Is it possible to become a mother even after menopause?
  • Home
  • Featured
  • શું મેનોપોઝ પછી પણ માતા બનવું સંભવ બને?

શું મેનોપોઝ પછી પણ માતા બનવું સંભવ બને?

 | 3:25 am IST

હેલ્થ

જેમની ઉંમર ૪૦ વર્ષથી વધુ છે અથવા મેનોપોઝની સ્થિતિમાં પહોંચી ગયાં છે તે પણ આઇવીએફ ટેકનિક હેઠળ હવે માતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકે છે. આ ટેકનિકમાં આવશ્યક નથી કે મહિલા માસિકધર્મમાં આવતી જ હોય અથવા તેના અંડાશયમાં અંડ બનવાનાં ચાલુ જ હોય. આ પ્રક્રિયા દ્વારા ૪૦થી ૫૦ ઉંમરની મહિલાઓ પણ માતૃત્વનું સુખ મેળવી શકે છે.

હકીકતમાં લોકોમાં ટેસ્ટ ટયુબ બેબીને લઇને અત્યારે હજી પણ ખૂબ જ ગેરસમજ ફેલાયેલી છે. પહેલી ગેરસમજ એ છે કે તે કોઇ બીજાનું બાળક હોય છે, બીજું, તે બાળક સ્વસ્થ નથી હોતું, આઇવીએફ પ્રક્રિયાથી માતા અથવા બાળક પર ખૂબ જ દુુષ્પ્રભાવ પડી શકે છે વગેરે… પરંતુ આ તથ્યોમાં જરા પણ સચ્ચાઇ નથી. વિશ્વભરમાં અત્યાર સુધી આશરે ૮૦ લાખથી વધારે બાળક આ ટેકનિક દ્વારા જન્મ લઇ ચૂક્યાં છે.

વાસ્તવમાં આજકાલની વ્યસ્તતાના કારણે લોકોની દિનચર્યા અનિયમિત થઇ ગઇ છે આ કારણે તેમને તમામ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનિયમિત જીવનશૈલી સંતાનહીનતાનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યાથી બચવા માટે પોતાના જીવનમાં નિયમિત વ્યાયામ, યોગ-પ્રાણાયામને સામેલ કરવું જોઇએ. એવું કરવાથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા તો મજબૂત થાય જ છે, સાથે સંતાનહીનતા જેવી સ્થિતિનો સામનો પણ નથી કરવો પડતો. બાળક મેળવવા માગતી વ્યક્તિએ સિગરેટ, શરાબ અથવા કોઇપણ પ્રકારના હાનિકારક નશાથી દૂર રહેવું જોઇએ.

ખાન-પાનનો પણ છે મતલબ 

વધતી ઉંમરની સાથે શરીરને પોષક તત્વોની આવશ્યકતા વધારે હોય છે. આ અવસ્થામાં શરીરની કોશિકાઓ અને ઉતકોની વૃદ્ધિ ધીમી થઇ જાય છે. આ કારણે પ્રતિરોધક ક્ષમતા ઘટી જાય છે. થાક અને શારીરિક ગતિવિધિઓમાં ઓછપ જેવી સમસ્યા આવવા લાગે છે. એવામાં સાચી રીતે ખાવાથી સ્વસ્થ રહી શકાય છે. ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યાથી બચવા માટે શ્રેષ્ઠ ખાવું-પીવું ખૂબ જ આવશ્યક છે. ઉચિત અને સ્વસ્થ આહાર આઇવીએફ ટેકનિકની સફ્ળતામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે.

પુરુષો ઉપર પણ પડે છે પ્રભાવ 

એક રિપોર્ટ અનુસાર ઉંમર વધવાની સાથે પુરુષોના સીમન ઉત્સર્જનની ક્ષમતા ઘટતી જાય છે. સાથે જ તેમના સ્પર્મની ગુણવત્તા પણ ઓછી થતી જાય છે. ઉદાહરણ તરીકેે ૫૦ વર્ષના પુરુષ ૩૦ વર્ષના પુરુષની સરખામણીએ ૨૦ ટકા ઓછું સીમન ઉત્સર્જન કરે છે. ઉંમર વધતી જાય તેમ તેમ સીમનમાં રહેલા શુક્રાણુઓ નબળા પડે છે. વજાઈનામાં ઠલવાયા પછી ગર્ભાશયમાં પ્રવેશવા અને અંડ સુધી પહોંચવાની ગતિ ધીમી પડી જાય છે. આજ કારણસર પ્રૌઢ લોકોના પિતા બનવાની સંભાવનાઓ ઓછી થઇ જાય છે. જો કે પુરુષોનું બાયોલોજીકલ ક્લોક મહિલાઓ જેટલું ઝડપથી નથી ચાલતું. એટલે કે મહિલાઓની પ્રજનન ક્ષમતા પુરુષોની સરખામણીએ ખૂબ જ ઝડપથી ઘટે છે. મહિલાઓની પ્રજનન ક્ષમતા ઘટવાની શરુઆત ૩૦ની ઉંમરમાં થાય છે અને ૩૫થી ૪૦ વચ્ચે ખૂબ જ ઝડપથી ઘટે છે. પુરુષોમાં કોઇ નિશ્ચિત ઉંમરમાં આવી રીતે પ્રજનન ક્ષમતા ઝડપથી ઘટતી નથી, પુરૂષોમાં આ ખૂબ ધીમે ઘીમે થતી પ્રક્રિયા છે. ઇન્ટ્રાસાઇટોપ્લાસ્મિક સ્પર્મ ઇન્જેક્શનમાં એક અંડમાં એક શુક્રાણુને ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ ટેકનિક ઓછા શુક્રાણુવાળા પુરુષો માટે અસરકારક સાબિત થઇ છે.

શું છે વિકલ્પ 

પ્રજનન માટે ૩૫ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓના અંડની ગુણવત્તા ખરાબ થવાનો ડર વધારે રહે છે. એવા કિસ્સામાં આવી મહિલા આઇવીએફ્નો વિકલ્પ પસંદ કરી શકે છે અને જો અંડની ગુણવત્તા વધારે ખરાબ હોય, તો તે આઇવીએફ્ની સાથે ડોનર એગનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. જ્યારે કોઇ મહિલાના અંડની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોય છે, તો કોઇ અન્ય મહિલાના સ્વસ્થ અંડ આઇવીએફ ટેકનિક દ્વારા કાઢવામાં આવે છે. આવી મહિલાના પતિના શુક્રાણુની સાથે જોડીને કરી પ્રયોગશાળામાં ભ્રુણ બનાવવામાં આવે છે. તેને આઇવીએફ એગ ડોનર ટેકનિક કહેવામાં આવે છે.

  • ડૉ. પાર્થ જોશી

આઇવીએફ, એક્સપર્ટ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન