અશિક્ષણનો સામનો કરી રહેલા દેશો પણ નવા હથિયારો ખરીદ કરવા પાછળ પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;