પ્રેમ પીડાનાશક છે - Sandesh

પ્રેમ પીડાનાશક છે

 | 2:22 am IST

કવર સ્ટોરી : પૂ. મોરારિ બાપુ

‘પ્રેમ’ એને હૃદયમાં સ્થાન આપવું હોય તો હૃદયમાંથી બધી જ મલિનતાઓ દૂર કરવી પડશે. કામ, ક્રોધ, લાલચ, લોભ, મોહ, સ્વાર્થ અને સ્વમાન સુધ્ધાં ભૂલવું પડશે. મનનો ઓરડો સાવ ખાલી, સાવ સ્વચ્છ થઈ આંસુથી પખાળેલો હોય તો જ પ્રેમદેવતા પધારશે…

પ્રેમ દેવતાનો પ્રસાદ 

પ્રેમ સ્વમાની છે. હૃદયમાં થોડોઘણો પણ કચરો હશે તો પ્રેમ પ્રવેશ નહીં કરે. પ્રેમ દેવતા તમારું હૃદય ખાલી હોય તેમ ઇચ્છે છે, માનો કે તમે હૃદયનો ઓરડો ખાલી કરી નાખ્યો, તો પ્રેમ દેવતા આવી જ જાય છે. પણ આ પ્રેમ દેવતા દૂરથી આવ્યા છે, કરુણા કરીને આવ્યા છે. તેમણે હૃદયમાં પગ મૂકી દીધો છે. ચરણ ધોવાનાં છે. સાધકે પૂછયું તો કહેવામાં આવ્યું કે તારી પાસે આંખોનું જળ છે? એ જળથી ચરણ ધોવામાં આવે છે. સાધકે ચરણ ધોયા. સાધકે પૂછયું : ‘તમે કહો તો ચંદન કરું.’ પ્રેમ દેવતાએ કહ્યું: ‘તારા હૃદયની શીતળતાનું જ ચાલે, તારું હૃદય ઋજુ છે?’ સાધકે કહ્યું : ‘તમે આવ્યા ત્યારે તે શાંત થઇ ગયું.’ પ્રેમ દેવતાએ ઉદારતા દર્શાવી. પૂછયુંડઃ ‘ફૂલ ચડાવું?’ દેવતાએ કહ્યું: ‘તારું પવિત્ર મન ચડાવ, એ જ સુમન ચાલશે.’ ‘ધૂપ કરું?’ ‘હા, કરો.’ ‘કયો કરું?’ વૈરાગ્યના અગ્નિમાં વાસનાને સળગાવો, તે ધૂપ જશે, તે જ મારા માટે સુગંધ બની જશે. આરતી કરું? સજ્જનના આચરણના રૂની વાટ બનાવો. ઘી કયું? જ્ઞાનનું ઘી, ચારિત્ર્યની વાટ બનાવી મારી આરતી ઉતારો. ભક્તોએ આરતી ઉતારી લીધી. પછી તેણે પ્રેમદેવતાને પૂછયું: થાળ ધરું? તમારાં સારાં-ખરાબ કર્મોનો ભોગ ધર. ભગવાન ભક્તનાં બધાં જ કર્મોને ખાઇ જાય છે. એક જ શરત કે ભગવાનને બધું જ અર્પણ કરો. તુલસીપત્ર કયું મૂકું? અનુરાગનું તુલસીપત્ર મૂકો. ભેટ ધરું? તારો રહ્યોસહ્યો અહંકાર દઇ દે, હું તેનો સદુપયોગ કરીશ બધું થઇ ગયું. આશીર્વાદ બાકી રહ્યો. સાધક ઝોળી ફેલાવી બેઠો છે, માંગવાની હિંમત નથી થતી. પ્રેમદેવતાએ પૂછયું, શું વરદાન જોઇએ છે? સાધકે કહ્યું: એ સમજણ હોત તો સાધનાથી તને પકડી ન લેત? જો કરુણા કરી. હવે શું આપવું અને શું ન આપવું તે તું જ નક્કી કર. પ્રેમ દેવતાએ કહ્યું: હવે ઝોળી ફેલાવ અને સંભાળ ઝોળી. તેમણે શરણાગતિ આપી દીધી. સાધક ધ્રૂજવા લાગ્યો. આ સંપત્તિને હું કેવી રીતે સંભાળું? એક જ કામ બાકી, બેઠા રહેવાનું, તાકતા રહેવાનું, રડતા રહેવાનું, શરણાગતિ સુધી પહોંચાડી દીધો.

જેના જીવનમાં પ્રેમ વધશે તેની અંદરના જીવંત કોષ આપોઆપ ગતિશીલ થઇ જાય છે. એ અનુભવ તો તમે સહુએ કર્યો હશે કે તમારાં માતા-પિતા, ભાઇ-બહેન, પુત્ર-પુત્રી, મિત્ર- પડોશી કે જેને તમે ખૂબ પ્રેમ કરતાં હોવ તે જો લાંબા સમયના વિરહ પછી મળે તો તેમના ક્ષેમકુશળ પૂછતા પહેલાં જ તમારી આંખમાં આંસુ આવી જાય છે, ગળું રૂંધાઇ જાય છે.

કોણ તમને આ રીતે ગળગળા અને ભાવસભર કરે છે? કોણ ઘૂસી ગયું આ તમારી અંદર કે જેણે તમને એક ક્ષણમાં ઓગાળી નાખ્યા, પીગળાવી દીધા? એ ચમત્કાર છે પ્રેમનો જે તમને જોતજોતામાં લીલાછમ્મ કરી દે છે. પ્રેમનું એવું જ છે, તમે ગમે તેટલા દુખી હોવ, ગમે તેટલી તકલીફ હોય પણ પ્રેમ હોય અને જો કોઇ પ્રેમથી તમારી સાથે વાત કરે, તમને તમારી તકલીફનું કારણ પૂછે તો પણ આપણાં મનને ઘણી જ શાતા વળે છે. એટલું જ નહીં, જેને પ્રેમ કરતાં હોવ તેની સાથે ગમે તેટલો ઝઘડો હોય, તેની સાથે ન બોલતાં હોય પણ એકવાર જો તે પ્રેમથી બોલાવે તો તરત આપણું મન ગુસ્સો ભૂલીને ફરીથી પ્રફુલ્લિત બની જાય છે. પ્રેમમાં ક્યારેય છળકપટ નથી હોતું, અને જો તમને લાગે કે પ્રેમના નામે છળકપટ થઇ રહ્યું છે તો તે પ્રેમ નથી, તે માત્ર મતલબી સંબંધો જ છે. તમે કોઇને તમારા તરફથી અઢળક પ્રેમ આપતાં હોવ અને તે વ્યક્તિ તેનો લાભ પોતાના નફા માટે કે પોતાના સ્વાર્થ માટે લેતો હોય તો તે પણ ખોટું જ છે. પ્રેમ હંમેશાં નિસ્વાર્થ અને નિરાકાર હોય છે.  એટલા માટે ગોપીઓ ઇચ્છે છે પ્રેમભીક્ષા. તેઓ એ જ કહે છેઃ હે કૃષ્ણ, હે ગોવિંદ, અમે તારા ગુણ ગાતા રહીએ, ધીરજ ધારણ કરીને રહી શકીએ. અમારી અંદર પ્રેમતત્ત્વનું જળ રહે જેથી જ્યારે તું સામે હોવ ત્યારે પણ અમે તારા સ્મરણમાં, તારા સ્મરણ માટે જીવી શકીએ. અમે હજાર માળા ફેરવીએ તો પણ એટલું કામ ન થઇ શકે જેટલું તું એકવાર અમને પણ યાદ કરી લે ત્યારે થઇ જાય. અહીં ગોપીઓને ખબર જ છે કે પ્રભુ તેમને હવે મળવાના નથી, તેમ છતાં તેઓ કૃષ્ણમય રહેવા માંગે છે, તેમના નામને જપવા માંગે છે. અહીં સ્વાર્થ નથી. અને પ્રેમ એ નિસ્વાર્થનો પર્યાય જ કહેવાય છે. ધરતી ઉપર તેનું ઉત્તમ ઉદાહરણ એક માતા પૂરું પાડી શકે છે. માતા ક્યારેય પોતાનાં બાળકોને કોઇ સ્વાર્થને કારણે પ્રેમ નથી આપતી. તે હંમેશાં તેનાં બાળકોનું ઉત્તમ જ વિચારે છે અને પોતે દરેક દુઃખ સહન કરીને બાળક માટે બધું જ હાજર કરે છે, તે જ તો સાચો પ્રેમ છે.

માનસ બોધઃ 

મેં ક્યાંક વાંચ્યું હતું, માણસ ભીખ માંગી રહ્યો હતો. બજારમાં કેટલાય લોકો જઇ રહ્યા હતા, કોઇ તેને કાંઇ આપતું ન હતું. તેને ખૂબ ભૂખ લાગી હતી, તેને કોઇ પાસે માગવાનો અધિકાર હતો, કારણ કે ક્ષુધા તેને ભીખ માગવાને યોગ્ય બનાવી ચૂકી હતી. પણ તેને કોઇ કાંઇ આપતું ન હતું. આખી દુનિયા પોતાની રીતે વ્યસ્ત અને મસ્ત હતી. એક સંત તેની પાસેથી નીકળ્યા, પરંતુ તે સંત પણ ભૂખ્યા હતા. ખગ ખગની બોલી સમજી જાય છે. જેમ ઘાયલ કી ગત ઘાયલ જાણે એ રીતે જાણી જાય છે. સંતે વિચાર્યું કે મારી પાસે કાંઇ નથી પરંતુ તેની પાસે જઇને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. ભીખારી રડી પડયો. આ દુનિયામાં લોકોએ મને ઘણું બધું આપ્યું, પણ આટલો પ્રેમ ક્યારેય નથી આપ્યો. બાબા, કાલે અહીંથી નીકળો તો ત્યારે પણ તમે કૃપા કરજો. આટલું કરો, કોઇને પ્રેમ આપો, કરુણા આપો. સૌ પાસે આ સંપદા તો છે જ. પ્રેમવૃદ્ધિની સપ્તપદી

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન